શતરંગ / ગુજરાતમાં હાલ મુસ્લિમો માટે અનામત છે જ
- અર્થ અને તંત્ર હાલ લોકસભાની ચૂંટણી ટાણે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટેની અનામતનો મુદ્દો

- અર્થ અને તંત્ર
હાલ લોકસભાની ચૂંટણી ટાણે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મુસ્લિમો માટેની અનામતનો મુદ્દો ચગ્યો છે. નરેન્દ્ર મોદી સતત એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ આખા દેશમાં ઓબીસી, એસસી અને આદિવાસીઓ માટેની અનામત તેમની પાસેથી ઝૂંટવી લઈને મુસ્લિમોને આપવા માગે છે. તેમનો આક્ષેપ છે કે કર્ણાટકમાં અને આંધ્ર પ્રદેશમાં પાંચ ટકા અનામત મુસ્લિમોને આપીને અન્ય ઓબીસી અને એસસી અને એસટીનો અધિકાર કોંગ્રેસે છીનવી લીધો છે. આ આખા દેશમાં એવી અનામત લાવવાનો કોંગ્રેસનો એક પાયલોટ પ્રોજેક્ટ છે એવો પણ તેમનો આક્ષેપ છે.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ઓબીસીની અનામતમાં ચાર ટકા જેટલી અનામત મુસ્લિમો માટે રાખવાનો નિર્ણય કરતાં આ વિવાદ ઊભો થયો છે. એટલે કે બાકીની ઓબીસી જ્ઞાતિઓ માટે ચાર ટકા અનામત ઓછી થાય. આવું કરવાની જરૂર શા માટે પડે છે તે વિચારણીય મુદ્દો છે. જો સમગ્ર ઓબીસી માટે અનામત હોય તો તેનો લાભ કોઈ પણ કારણોસર પછાત મુસ્લિમ જ્ઞાતિઓને ન મળતો હોય તો મુસ્લિમોને એ જ ઓબીસીમાંથી અનામત આપવામાં આવે તો કશું ખોટું ન જ કહેવાય. આ અનામતની અંદરની અનામતની વાત થઈ.
કર્ણાટકની સરકારે કરેલો નિર્ણય એ ધર્મને આધારે મુસ્લિમોને આપવામાં આવેલી અનામત કહેવાય કે કેમ તે શંકાસ્પદ બાબત છે. તેનું કારણ એ છે કે એ મુસ્લિમ જ્ઞાતિઓ આર્થિક રીતે પછાત છે માટે જ ઓબીસીની યાદીમાં છે, નહિ તો તેઓ એ યાદીમાં હોત જ નહિ.
રસપ્રદ બાબત એ છે કે ગુજરાતમાં ઓબીસી માટેની અનામતમાં મુસ્લિમોનો સમાવેશ છેલ્લા ચાર દાયકાથી થયેલો છે જ. ગુજરાતમાં બક્ષી પંચની જ્ઞાતિઓ એટલે ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ. બક્ષી પંચની રચના 1972માં કોંગ્રેસની સરકારમાં થઈ હતી. તેની ભલામણોને આધારે ૧૯૮૧માં કોંગ્રેસની માધવસિંહ સોલંકીની સરકારે આ જ્ઞાતિઓ માટે અનામત વ્યવસ્થા દાખલ કરી હતી. બક્ષી પંચે જે અહેવાલ આપ્યો હતો તેમાં તે સમયે ૮૨ જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણવામાં આવી હતી. એ આંકડો પછી વધતો ગયો અને આજે ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગ અનુસાર બક્ષી પંચની જ્ઞાતિઓમાં કુલ ૧૪૬ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે.
બક્ષી પંચની આ જ્ઞાતિઓને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ મળે છે. જે ૧૪૬ જ્ઞાતિઓ યાદીમાં છે તેમાં મુસ્લિમ જ્ઞાતિઓ છે જ. બક્ષી પંચે જે મૂળ પછાત ૮૨ જ્ઞાતિઓની યાદી બનાવેલી તેમાં મોટા ભાગની પછાત મુસ્લિમ જ્ઞાતિઓનો સમાવેશ થયેલો છે જ. કુલ ૧૪૬ જ્ઞાતિઓમાં ૨૯ મુસ્લિમ જ્ઞાતિઓ છે અને તેમાં કેટલીક મુસ્લિમ પેટા જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે. જેમ કે, સિપાઈ, પટણી જમાત અથવા તુર્ક જમાત એમ ત્રણેય જ્ઞાતિને એક જ શ્રેણીમાં મૂકવામાં આવેલી છે. એવી જ રીતે પિંજારા, ઘાંચી-પિંજારા અને મન્સૂરી પિંજારા એમ ત્રણ પેટા જ્ઞાતિઓ એકસાથે મૂકવામાં આવી છે. આવી રીતે કુલ નવ મુસ્લિમ જ્ઞાતિઓમાં તેમની પેટા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જ્ઞાતિઓને ગુજરાતમાં ઓબીસીની અનામતનો લાભ મળે જ છે.
વળી, બક્ષી પંચની જ્ઞાતિઓની આ યાદીમાં તા. ૦૨-૦૬-૨૦૦૩થી તા.૦૧-૧૨-૨૦૧૨ સુધીમાં સાત વખત સુધારા થયા હતા. તે સમયે ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી જ હતા. તેમણે તે સમયે મુસ્લિમ જ્ઞાતિઓને આ યાદીમાંથી કાઢી નાખવા માટે કોઈ જ પગલું ભર્યું નહોતું એટલે કે યાદીમાં તેને માટે કોઈ સુધારો તેમણે કર્યો નહોતો. પરંતુ હવે તેઓ ઓબીસી, એસસી અને આદિવાસીઓની અનામત ઝૂંટવીને કોંગ્રેસ એ મુસ્લિમોને આપી દેશે એમ કહી રહ્યા છે. આ તદ્દન ખોટું છે. કારણ કે કર્ણાટકની સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી હિંદુ ઓબીસીની અનામત સંપૂર્ણપણે છીનવાઈ જાય છે એવું તો નથી જ. હા, એ વાત સાચી કે, ગુજરાતમાં ઓબીસી માટેની અનામતમાં મુસ્લિમો માટે કોઈ અલગ અનામત નથી.
બિન-સાંપ્રદાયિક ભારતમાં ધર્મને આધારે અનામત ન હોવી જોઈએ એ એક આદર્શ છે. પણ દેશમાંના ૧૪.૨ ટકા મુસ્લિમોને જો રાજકીય રીતે અને સરકારી નોકરીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વ સામાન્ય લોકશાહી પ્રક્રિયા અને પસંદગીની પ્રક્રિયાથી ન મળતું હોય તો તેમને માટે અનામત જેવી વ્યવસ્થા કરવી જ પડે એમ લાગે છે. તમામ નાગરિકોની સામાજિક અને આર્થિક વંચિતતા ઓછી કરવા માટે રાજ્ય કામ કરે એ રાજ્યની ફરજ છે. એ બંધારણનો આદેશ પણ તેના ભાગ-૪માં લખવામાં આવ્યો છે. અનામત વ્યવસ્થા એનો એક રસ્તો છે. એટલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે આ પગલું ભર્યું છે એમ કહેવાય.
ઘણી વાર એમ કહેવામાં આવે છે કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં અમુક જ જ્ઞાતિઓ અનામતનો લાભ લઈ જાય છે અને બાકીની અતિ પછાત જ્ઞાતિઓના લોકો તો ત્યાંના ત્યાં જ રહી જાય છે. આ પરિસ્થિતિ ટાળવી હોય તો પેટા જ્ઞાતિ મુજબ અનામત આપવી પડે. આ એક વિચિત્ર બાબત છે પણ ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા એટલી બધી જડબેસલાક છે કે એ મુજબ રાજકીય રીતે પણ વિચારવું પડે.
જો અનામત ન હોય તો એસસી, એસટી અને ઓબીસીના લોકો સરકારી નોકરીઓમાં કેટલા હોત? જો અનામત ન હોત તો શું વિધાનસભામાં અને લોકસભામાં એસસી અને એસટી ચૂંટાતા હોત ખરા? જો ૧૯૯૨માં કોંગ્રેસની નરસિંહરાવની સરકારે ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો કરીને અનામત ન આપી હોત તો એસસી, એસટી અને ઓબીસી પંચાયતોમાં પાલિકાઓમાં કેટલા ચૂંટાયા હોત? જો અનામત બેઠકોની વ્યવસ્થા ન હોય તો કહેવાતી સવર્ણ જ્ઞાતિઓના લોકો અનુસૂચિત જ્ઞાતિઓના લોકોને ચૂંટે ખરા? અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના નાગરિક અનામત સિવાયની બેઠક પરથી વિધાનસભા કે લોકસભામાં ચૂંટાય ખરા? અનામત છે તો પણ સરકારી નોકરીઓમાં તેમની બેઠકો આજે પણ પૂરી ભરાતી નથી એ એક હકીકત છે ત્યારે પેટા જ્ઞાતિ મુજબની અનામત એ એક ટૂંકા ગાળાનો રસ્તો બની શકે છે. એ ભૂલી શકાય નહિ કે ભારતમાં આર્થિક પછાતપણું સીધી રીતે આજે પણ જ્ઞાતિ સાથે સંકળાયેલું છે જ.
સવાલ એ છે કે મુસ્લિમો માટે અનામત હોવી જોઈએ કે નહિ. અને જો હા, તો શા માટે? અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને ઓબીસી માટે અનામત છે તેનું કારણ એ છે કે તેઓ સામાજિક રીતે પછાત છે અને તેને કારણે જ તેઓ આર્થિક રીતે પણ પછાત રહી જાય છે. વિકાસના લાભ સૌને મળે અને સૌનો સાથ મળવાથી સૌનો વિકાસ થાય તો જ લોકશાહીમાં સામાજિક અને આર્થિક અસમાનતા ઘટવાની શક્યતાઓ વધે.
ગુજરાતમાં હાલ ૯.૬૭ ટકા મુસ્લિમ વસ્તી છે. એ મુજબ ગુજરાતની વિધાનસભામાં ૧૮૨માંથી ૧૭ સભ્યો તો મુસ્લિમ હોઈ શકે. પણ અત્યારે એક જ છે! હાલની લોકસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર નહિ ચૂંટાય. કારણ કે આપ, કોંગ્રેસ કે ભાજપ દ્વારા કોઈ મુસ્લિમ ઉમેદવાર રાખવામાં આવ્યા જ નથી. લાંબો સમય આ પરિસ્થિતિ ચાલુ રહે તો તો મુસ્લિમો માટે રાજકીય અનમતની વ્યવસ્થા પણ અનિવાર્ય બની જાય. રાજકીય અસમાનતા ઘટાડવાનો આ એક જ રસ્તો બાકી બચે છે.
- હેમન્તકુમાર શાહ








