મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આફત કે અવસર

- ચાલ જિંદગી મારી સાથે એક બહુ પ્રસિદ્ધ કહેવત છે કે ‘When Life Gives You lemons, Make Lemonade’. જ

શતરંગ / આફત કે અવસર

- ચાલ જિંદગી મારી સાથે

એક બહુ  પ્રસિદ્ધ કહેવત છે કે ‘When Life Gives You lemons, Make Lemonade’. જીવન ઘણી વાર આપણી સામે એવી પરીસ્થિતી મૂકી દેતું હોય છે કે જયારે આપણને લાગવા લાગે છે કે હવે હું આગળ શું કરીશ? અહીં તો મારું જીવન પૂરું થઇ ગયું. મારામાં રહેલી કોઈ વિકલાંગતા કે શારીરિક અપૂર્ણતા કે કોઈ બીમારીના કારણે હવે હું ક્યારેય આગળ નહિ વધી શકું. પણ શું ખરેખર એવું હોય છે કે કોઈ  વિકલાંગતા કે કોઈ બીમારી તમને સપનાં જોતા અટકાવી શકે કે એને પુરા કરતાં અટકાવી શકે? જવાબ છે ‘ના’ અને આ ‘ના’ ના જવાબને આજે આપણે બે અલગ અલગ ઉદાહરણથી સમજીશું જે બંને સત્ય ઘટના છે..

પહેલું ઉદાહરણ આપણે જોઈશું શ્રીકાંત બોલ્લા કે જેમના જીવનપર અને જેમની સિદ્ધિઓ પર તાજેતરમાં જ film આવી છે  જેનું નામ છે ‘શ્રીકાંત’. જેમાં રાજકુમાર રાવ એ અભિનય કર્યો છે. શ્રીકાંત બોલ્લા એટલે કોણ? જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ, આઇ.આઇ.ટી રીજેક્ટેડ, એમ.આઈ.ટી સિલેક્ટેડ અને આજે આશરે ૪૦૦ કરોડનું મુલ્ય ધરાવતી કંપનીના માલિક.  પણ શું શ્રીકાંત બોલ્લા એટલે આટલું જ? ના...એ તો ઉર્જાના ભંડાર કહેવાય અને અનેક લોકોના હૃદયની એ આગ કહેવાય કે જેના લીધે માણસો જીવતાં હોય છે.  આ શ્રીકાંત બોલ્લા કે જેઓએ બોલેન્ટ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી કે જેમાં  આજે આશરે 600 જેટલા કર્મચારીઓ છે જેમાં 40 થી 50 ટકા કમર્ચારીઓ વિકલાંગ છે. આ કંપની આશરે 150 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. 

આ શ્રીકાંત જન્મથી જ દ્રષ્ટીહીન હોવાના કારણે એમના માતા પિતાને એમને છોડી દેવા અનેક લોકો એ કહ્યું પણ એમના માતા પિતા એ એમની તમામ બચત એમના શિક્ષણ પાછળ ખર્ચી નાખી. 6 વર્ષની ઉંમરથી છેલ્લી બેન્ચ પર બેસનાર બેકબેન્ચર રહેલા શ્રીકાંત એ  દસમાં ધોરણ ટોપ કર્યું. તેઓ વિજ્ઞાન પ્રવાહ સાથે આગળનો અભ્યાસ કરવાં માંગતા હતા પરંતુ નેત્રહીન વિદ્યાર્થીઓ માત્ર આર્ટસ પસંદ કરી શકતાં હોવાથી શ્રીકાંત આ નિયમ વિરુદ્ધ કોર્ટમાં ગયા અને જીતી પણ ગયા. આ કેસ જીતીને એમણે અન્ય નેત્રહીન વિદ્યાર્થીઓ માટે માર્ગ ખોલી દીધો. પણ અહિયાં એમનો સંઘર્ષ પૂરો ના થયો. 12 ધોરણમાં 98 ટકા લાવ્યા પછી પણ એમને આઈ.આઈ.ટી એ રીજેક્ટ કર્યા પણ વિશ્વની સૌથી મોટી યુનીવર્સીટી એમ.આઈ.ટી. એ શ્રીકાંતને એડમીશન તો આપ્યું જ અને સાથે સ્કોલરશીપ  પણ આપી. ૨૦૧૨માં તેઓ ભારત પરત ફર્યા અને કંપનીની શરૂઆત કરી.  શું સમજાવે છે શ્રીકાંત આપણને? હાથ ના હોવા, પગ ના હોવા, દ્રષ્ટિ ના હોવી કે અન્ય કોઈ પણ વિકલાંગતા ના કારણે એમ કહેવું કે મારી આવી પરિસ્થિતિના કારણે મારે જે કરવું હતું એ હું ના કરી શક્યો એ માત્ર છટક બારી છે. જીવને આપેલ સંઘર્ષને કેવી રીતે સુંદર બનાવીને લોકો માટે પ્રેરણા રૂપ બનવું એ આપણને શીખવાડ્યું છે શ્રીકાંત એ. એમણે શીખવાડ્યું છે કે કોઈ વિકલાંગ માણસને તમે દયા ના બતાવો, એ લોકો એટલા જ સક્ષમ છે જેટલા તમે કે હું કે પછી કદાચ આપણા કરતા પણ વધારે. 

આવું જ એક બીજું ઉદાહરણ એટલે અભિનેત્રી સુધા ચંદ્રન. સુધા ચંદ્રન એક એવું નામ કે જેને કોઈ પરિચયની જરૂર નથી. સુધા ચંદ્રન 3 વર્ષની ઉંમરથી અભિનય કરતાં અને 8 વર્ષની ઉંમરથી એમણે ભરતનાટ્યમ શીખ્યું હતું. ભરતનાટ્યમ માટે એમને ખુબ જ પ્રેમ હતો. 16 વર્ષની ઉમર સુધી લગભગ ૭૫ જેટલા સ્ટેજ શો તો કરી નાખ્યા હતા. એમ કહી શકાય એ ભરતનાટ્યમમાં ખુબ આગળ વધવા માંગતા હતા પણ નસીબ ને કંઈક અલગ જ મંજુર હતું. 16 વર્ષની ઉંમરે એક એક્સીડેન્ટમાં એમના પગમાં ઈજા થઇ અને એને કાપવો પડ્યો. દુનિયા એ ધારી લીધું કે હવે સુધાનું સપનું અહીં જ તૂટી ગયું. લોકો એમના પર દયા ખાવા લાગ્યા પણ 16 વર્ષની સુધા એ હાર ના માની. એમને નંક્કી કર્યું કે હું ભરતનાટ્યમ ને ક્યારેય નહિ છોડું અને એટલા માટે એમણે એમના પરિવાર ના સહકારથી પ્રોસ્થેટીક લેગ લગાવનું નક્કી કર્યું. થોડો સમય એ   પ્રોસ્થેટીક લેગ સાથે અનુકુલન સાધવામાં નીકળી ગયો અને બે વર્ષ બાદ એક દિવસ ફરી સુધા એ શરુ કર્યું ભરતનાટ્યમ કરવાનું અને ઈતિહાસ સર્જી દીધો. એમને અનેક પુરસ્કારોથી નવાઝવામાં આવ્યા છે. આજે  પણ એ ટેલીવિઝન અને film ક્ષેત્રે પોતાના અભિનયથી અને એમના ભરતનાટયમના નૃત્યથી બધાને મંત્રમુગ્ધ કરી દે છે. ૧૯૮૬ માં આવેલી ફિલ્મ ‘નાચે મયુરી’ એમના જીવન પર આધરિત જોવા જેવી એક પ્રેરણાદાયી ફિલ્મ છે.

આ શ્રીકાંત બોલ્લા હોય કે સુધા ચંદ્રન હોય એ બધા આપણને શીખવે છે કે જીવનમાં આવેલી આફતોને અવસર બનાવો, પોતાનામાં રહેલી કોઈ પણ પ્રકારની ખામીને શક્તિમાં પરિવર્તિત કરો, વિકલાંગતા એ શારીરિક નહિ પણ માનસિક અવસ્થા છે. કોઈ પણ પ્રકારની આવી પરિસ્થિતિ આપણને તક આપે છે કે નસીબને દોષ આપ્યા કરવું અને બીજું કે એવું ઉદાહરણ બની જવું કે જે ઇતિહાસમાં અંકિત થઇ જાય. 

તો જો પ્રભુ એ તમારા કોઈ પણ પ્રકારની વિકલાંગતા નથી મૂકી, તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છો, તમે બીમાર નથી તો પ્રભુનો આભાર માનજો અને જો આવી કોઈ પરિસ્થિતિ છે પણ તો હાર ના માનો...જીવન એક જ વાર તો મળે છે અને જો એક જ વારમાં ઈતિહાસ રચવાનો છે તો ઉભા થાઓ, સપનાં જુઓ, એને પુરા કરવા માંટે દોડો અને ઈતિહાસ રચો અને ઈતિહાસ રચીને આભાર માનો જીવનનો કે થેંક યુ જિંદગી મને જીવાડવા માટે અને જીવતો રાખવા માટે અને મને એટલો સક્ષમ બનાવવા માટે કે  કે હું જોરથી કહી શકું કે, ’ચાલ જિંદગી મારી સાથે’....

- અર્ચના તેજસિંહ ચૌહાણ 

આ સમાચાર શેર કરો