મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / શું 5 શિલિંગના ભાવ વધારાએ ભારતને ગુલામ બનાવ્યું?

- ઇતિહાસ ગાથા આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે કોઈ સામાન્ય ઘટના ઇતિહાસના મહાન પરિવર્તનો માટે કારણભૂત બનતી હોય છે.

શતરંગ / શું 5 શિલિંગના ભાવ વધારાએ ભારતને ગુલામ બનાવ્યું?

- ઇતિહાસ ગાથા

આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે કોઈ સામાન્ય ઘટના ઇતિહાસના મહાન પરિવર્તનો માટે કારણભૂત બનતી હોય છે. પ્રથમ વિશ્વ યુદ્ધનો એક સામાન્ય ઘાયલ સૈનિક જીવિત રહ્યો અને બીજા વિશ્વ યુદ્ધનું કારણ બન્યો. એ સૈનિક એટલે જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર. આવી જ એક તદ્દન સામાન્ય ઘટના ભારતને ગુલામ બનાવવામાં કારણભૂત બની. એ ઘટના કંઇક આવી હતી.....

યુરોપમાં મરી-મસાલાનો વ્યાપાર કરતા ડચ વ્યાપારીઓએ મરીના ભાવમાં એક રતલે પાંચ શિલિંગનો વધારો કર્યો. એક રતલ એટલે 553 ગ્રામ જેટલું વજન. આ ભાવ વધારો તદ્દન બિનજરૂરી અને અન્યાયી હતો. ડચ વ્યાપારીઓની થોડી એવી લાલચ વિશ્વ ઇતિહાસમાં કેવો ઉલટફેર કરવાની હતી તેનો તો કોઈને અંદાજ પણ ક્યાંથી હોય!

હવે, આ 5 શિલિંગનો ભાવ વધારો સ્વીકારવાને બદલે બ્રિટનના વ્યાપારીઓ તેનો ઉકેલ શોધવા માટે એકઠા થયા. આ ઐતિહાસિક બની જવા પામેલી મીટીંગ સપ્ટેમ્બર 24, લીડનહોલ સ્ટ્રીટના એક ભંગાર કહી શકાય એવા મકાનમાં થઇ. જેમાં બ્રિટનના 24 વ્યાપારીઓએ નક્કી કર્યા મુજબ 125 શેરહોલ્ડરો અને 72,000 પાઉન્ડની મૂડી સાથે એક કંપની શરુ કરી. તેનો છૂપો ઈરાદો ડચ વ્યાપારીઓને ભાવ વધારો આપવો ન પડે અને પોતાને થોડોક નફો થાય એ હતો. પણ માત્ર નફાના ઉદ્દેશ્ય સાથે શરુ થયેલી આ કંપની આગળ જતા ‘બ્રિટીશરાજ’ના પાયાનો પથ્થર બની.

16મી સદીના અંતિમ વર્ષે 31 ડિસેમ્બર, 1599 ના રોજ કંપનીને સત્તાવાર મંજૂરી મળી અને કંપનીનું નામકરણ થયું ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’. આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપની ભૂશિરની પેલે પારના દેશો એટલે કે પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવાનો પરવાનો આપવામાં આવ્યો. આ પરવાનો બ્રિટનના રાણી વિક્ટોરિયા તરફથી આપવામાં આવ્યો હતો. 15 વર્ષ સુધી વ્યાપાર કરવામાં માટે આ કંપનીને સત્તાવાર પરવાનો મળ્યો હતો. પરવાનો મળ્યાના 8 મહિના પછી ભારતના પશ્ચિમ છેડે આવેલા સુરત બંદરે ‘હેક્ટર’ નામનું જહાજ લાંગર્યુ. ઓગસ્ટ 24, 1600ના રોજ બ્રિટીશ જહાજ ભારતમાં લાંગરતા ભારતમાં એક નવા યુગના એંધાણ થયા. વિલિયમ હોકિન્સ નામના એક જહાજના કપ્તાને સાવ સામાન્ય રીતે ભારતમાં પ્રવાસ કર્યો. અનેક સપનાઓ લઈને ભારત આવેલો આ કપ્તાન તેની સ્વપ્ન નગરી ભારતમાં પ્રવેશતા ઘણો નિરાશ થયો હતો. તેણે જેવું વિચાર્યું હતું તેનાથી તદ્દન અલગ અહીનું વાતાવરણ તેણે જોયું. પણ એ નિરાશા મુઘલ દરબારને જોયો નહીં ત્યાં સુધી જ રહી.

કેપ્ટન હોકિન્સ આગ્રા ખાતે ભારતના મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં જાય છે. અને ત્યારે જો આપણે દંતકથાઓને સાચી માનીએ તો એવું કહેવાય છે કે, જહાંગીરની જાહોજલાલી જોઇને હોકિન્સ એવું બોલેલો કે ‘આ સમ્રાટની આગળ તો બ્રિટનના મહારાણી તો કોઈ વિસાતમાં નથી.’ આ દંતકથા જ છે કે હકીકતમાં તે આવું બોલ્યો હશે એ તો એ જાણે પણ એ વાત તદ્દન ખોટી પણ ન હતી. મુઘલો પોતાના શાસન કાળમાં દુનિયાના કોઈપણ સમ્રાટ કરતા વધુ શક્તિશાળી ને જાહોજલાલી ભોગવતા સુલતાનો હતા. ભારત જેવા વિશાળ દેશ પર સત્તા
ભોગવતા એ મુઘલ સુલતાનો પાસે તો ખુદ કુબેરને પણ ઈર્ષ્યા થાય એટલી દોલત હતી. એ સમયે ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. એટલે કોઈ પણ વિદેશી વ્યાપારી તેનાથી અંજાઈ જાય એ સ્વાભાવિક જ હતું.

જહાંગીરના શાહી દરબારમાં અંગ્રેજ કપ્તાન હોકિન્સનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. મુઘલ બાદશાહે તેને શાહી મહેમાન બનાવ્યો. લેરી કોલીન્સન અને ડોમિનિક લેપિયરના પુસ્તક ‘અડધી રાતે આઝાદી’માં તેમણે લખ્યું છે કે, મુઘલ બાદશાહ જહાંગીરે પોતાના જનાનખાનામાંથી એક અતિશય સુંદર આર્મેનિયમ છોકરી હોકિન્સને ભેટ આપી.

ભારતમાં આવીને સ્વર્ગીય આનંદ માણતા હોકિન્સની ખુશીમાં વધારો કરતા જહાંગીરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઈમાં વ્યાપાર કરવાનો પરવાનો આપ્યો અને એના થોડા જ સમયમાં મરી,મસાલા, ખાંડ, ગુંદર, કાચું રેશમ અને સુતર તેમજ મલમલથી ભરેલા જહાજો બ્રિટન ભેગા થવા માંડ્યા. ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’નો ભારતમાં વ્યાપાર એ હદે થવા માંડ્યો કે કંપનીના શેરધારકો રાતોરાત માલામાલ થઇ ગયા. કેટલીક વાર તો બસો બસો ટકા ડિવિડન્ડ વહેંચાયું.

આમ, ભારતમાં વ્યાપાર કરવા આવેલી આ કંપનીના મનસુબા સાકાર થતા ગયા. આપણે ત્યાં કહેવત છે ને! ‘આંગળી દેતા પહોંચો પકડવો’, ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આંગળી તો મળી ગઈ. હવે તે પહોંચો કઈ રીતે પકડે છે એ જોઈએ આગળના પ્રકરણમાં....

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો