મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હિંદુત્વના બજારમાં મંદી અને લોકશાહીના બજારમાં તેજી!

- અર્થ અને તંત્ર અર્થતંત્રમાં બજારમાં હરીફાઈ હોય તો ગ્રાહક

શતરંગ / હિંદુત્વના બજારમાં મંદી અને લોકશાહીના બજારમાં તેજી!

- અર્થ અને તંત્ર 

અર્થતંત્રમાં બજારમાં હરીફાઈ હોય તો ગ્રાહકોને લાભ થાય છે અને જો ઈજારો હોય તો નુકસાન થાય છે એમ કહેવાય છે. જે આર્થિક બજાર માટે સાચું છે તે જ રાજકીય બજાર માટે પણ સાચું છે. ભગવાન રામને નામે ભાજપ અને નરેન્દ્ર મોદી છેલ્લાં દસ વર્ષના અનુભવને આધારે લોકસભામાં ૪૦૦થી વધુ બેઠકો મેળવીને ભારતના રાજકીય બજારમાં પોતાનો ઈજારો ઊભો કરવા માંગતા હતા. પણ તેમની મહેચ્છા ફળી નહિ કારણ કે વિપક્ષો લડે કે ના લડે, પણ લોકો જ ભાજપ સામે ચૂંટણી લડતા હોય એવું વાતાવરણ દેશના અનેક વિસ્તારોમાં ઊભું થયું હતું. 

૧૯૯૮માં સ્થપાયેલું એનડીએ અને ૨૦૨૩માં સ્થપાયેલું ઇન્ડિયા, એ બંને વચ્ચે હવે સ્પર્ધા જામી છે. બંને બાજુ ઢગલાબંધ પક્ષો છે અને તેમની પોતાની લોકસભાની બેઠકો છે. ભાજપની ૨૪૦ અને કોંગ્રેસની ૯૯ બેઠકો ગણીએ તો ૩૩૩ બેઠકો થઈ. બાકીની ૨૧૦ બેઠકો દેશના નાના નાના પ્રાદેશિક પક્ષો પાસે છે. એ બધા પોતપોતાના પ્રદેશોમાં ભાજપ સામે અને કોંગ્રેસ સામે હરીફાઈમાં છે. 

લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી પણ એનડીએને નથી મળી. એટલું જ નહિ પણ ભાજપને ૫૦ ટકાની સામાન્ય બહુમતી પણ નથી મળી. પરિણામે હવે કોઈ પણ બંધારણીય સુધારો જે ગઈ લોકસભામાં આસાનીથી બે-તૃતીયાંશ બહુમતીને જોરે કરી દેવામાં આવતો હતો તે હવે નહિ થાય. એવા કોઈ પણ  સુધારા માટે પહેલાં એનડીએમાં જ સર્વસંમતિ જોઈશે અને પછી તેને માટે ઇન્ડિયા તૈયાર હશે તો જ તે પસાર થઈ શકશે. 

પરમાત્માએ પોતાને મોકલ્યો છે એમ કહીને નરેન્દ્ર મોદી લોકોના મનમાં એમ ઠસાવવા માગતા હતા તેઓ જે કંઈ કરે તેને પરમાત્મા માન્ય ઠરાવે છે અને એટલે કોઈ અવાજ તેમની સામે ઉઠાવવાનો નહિ. સવાલ ઉઠાવનાર વ્યક્તિ તો દેશદ્રોહી છે, હિંદુવિરોધી છે, અર્બન નક્સલ છે એવી જ બધી ગાળો નરેન્દ્ર મોદી, ભાજપના નેતાઓ અને આરએસએસના લોકો અને તેમના ટેકેદારો કે મતદારો આપતા રહ્યા. આ રાજાશાહીનું લક્ષણ છે, તાનાશાહીની રીતરસમ છે. એ હવે ઝાઝી નહિ ચાલે.  

લોકસભામાં અને લોકસભાની બહાર હવે બરાબરની રાજકીય હરીફાઈ જામી છે. દરેક રાજકીય પક્ષની માંગ જુદી જુદી છે અને પુરવઠો તો માત્ર સરકારની નીતિઓ અને કાર્યક્રમોમાં જ છે. એનડીએનો પોતાનો કોઈ એક જ ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો નહોતો. એટલે હવે ભાજપ અને મોદી એમ કહી શકે ખરા કે અમારા હાથ બંધાયેલા છે એટલે અમે વચનો પાળી શકીએ તેમ નથી. લોકોના મનમાં આ દલીલ  કેટલી ઊતરે છે તે પ્રશ્ન છે. એનડીએના પક્ષોએ પણ પોતપોતાના ઢંઢેરા બહાર પાડ્યા હતા એટલે તેમનાં વચનો પણ સરકાર ચલાવતી વખતે મોદીએ ધ્યાનમાં લેવાં પડે.  

પરંતુ એક વાત નક્કી છે કે રાજકીય હરીફાઈ વધી છે એટલે ઇડી, ઇન્કમ ટેક્સ અને સીબીઆઈના દરોડા પાડવાની રીતરસમ પર અંકુશ આવશે. વળી, નરેન્દ્ર મોદીએ એનડીએના ઘટક પક્ષોને મહત્ત્વ આપવું પડશે અને તેમની માગણીઓને સંતોષવી પડશે. જો એમ નહિ થાય તો પછી સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે. જે અત્યાર સુધી ઈજારદાર પેઢીના માલિકની જેમ વર્તતા હતા એ મોદીએ હવે અન્ય રાજકીય પેઢીઓ પણ તેમની જ વસ્તુના બજારમાં છે એનું ધ્યાન રાખવું પડશે. આ થઈ ઈજારાયુક્ત હરીફાઈ. 

સૌથી મોટી ઘટના એ છે કે છેલ્લાં દસ વર્ષમાં દેશમાં એવું પ્રસ્થાપિત કરવાનો ભરચક પ્રયાસ ભાજપ અને આરએસએસ દ્વારા એવો કરવામાં આવ્યો કે તેઓ જ હિંદુ ધર્મના રક્ષક છે અને તેમને જ હિંદુઓ અને હિંદુ ધર્મની ચિંતા છે. વોટ્સએપ અને ફેસબૂક જેવાં સામાજિક માધ્યમોમાં ભાજપે તેના આઈટી સેલ દ્વારા જે જુઠ્ઠાણાં ચલાવ્યાં તેનાથી આ છાપ ઊભી થઈ. પરંતુ જે નાગરિકોએ ઇન્ડિયાને મત આપ્યા તેમાં કરોડો હિંદુઓ પણ છે. એટલે હિંદુઓ અને હિંદુ ધર્મનો ઈજારો પોતાની પાસે છે એવો જે ભ્રમ રાજકીય બજારમાં ફેલાવવામાં આવ્યો ફરી એક વાર ખોટો સાબિત થયો.  

અયોધ્યામાં જ ભાજપ હારે એ શું બતાવે છે? શું એ એમ બતાવે છે કે અયોધ્યાના લોકો પણ જે રીતે રામ મંદિર બનાવવામાં આવ્યું તેનાથી નારાજ છે? અને હા, ભાજપના ઉમેદવાર ત્યાં હિંદુ હતા તો કોંગ્રેસના જે ઉમેદવાર જીત્યા તે પણ હિંદુ જ હતા. બે હિંદુ ઉમેદવારો વચ્ચેની જ એ લડાઈ હતી. અયોધ્યાનું રામ મંદિર દેશના લોકો માટે ઘણું મહત્ત્વનું હતું, પરંતુ અયોધ્યાના લોકો માટે તેમનાં ઘર અને દુકાનો પર ફરી વળેલાં જેસીબી મશિન અને છીનવાઈ ગયેલી રોજગારી વધુ મહત્ત્વનાં હતાં. આમ, ભાજપનો ભ્રમ ભાંગી ગયો. એનો કહેવાતો ઈજારો તૂટી ગયો. હિન્દુત્વના બજારમાં હવે મંદી આવશે એ નક્કી છે. હિન્દુત્વ એ હિંદુ ધર્મ નથી એમ લોકો સહેજ સમજ્યા છે એમ પણ કહેવાય. 

આ જ બાબત હવે લોકસભામાં પણ દેખાશે. કોઈ પણ નીતિ કે કાયદાના સંદર્ભમાં જેમ ગઈ લોકસભામાં મોદીનું બુલડોઝર ચલાવવામાં આવતું હતું તેમ હવે નહિ ચાલે. અને લોકસભાની બહાર દરેક મુદ્દે હિંદુ-મુસ્લિમ કરાતું  હતું તેમ પણ હવે નહિ ચાલે. મોદીએ અને ભાજપે ઉત્તરદાયી બનવું પડશે. હિન્દુત્વનો ઠેકો પરમાત્માએ ભાજપને અને આરએસએસને આપ્યો છે એમ સમજી લેવાતું હતું અને એને આધારે કહેવાતું હતું કે પોતે જ દેશપ્રેમીઓ છે અને બાકીના દેશદ્રોહીઓ છે. આ ભાષા ભારતીય સમાજને તોડનારી હતી અને તેના પર બ્રેક લાગશે કદાચ, કારણ કે તેનો વિરોધ કરનારા રાજકીય પક્ષો હવે છૂટાછવાયા નથી પણ ‘ઇન્ડિયા’ નામ સાથે સંગઠિત છે. ધર્મનો રાજકીય ધંધો ઓસરે એવી લોકશાહી તક પૂરી તાકાત સાથે ઊભી થઈ છે. અને તેથી લોકશાહીના બજારમાં તેજી આવી છે એમ કહેવાય. 

લોકસભાની ચૂંટણીનાં પરિણામોથી લોકશાહી બચી ગઈ છે એમ પણ કહેવાય કારણ કે લોકશાહીની બંધારણીય સંસ્થાઓ પર નરેન્દ્ર મોદીની સરકારે મરણતોલ ફટકા માર્યા હતા. ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સીબીઆઈ, ઇડી અને શિક્ષણ સંસ્થાઓ સહિતની અનેક સંસ્થાઓને મોદીના રંગે રંગવાનો ભરચક પ્રયાસ થયો અને પાયાના મૂળભૂત અધિકારોનો વીંટો વળી ગયો. વાણી અને અભિવ્યક્તિની આઝાદી તો જાણે પોથીમાંનાં રીંગણાં જેવી બની ગઈ. ગુજરાતમાં તો તેનો અહેસાસ એમને વધુ થાય કે જેઓ કોઈક મુદ્દે સભાઓ ભરવા માંગે, દેખાવો યોજવા માંગે, ચર્ચા કરવા માંગે છે. આઝાદી જો કોઈને હોય તો તે ભાજપ અને આરએસએસની સંસ્થાઓને જ હોય એવો માહોલ ઊભો કરી દેવામાં આવ્યો. લાગે છે કે હવે કદાચ આ પરિસ્થિતિમાં થોડોક સુધારો થશે.    

ચૂંટણી એ લોકો પ્રત્યે સત્તાધીશોને ઉત્તરદાયી બનાવવા માટેનું મહત્ત્વનું સાધન છે. પાંચ વર્ષમાં સરકાર કેવી રીતે વર્તી, કેવા નિયમો બનાવ્યા, કેવા કાયદા ઘડ્યા અને લોકોનું કલ્યાણ કેવી રીતે કેટલું કર્યું તેવા વિષયો વિષે   લોકો ચૂંટણી ટાણે સરકારનો જવાબ માગે છે અને એ રીતે સરકારને ઉત્તરદાયી બનવાની ફરજ પડે છે. આ ચૂંટણી સમયે વારંવાર એવી દહેશત વ્યક્ત કરવામાં આવતી હતી કે આ હવે છેલ્લી ચૂંટણી છે કારણ કે નરેન્દ્ર મોદી જો જીતશે તો પછી દેશમાં ચૂંટણી જ નહિ થાય અથવા તો નામમાત્રની જ ચૂંટણી થશે. આવી ખતરનાક પરિસ્થિતિની કલ્પના કરવામાં આવતી હતી અને તેમાંથી દેશ બહાર આવ્યો છે. એટલે એમ કહી શકાય કે લોકશાહી વધુ જીવંત અને વધુ વાયબ્રન્ટ બનશે. લોકશાહીના બજારમાં તેજી આવી છે કારણ કે તંદુરસ્ત હરીફાઈ વધુ તીવ્ર  બની છે. યાદ રહે કે લોકશાહી વ્યવસ્થાની અનેક ખામીઓ હોવા છતાં તે માનવજાતે હજારો વર્ષોની મહેનત પછી શોધી કાઢેલી સારામાં સારી વ્યવસ્થા છે.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો