શતરંગ / સાત મહીના બાકી હોવા છતાં પાકિસ્તાનમાં ઉપડ્યું ચેમ્પિયન્સ ટ્રોફીનું લેબર પેઈન
- ટાઈમ આઉટ અત્યારની ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે

- ટાઈમ આઉટ
અત્યારની ભારત સરકારનું વલણ સ્પષ્ટ છે કે ICC દ્વારા આયોજિત અથવાતો અન્ય એવી કોઈ ટુર્નામેન્ટ જેમાં બેથી વધુ દેશો ભાગ લઇ રહ્યા હોય તે સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમવાને મંજૂરી નહીં અપાય. એક બીજું વલણ પણ સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં ભારત વિરોધી તત્વો ફૂલ્યાફાલ્યા હોવાને કારણે ઉપરની શરત પૂર્ણ થતી હોય તો પણ ભારતીય ક્રિકેટ ટીમને ક્રિકેટ રમવા માટે કોઇપણ સંજોગોમાં પાકિસ્તાન જવા નહીં દેવાય.
કોઇપણ સ્પોર્ટ્સ બોડી દેશની સરકારની મંજૂરી વગર કોઇપણ દેશમાં જઈને પોતાની ટીમને રમવાની પરવાનગી આપતી નથી એ સ્પષ્ટ છે. તેમ છતાં આજકાલ પાકિસ્તાનમાં આવતે વર્ષે ફેબ્રુઆરીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા રમવા કેમ ન આવે? અમે કહીએ એટલે આવવું જ જોઈએ એ પ્રકારના હાકોટા પડકારા શરુ થઇ ગયા છે.
જો કે પાકિસ્તાનીઓ માટે આ નવું નથી. 2023ના એશિયા કપ પહેલાં પણ આવું જ બધું શરુ થઇ ગયું હતું. એ વખતે એશિયા કપ પછી તરત જ ભારતમાં પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ રમાવાનો હતો એટલે પહેલા PCBના ચેરમેન રમીઝ રાજા અને પછી તેમના સ્થાને આવેલા નજમ સેઠીએ કહી દીધું હતું કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો અમેય વર્લ્ડ કપ રમવા ભારત નહીં જઈએ!
થયું શું? ભારત તો એશિયા કપ રમવા પાકિસ્તાન ગયું જ નહીં બલકે પાકિસ્તાનના ભાગે પાકિસ્તાનમાં જ નેપાળ જેવી પરચૂરણ મેચ આવી અને ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી અને કપ જીતી પણ લીધો. આટલું જ નહીં પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવી પણ ખરી અને સેમીફાઈનલમાં ક્વોલીફાય થયા વગર ઘરે પરત જતી રહી.
પાકિસ્તાને નાક લીટી તાણી એ પાછળ ICC દ્વારા લાગનારા સંભવિત પ્રતિબંધ હતા જેનો અમલ જો થાય તો ઓલરેડી ગરીબીમાં જીવી રહેલું PCB તૂટી જાય એટલે પાકિસ્તાન પાસે એ સમયે અન્ય કોઈ રસ્તો ન હતો. પરંતુ આ વખતે વાત જરા જુદી છે. કોઇપણ ICC ટુર્નામેન્ટની યજમાની કરવી એ ક્ષેત્રીય ટુર્નામેન્ટની યજમાની કરવાની સરખામણીએ બહુ સન્માનની વાત હોય છે. પાકિસ્તાને અત્યારસુધી બે વર્લ્ડ કપ ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે સહયજમાનીમાં આયોજિત કર્યા છે પરંતુ ક્યારેય એકલે હાથે કોઈ મોટી ICC ઇવેન્ટ હોસ્ટ નથી કરી.
આ પ્રથમ વાર PCBને એવી તક મળી છે કે તે એકલે હાથે કોઈ મોટી ICC ટુર્નામેન્ટ આયોજિત કરે અને પાકિસ્તાનની છાપ દુનિયાભરમાં બદલી જાય તેવો પ્રયાસ કરે. આ માટે જે ત્રણ મેદાનોમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એટલેકે લાહોર, કરાચી અને રાવલપીંડીના સ્ટેડિયમોને રિનોવેટ કરવાના શરુ કરી દેવાયા છે અને આ માટે એક મોટી રકમ પણ PCBએ છૂટી કરી છે. વળી હાલના PCB ચેરમેન મોહસીન નકવી એ પાકિસ્તાનના આંતરિક સુરક્ષા મામલાઓના મંત્રી પણ છે જે આપણા ગૃહ મંત્રાલયની સમકક્ષ ગણવામાં આવે છે. આથી એમની સરકાર માટે પણ આ નાકનો સવાલ છે કે તે કોઇપણ હિસાબે પોતાની પ્રજાને દેખાડી શકે કે જુઓ અમારા પ્રયાસથી ટીમ ઇન્ડિયા પાકિસ્તાનમાં રમવા આવી છે.
એવામાં જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન પ્રવાસ ન કરે અને પોતાની હાઈબ્રીડ મોડલ પર રમવાની માંગણી પર કાયમ રહે તો પાકિસ્તાનની ઈમેજને તો ધક્કો પહોંચશે જ પરંતુ તેણે કરેલો તમામ ખર્ચો માથે પડશે અને મોહસીન નકવી અને તેમની સરકારનું નાક કપાશે એ નફામાં. આથી ઉતાવળમાં PCBએ ભારતની તમામ મેચો અને ફાઈનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં જ રમાડવાની જાહેરાત કરી દીધી છે અને ટીમને પ્રેસીડેન્શીયલ સિક્યોરીટી આપવાની પણ ઘોષણા કરી દીધી છે.
મુદ્દો અહીં સિક્યોરીટીનો જરૂર છે પરંતુ તેની પાછળ એક મોટો મુદ્દો એ છે કે પાકિસ્તાન હજી પણ ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ નથી કરી રહ્યું. એવામાં ભારત સરકારની શરૂઆતમાં કહેલી શરતો પૂરી થતી હોવા છતાં ટીમને પાકિસ્તાનમાં જઈને રમાડવાની જરાય ઈચ્છા નથી. હવે જો ICCની જ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાય તો એ નિયમમાં છૂટછાટ તો નથી આપવાની પણ આપણી ટીમ એ દેશમાં જઈને રમે જે આજે પણ આપણા અસંખ્ય જવાનોને વીરગતી પ્રાપ્ત કરવા માટેનું મુખ્ય કારણ બની રહ્યો છે એ ભારત સરકાર માટે બહુ કપરો નિર્ણય બની રહેશે.
પહેલી નજરે તો એ સ્પષ્ટ છે જ કે સરકાર ટીમને પાકિસ્તાન નહીં જ મોકલે અને BCCIને એ માટે પ્રયાસ કરવા માટે કહેશે કે તે કોઇપણ રીતે ICCને હાઈબ્રીડ મોડલ માટે મનાવી લે. BCCI આમ તો ICCમાં સર્વેસર્વા છે પરંતુ તેમ છતાં તેના માટે ICCમાં રહેલા અન્ય દેશોના અધિકારીઓને મનાવવાનું સહેલું નહીં રહે.
આ વર્ષે નવેમ્બર મહિનામાં એક રસ્તો ઉભી થઇ શકે છે અને તે છે કે જય શાહ. જય શાહ જે હાલમાં BCCIના સેક્રેટરી છે તેઓ કદાચ નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં ICCના ચેરમેન બનશે. જય શાહ ACC એટલેકે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પણ અધ્યક્ષ છે અને તેમણે જ ગત એશિયા કપ માટે હાઈબ્રીડ મોડલને મંજૂરી આપી હતી. આથી જો જય શાહ હવે ICCના અધ્યક્ષ બની જાય તો પાકિસ્તાન ભલે આક્રોશિત થાય પણ હાઈબ્રીડ મોડલને મંજૂરી મળી જાય અને કદાચ ટાઢા પાણીએ ખસ જતી રહે.
પરંતુ જો એવું થાય તો અત્યારથી જ આર યા પારના મૂડમાં આવી ગયેલા PCBના વિવિધ અધિકારીઓ. પાકિસ્તાની પત્રકારો અને યુટ્યુબરોની ઉત્તેજના કયા ચરમ પર પહોંચશે એ જોવાનું રસપ્રદ રહેશે. આ તમામ અત્યારે જાહેરમાં કેવું વર્તન કરી રહ્યા છે અને તેની શું અસર આવનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર પડશે તેની ચર્ચા આપણે આવતા રવિવારે ટાઈમ આઉટમાં કરીશું.
- સિદ્ધાર્થ છાયા








