શતરંગ / કલ્ચર ચરવા ગયું છે...
- નાગણ નોકરીહમણાં મેં મારી એક મિત્રને પૂછ્યું કે તને નોકરીમાં સૌથી ન ગમતી બાબત કઈ છે? તો કહે નોકરી!! મેં કહ્યું બહેન તારું ન

- નાગણ નોકરી
હમણાં મેં મારી એક મિત્રને પૂછ્યું કે તને નોકરીમાં સૌથી ન ગમતી બાબત કઈ છે? તો કહે નોકરી!! મેં કહ્યું બહેન તારું ને મારું કંઈ નહિ થાય. અમારો ઈલાજ જ શક્ય નથી કેમકે અમને રોગથી નહિ, દવાથી તકલીફ છે.
તમને શું લાગે છે કે નોકરિયાત જીવને સૌથી વધુ પીડા શેની હોય છે? બગાવતી બોસની? ના. મનસાઈ વગરના મેનેજરની? ના.. ખોબો ભરીને પગાર મળે છે એની? ના ભૈ ના. ઓહ અચ્છા કામની? કામના ભારણની? ના, ના, ના. એને તકલીફ હોય છે આસપાસના લોકોની. વર્ક કલ્ચરની.નોકરી લેવા જાવ એટલે એવું કહેવામાં આવે કે અમારે ત્યાં તો ફેમિલી જેવું વાતાવરણ છે. ફેમિલી જેવું વાતાવરણ એટલે ખરેખર ફેમિલી જેવું બોસ. એમાં એક રિસાયેલા ફુઆ પણ હોય ને ફેમીનિસ્ટ ફુદરડી ફૈબા પણ હોય. તમારા જીવનમાં ચાલતી નાનામાં નાની વાતથી લઈને તમારા જીવનના મોટા લેવાયેલા કે ન લેવાયેલા નિર્ણયો નક્કી કરનાર તમને તમારી આસપાસ મળી આવે.
કઈ છોકરી કયા છોકરા જોડે બાઇકમાં આવે છે, કોઈ છોકરાને એની ગર્લ ફ્રેન્ડના કેટલા ફોન આવે છે, બે કલીગ વચ્ચે ચાલતા ચક્કર લગ્ન સુધી શા માટે નહિ પહોંચે, બોસનું કઈ છોકરી (કે ફોર અ ચેન્જ હવે તો છોકરા) જોડે ઇલુનીલુપીલુ ચાલે છે જેવા કરણ જોહર વેળા આ ફેમિલી વાતાવરણમાં મળી રહે! પાછા આ લોકો એને સંસ્થાની સ્ટ્રેંથ પણ માને.
બીજું એક આવે કોર્પોરેટ કલ્ચર. જ્યાં ખરેખર તમારી હાલત ફાર્મસી વિભાગમાં કપાયેલા રેટ (ઉંદરડા) જેવી થાય. કોઈ તમારો ભાવ ન પૂછે. નવા આવતા કર્મચારીને એવું થાય કે આના કરતા તો સાસરે ગયેલી છોકરીને કંફર્ટ વાળું લાગતું હશે એ હદે લોકો તમને ઇગ્નોર કરે. તમે આવો, જાવ, કોઈને બોલાવો, ન બોલાવો, એમને કોઈ ફરક નહિ. ક્યારેક તો એવું લાગે કે સાલાઓ સંસદ ભવનમાંથી ઊઠીને આવ્યા છે. પ્રજા ભડકે બળે, ને રાજા મહારાજ બનીને ફરે!
તમે શું માનો છો? વર્ક કલ્ચર કેવું હોવું જોઈએ. એક નોકરિયાત જીવનું ડ્રીમ વર્ક કલ્ચર એટલે એ ક્યારે આવે છે ને ક્યારે જાય છે એની નોંધ લેનાર કોઈ ન હોય. એને રજા લેવી હોય તો એના કારણો પૂછનાર કોઈ ન હોય. એની ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ એની જોડે સતા હજાર સાતસો સિતોતેર મેસેજ કરે કે દિવસના છપ્પન ફોન કરે, કોઈ પૂછનાર ન હોવું જોઈએ. નવા આવતા કર્મચારીનું બેન્ડ વાજા સાથે સ્વાગત થવું જોઈએ ને જતાં કર્મચારી માટે આખી ઑફિસ હીબકા ભરવી જોઈએ. આવું ડ્રીમ કોણે જોયું ને ક્યારે જોયું? આવો સર્વે ક્યારે થયો? તો એનો જવાબ છે આજે, અત્યારે. મારા દ્વારા. એ દરેક દુઃખી નોકરિયાત વર્ગના કલ્યાણ અર્થે જેમને નોકરી નાગણ લાગે છે. જેમને નોકરી નાગણ નથી લાગતી એ નોકરિયાત નથી અને કાં તો એણે મને આવીને મળી જવું, દરેકને નોકરી નાગણ લાગવા માંડશે. અમારી અન્ય કોઈ શાખા નથી અને આ બિલકુલ ફ્રી સેવા છે.
જુઓ, બહાનું કોઈપણ હોય. નોકરી માટે અત્યંત પ્રેમ હોય તો એ છોડાવી આપવામાં આવશે. અમારું કરેલું એક વાર, બીજાનું કરેલું સાત વાર. ઘરે બેઠા કામ કરી આપવામાં આવશે. નોકરીથી સુખી હોય એ અમારો સંપર્ક કરે.
ફેમિલી જેવું હોય કે કોર્પોરેટ કલ્ચર, કલ્ચર જેવી કોઈ વસ્તુ નોકરીના સ્થળે ક્યાંય અસ્તિત્વમાં જ નથી. કલ્ચર એટલે સંસ્કૃતિ અને નોકરી એટલે પ્રકૃતિ. દરેકની અલગ પ્રકૃતિ ને વિચારોની વિકૃતિ.
નોકરીને નાગણ શું કામ કહેવામાં આવે છે એનો કેસ લડનારી વકીલની જેમ હું તમને દર અઠવાડિયે અલગ અલગ અનુભવો ને કિસ્સાઓ કહેતી રહું છું. છતાં તમને હજુ ભરોસો ન આવતો હોય તો ભોગવો, હજુ વધુ ફકરાઓ અને લેખો ફેંક્યા કરીશ.
- સ્નેહલ તન્ના






