શતરંગ / ડીપફેક: કેટલું સાચું અને કેટલું ખોટું?
- ટેક્નોપુરાણ એકવીસમી સદીમાં થયેલ આમૂલ પરિવર્તનોમાં જો ઇન્ટરનેટના પ્રસાર પછી સૌથી મોટી કોઈ ઘટના હોય તો એ છે એઆઈનો ઉદભવ અન

- ટેક્નોપુરાણ
એકવીસમી સદીમાં થયેલ આમૂલ પરિવર્તનોમાં જો ઇન્ટરનેટના પ્રસાર પછી સૌથી મોટી કોઈ ઘટના હોય તો એ છે એઆઈનો ઉદભવ અને રોકેટગતિથી વધતો એનો ઉપયોગ છે. આજકાલ Ai (Artificial Intelligence)નો ઉપયોગ સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ આજે Ai જેટલા ફાયદા લઈને આવ્યું છે એટલા જ નુકસાન પણ લઈને આવ્યું છે. આમતો આ નુકસાનોનું લિસ્ટ બનાવવા જઈએ તો એમાં કૉપીરાઇટ, ઉલ્લઘન ,બુધ્ધિક્ષમતાનો ઓછો વિકાસ અને ડીપફેક જેવા ઘણા મુદ્દાઓ છે, પરંતુ સૌથી વધુ પ્રચલિત અને નુકસાનદાયક હોય તો એ છે ડીપફેક.
પેલા તો એ સમજીએ કે આ ડીપફેક છે શું? અને કામ કેવી રીતે કરે છે?
ડીપફેક એટલે કોઈ એક વ્યક્તિના ફોટો કે વિડિયોમાં બીજા કોઈ વ્યક્તિનો ચહેરો એઆઇની મદદથી લગાવવો. એઆઈની કરામત એવી થાય કે આબેહૂબ કોઈ વ્યક્તિના ચહેરાની નકલ કરી બીજા વ્યક્તિના ચહેરા પર લગાવી દો, જેથી અસલી નકલીનો ભેદ પારખાવો મુશ્કેલ પડી જાય. 2017માં સૌથી પહેલીવાર ડીપફેકનો વપરાશ થયો હતો, જ્યારે સોશિયલ મીડિયા સાઇટ રેડિટ પર કેટલીક હોલીવુડ સેલિબ્રિટિના ડીપફેક કરેલા પોર્ન વિડીયો શેર કરવામાં આવ્યા હતા. ડીપફેક બનાવવા માટે કન્ટેન્ટની નોંધપાત્ર માત્રા (દા.ત., કોઈ વ્યક્તિનો ઘણા કલાકોનો વીડિયો, કોઈ વ્યક્તિના હજારો ફોટાનું વિશ્લેષણ કરવા કમ્પ્યુટિંગ શક્તિનો ઉપયોગ કરીને લર્નિંગ મોડેલ બનાવવામાં આવે છે, જેમાં ચહેરાનાં મુખ્ય લક્ષણો અને શારીરિક હાવભાવથી થતી અભિવ્યક્તિ ખાસ ધ્યાન આપીને મોડેલ બનાવવામાં આવે છે.
જોકે આ પ્રકારે ફોટો કે વિડિયોમાં ચેડાં કરવા કે છેડછાડ કરવી એ કઈ નવું નથી,અગાઉ પણ ફોટો કે વિડિયોમાં મોર્ફિંગ થતું જ હતું અને એ વખતે પણ આ પ્રકારની ઘટનાનો બનતી હતી.પરંતુ જ્યારથી આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ પર આધારીત ડીપફેક ટૂલ્સ આવ્યા છે.આ બધુ કામ કરવા માટે હવે કોઈ ખાસ ડિગ્રી કે પ્રશિક્ષણ વગર ઇન્ટરનેટની સુવિધા ધારવાનાર કોઈપણ વ્યક્તિ ભલે ન્યુયોર્કનો હોય કે નારણપુરાનો, એ વ્યક્તિ ચપટી વગાડતા આવું કરી શકે છે. આ બધા ટૂલ્સ આમ તો સારા જ છે પરંતુ કોઈપણ વિશેષ તાકાત જ્યાં સુધી જવાબદાર લોકોના હાથમાં હોય ત્યાં સુધી જ સારું, જેવી આ બધી ટેક્નોલોજી કોઈ અસામાજિક તત્વના હાથમાં આવે તો એ વાંદરાના હાથમાં પથ્થર આપવા જેવુ બની જાય છે.
ડીપફેક – સેલિબ્રિટીઓ માટે મોટો ખતરો
ડીપફેકનો સૌથી મોટો ખતરો સેલિબ્રિટિઓને છે.કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના નામ અને ચહેરાનો ઉપયોગ ગેરમાર્ગે દોરવામાં આવે ત્યારે આ ડીપફેક આખા સમાજ માટે ખતરનાક બની જાય છે. હજુ હમણાં થોડાક દિવસ પહેલા જ બોલીવૂડ સેલિબ્રિટિ રણવીરસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી કે “ડીપફેક સે બચો દોસ્તો”. એવું માનવમાં આવે છે એમને એમના જ એક વિડીયોમાં ડીપફેકનો ઉપયોગ કરીને ભાજપ સરકારની ટીકા કરવામાં આવી હતી. આવીજ રીતે રશ્મિકા મંદાનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ થયો હતો. આજકાલ ક્રિકેટનો માહોલ છે અને આ માહોલમાં ઓનલાઇન બેટિંગ એપ્લિકેશન અને વેબસાઇટના રાફડા ફાટે છે. આવી જ એક ગેમ 'સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ'ના પ્રમોશનમાં સચિનના વિડિયોમાં ડીપફેકનો ઉપયોગ કરીને સચિનના નામે પ્રમોશન કરી લોકોને છેતરવામાં આવ્યા હતા.
ડીપફેકના નામે નેતાઓ પણ ચરી ખાય છે.
ભારતમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આ દરમિયાન ભોજપુરી ફીલ્મોના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ “નિરહુઆ”નો નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ પર નિવેદનનો વીડિયો વાઇરલ થયો. ભાજપના જ લોકોએ આ વિડિયોને વખોડ્યો તો ભાજપના નેતા અમિત માલવિયએ ટ્વિટ કરીને કહ્યું “આ વિડીયો ડીપફેક છે” પરંતુ આ વિડીયો સાચો હતો અને આખો દોષનો ટોપલો બિચારા ડીપફેક પર ઢોળ્યો. આવી જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના એક વિડીયોને ડીપફેક ગણાવ્યો હતો. જેમાં તેઓ ગરબા રમતા જોવા મળી રહ્યા હતા. હકીકતમાં આ વિડીયો ડીપફેક નહીં પરંતુ એમના હમશકલનો હતો.
ડીપફેકનો જો વ્યવસ્થિત ઉપયોગ કરીયે તો ઘણો ફાયદો કરી શકે છે. પરંતુ આ શસ્ત્ર જો ખોટા હાથમાં જાય તો વિનાશ પર સર્જી શકે છે.
- મહેશ રાજગોર








