મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પપ્પા તમને દરિયો કહું? કે કહું ગમતીલું વાદળ?

- શબ્દ ઝણકાર ફાંટ ભરીને શબ્દો દીધાં કરિયાવરમાં કાગળ, પપ્પા તમને દરિયો કહું ? ક

શતરંગ / પપ્પા તમને દરિયો કહું? કે કહું ગમતીલું વાદળ?

- શબ્દ ઝણકાર

ફાંટ ભરીને શબ્દો દીધાં કરિયાવરમાં કાગળ,

પપ્પા તમને દરિયો કહું ? કે કહું ગમતીલું વાદળ ?

કાલ સુધી તો ચાંદામામાની વાતો કહેતા’તા,

ધીમે ધીમે કાળ નદીની લહેરોમાં વહેતા’તા,

આપણ બંને ત્યાં ના ત્યાં ને ઉંમર ભાગી આગળ,

પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ?

ચપટી મૂઠી સપનાં સાથે દીધી ખુલ્લી આંખો,

સહેજ હજું ફફડાવી ત્યાં તો ખોલી આપી પાંખો,

આંગળી ઝાલી રાખે તો યે પોતે ચાલે પાછળ,

પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ ?

હળવે હળવે દેખાડી છે સમજણ નામે શેરી,

શ્રદ્ધાની બંધાવી આપી નાની અમથી દેરી,

વ્હાલ ખજાનો લૂંટાવી દે કદી ન મારે સાંકળ,

પપ્પા તમને દરિયો કહું કે કહું ગમતીલું વાદળ?

- પારુલ ખખ્ખર

આમ તો આપણે મધર્સ ડૅ કે ફાધર્સ ડૅના મોહતાજ નથી. કારણ કે, આપણી સંસ્કૃતિમાં, આપણી પરંપરામાં “માતૃદેવો ભવઃ” “પિતૃદેવો ભવઃ” સ્વીકારાઈ છે. પણ પારૂલબેનની આ કવિતા વાંચીને આજના દિવસે આ વિશિષ્ટ રજુઆત કરવી એ સહજ વાત છે. તો, આજનો આ લેખ જગતના તમામ પિતાઓને નામ.

પિતા એટલે દરેક દીકરીનો પ્રથમ પ્રેમ અને દીકરાના “સુપરહિરો”. એક એવું વ્યક્તિત્વ જે આપણા જીવનમાં પોતાની હયાતીનો દેખાવ કર્યા વગર સાઈલેન્ટલી આપણા માટે પોતાનું સર્વસ્વ દાવે લગાડી દેતા હોય છે. પિતા એટલે નભ, છાયા, છત્રછાયા કે પછી એક ઘેઘૂર વડલો. આમ તો, પિતાથી જ આપણું નામ, આપણું અસ્તિત્વ, કે પછી આપણો જન્મારો છે. પિતા એટલે આપણા મનનું અજવાળું અને ઘરનું રજવાડું.

પિતા એટલે સંઘર્ષ, સાહસ અને સહનશીલતાની મુરત. બાળક જન્મે ત્યારથી લઇ પોતે નિવૃત ન થાય ત્યાં સુધી કાં તો છેક સુધી સતત પોતાની જાતને, પોતાના અભરખાંઓને અભેરાઈએ મૂકી બધું ભૂલીને આખું જીવન બાળકોના નામે કરી દેતા હોય છે. દીકરા પાસે “માતા” નામે ભ્રમાસ્ત્ર હોય છે પણ દીકરીને મન એમના પિતા એના માટે બધું જ હોય છે. કહેવાય છે કે, ‘પિતા જ્યારે એક દીકરીનો બાપ બને છે ત્યારે સ્વયં ઈશ્વરની આંખો પણ ભીની થઈ જાય છે.’ પિતા કઈ માટી માંથી જન્મ્યો છે એ આજ સુધી રહસ્ય જ બની રહ્યું છે. કદાચ એ માટી આમ તો ઉપરથી કઠણ અને અંદરથી ભીનાશયુક્ત હશે એવું માનીએ. તદ્દન શ્રીફળના અસ્તિત્વ સમ. વ્હાલનું એક ચોક્કસ વહેણ એટલે બાપ-દીકરીનો સંબંધ. એ પિતા જે ક્યારેય તૂટતો નથી, હંમેશા ટક્યો છે. પિતા અને દીકરીનું ઋણાનુબંધ કંઈક આવું છે : 

तितलियां पालता है वो जानता होगा

बेटी होना क्या है बाप होना क्या 

- विरल देसाई

આ જગતમાં પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ કદાચ ઈશ્વરીય શક્તિઓથી પર હોય છે. દીકરી બાપની પણ “મા” હોય છે. પિતાનું કાળજું હોય છે દીકરી. આ સંબંધ વિશે ઘણું લખાયું છે અને જેટલું પણ લખાશે એ ઓછું પડશે. કારણ કે, આ એક એવો સંબંધ છે જે લખાયા કરતા વધુ જિવાયો છે. એટલે જ અંકિત ત્રિવેદી એમ લખે કે;

“હિમાલય જેવો ધરખમ ન હોય! 

પણ છેલ્લે તો દીકરીનો બાપ. 

વરસાદ પહેલાનો તાપ.”

પિતા ગમે તે સ્વરૂપે હોય એ પછી ‘ક્લાસ’ નથી જોતો. દીકરીની વાત આવે છે ત્યારે એનાથી મોટો કોઈ પણ ઈશ્વર એનો તોલ ન કરી શકે. પિતા માટે હંમેશા ઓછું લખાયું છે. પણ, પિતા “લખવા”નો વિષય નથી, “અનુભવ”નો છે. ડૉ. નિમિત્ત ઓઝા તો એમ લખે:

“કમનસીબે ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે, મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી. થેન્ક ગોડ, ઘરમાં પપ્પા છે. પપ્પાને ગળે મળવાના કારણો ન હોય. પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય. પપ્પાને ગળે મળીએ, એ ઘટના નથી, એ અવસર છે.

આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હગ. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપ મેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં 'આઈ લવ યુ' શબ્દ ક્યારેય હોતો નથી, એટલે પપ્પાને એ બોલતા ફાવતું નથી. પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી, એ અનુભવવાની વાત છે. વહાલનું ઓડિયો-વિઝ્યુઅલ એટલે પપ્પા.”

જગતના તમામ પિતાઓને અઢળક વ્હાલ સહ હેપ્પી ફાધર્સ ડૅ.

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો