મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ટીકાએ ત્રણ નર તાર્યાની ઈતિહાસ પ્રસિદ્ધ કથાઓ!

- નાની નાની વાતો અધુરીયાંની ખુશામત કરતાં સમર્થની ટીકા સારી... પાંચેક સૈકા પહેલાની

શતરંગ / ટીકાએ ત્રણ નર તાર્યાની ઈતિહાસ પ્રસિદ્ધ કથાઓ!

- નાની નાની વાતો

અધુરીયાંની ખુશામત કરતાં સમર્થની ટીકા સારી...

પાંચેક સૈકા પહેલાની વાત. જામનગરના રાજદરબારમાં મારવાડનો એક ચારણ કવિ રોજ આવે...કવિ આમ મારવાડથી દ્વારિકાધીશના દર્શને આવ્યા છે, પણ એ સમયે જામનગર રાજ્યનો દબદબો જોઈને થયું કે અહીં રાજદરબારમાં સ્થાન મળી જાય તો અહીં જ રહી જાઉં. કવિ રોજ દરબારમાં આવી પોતાની અદભૂત કવિતાઓથી જામને બિરદાવે, કવિના કવિત્વ પર જામ ય ડોલી ઊઠે, પણ કવિને નવાજતાં પહેલા જામ પોતાના ગુરુ એવા રાજપુરોહિત પીતાંબર ભટ્ટ સામે જુવે. ભટ્ટ મોઢું નકારમાં ધૂણાવે અને જામ કવિને વધાવવાનું માંડી વાળે. આવું તો ઘણા દિવસ થયું.

આખરે એક દિવસ એ કવિએ નક્કી કર્યું કે મારા અને જામની વચ્ચે આ રાજપુરોહિત પથ્થરો થઈને પડે છે, એનો કાંટો કાઢવો જ પડશે. રાત્રે તલવાર લઈને પીતાંબર ભટ્ટના આંગણામાં કવિ છુપાયા, રાત્રે ભટ્ટ અને એમના પત્ની હિંડોળા ખાટે બેઠા છે, ભટ્ટ સૂડીથી સોપારી વાતરતા-વતારતા વાત માંડે છે કે, “ગોરાણી, શું કહું તમને...દરબારમાં રોજ પાતળી જીભનો એક ચારણ આવે છે. એવી અદભૂત કવિતાઓ લાવે છે કે એની તો શું વાત કરું ! કવિતા પર આખો દરબાર ખીલી ઊઠે છે, ખુદ જામે ય ડોલી ઊઠે છે. પણ બાપુ મારી સામે જુવે ત્યારે હું નકાર ભણી દઉં છું ને એ કવિ રોજ દરબારમાંથી નિરાશ થઈને જાય છે, પણ ગોરાણી, મારે એ કવિને કહેવું છે કે તારી જીભે સાક્ષાત સરસ્વતીનો વાસ છે, તું આમ આવા રાજાઓને બિરદાવવા નહીં-ત્રિલોકના નાથને બિરદાવવા બન્યો છે. આ જ કવિતા જો દ્વારિકાધીશ માટે કરીશ તો કાળિયો ઠાકર સ્વયમ આંટીએ વળી જાય...પણ હું કવિને કહી નથી શકતો...”

પીતાંબર ભટ્ટ વાત પૂરી કરે ત્યાં જુવે કે એ જ કવિ એના પગ પકડીને બેઠો છે, પાસે ખુલ્લુ ખડગ પડ્યું છે... કવિ પીતાંબર ભટ્ટને ગુરુ ધારે છે. એ કવિ એટ્લે ચારણ કવિ મહાત્મા ઇશરદાનજી... જેમણે પછીથી ઈશ્વરની સ્તુતિનો ગ્રંથ લખ્યો

‘હરિરસ’, જેમાં લખ્યું કે:

“લાગા હું પહેલો લળું, પીતાંબર ગુરૂ પાય,
ભેદ મહારસ ભાગવત, પાયો જે પસાય...”

ઇશરદાનજીએ પછી દેવી સ્તુતિમાં ગ્રંથ ‘દેવિયાણ’ પણ લખ્યો. ચારણી સાહિત્યમાં એક જ કવિ આગળ ‘મહાત્મા’ લાગે છે. એ આ મહાત્મા ઈશરદાનજી...

*****

એક યુવાનમાં નવો નવો કવિતાનો ફણગો ફૂટ્યો. સંસ્કૃતમાં છૂટપુટ કવિતાઓ લખે, ધીમે ધીમે સારા સારા લોકોમાં એની કવિતાઓ વખણાતી થઈ. પણ એના પિતા એની કવિતાઓને કે એના કવિત્વને ક્યારેય ગણકારે નહીં, એક દિવસ એ યુવાન આવેશમાં એના પિતાની હત્યા કરવાનું નક્કી કરે છે, પિતા જે માર્ગ પરથી નીકળવાના છે ત્યાં એક ઝાડ પર તલવાર લઈને
છુપાય છે, નીચેથી પિતા અને માતા પસાર થાય છે. માતા પૂછે કે, “તમે ક્યારેય દીકરાની કવિતાઓને કેમ વખાણતા નથી?” પિતા કહે છે કે, “મને નથી ગમતું કે એ આમ નાની-મોટી કવિતાઓ કરી પોતાનું હીર વેડફે...હું એનામાં મહાકાવ્ય લખવાની ક્ષમતાઓ જોઉ છું, એ પોતાની સર્જન શક્તિનો પૂરો ઉપયોગ નથી કરતો એટ્લે હું એને વખાણતો નથી. હું
માનું છુ કે એ મહાકાવ્યો લખવા સર્જાયો છે.”

પિતાની આ વાત સાંભળી શરમ અને ગુનાહિત ભાવથી યુવાન પિતાના પગે પડે છે, ને કબૂલે છે કે, “મેં તમારી હત્યાની કરવાનો વિચાર કર્યો હતો, મને સજા આપો...”

પિતા સજા કરે છે કે, "તારે છ મહિના તારી સાસરીમાં રહેવા જવું." સાસરીમાં એક-બે-પાંચ દિવસ માન મળે પણ છ મહિના હતા એટલે સસરા જમાઈને વગડામાં ગાયો ચરાવવાનું કામ સોંપે છે ને ત્યાં વગડામાં ગાયો ચરાવતા-ચરાવતા નવરાશના વખતમાં ઝાડના પાંદડાઓ પર એ યુવાન એક મહાકાવ્ય લખે છે. એ મહાકાવ્ય એટ્લે સંસ્કૃતના મહાન પાંચ
મહાકાવ્યોમાં ગણના પામતું: “કિરાતાર્જુનીય”. એ યુવાન એટલે મહાકવિ ભારવી.

*****

મહર્ષિ વસિષ્ઠના તપના બળથી હારેલા રાજા વિશ્વામિત્ર બધુ રાજપાટ ત્યાગીને તપના માર્ગે વળે છે, ખૂબ આકરું તપ કરે છે, સિદ્ધિઓ ય પામે છે, વિશ્વામિત્ર વશિષ્ઠને સતત હરીફ તરીકે જુવે છે. સૌ એને ‘બ્રહ્મર્ષિ’ કહેવા લાગે પણ એક વસિષ્ઠ એમને હજુ ‘રાજર્ષિ’ જ કહે છે. વિશ્વામિત્ર વસિષ્ઠના સો પુત્રોને પણ મરાવી નાખે છે, આખરે એક રાત્રે વસિષ્ઠને પણ મારવા એના જ આશ્રમમાં તકની રાહ જોતાં છુપાઈને બેઠા છે.

રાત્રીનો સમય છે, વશિષ્ઠ અને એમના પત્ની બેઠા છે. પત્ની પૂછે કે, “તમે વિશ્વામિત્ર ને હજુ ‘રાજર્ષિ’ જ કેમ કહો છો...?”. વશિષ્ઠ જવાબ આપે છે કે, “વિશ્વામિત્રમાં યુગો સુધી તપ કરવાનું દૃઢ મનોબળ છે, પણ એ તપને સંસારના શ્રેય માટે વાપરવાને બદલે ક્ષણિક આવેશમાં એના વર્ષોની તપ-નિષ્ઠા બાળી મૂકે છે...વિશ્વામિત્ર એની આ વૃતિ પર સંયમ મેળવી લેશે ત્યારે એને મહર્ષિ બનતા ય કોઈ નહીં રોકી શકે...” વશિષ્ઠ વાત પૂરી કરે ત્યાં એમના પગ પાસે વિશ્વામિત્રને નમેલા જુવે છે, બાજુમાં ખુલ્લી તલવાર પડી છે. વશિષ્ઠ વિશ્વામિત્રના ખભા પકડીને ‘બ્રહ્મર્ષિ’ સંબોધતા ઊભા કરે છે, એ પછી બેઉ વચ્ચે અનન્ય સ્નેહ રહ્યો. આ ઘટના જ પછી વિશ્વામિત્ર ખરા અર્થમાં સત્વના માર્ગે વળ્યા.

કસુંબો:

એક મિત્ર સાથે આ પ્રસંગો પર વાત થઇ ત્યારે એણે રસપ્રદ તારણ કાઢ્યું કે આ બાધા પ્રસંગોમાં પત્ની સાથે વાત કરવાને
લીધે એક પુરુષનો બચાવ થયો અને બીજા પુરુષનો ઉદ્ધાર...

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો