મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ક્રિકેટ વિશ્વને મજબૂત પાકિસ્તાની ટીમની જરૂર છે

- ટાઈમ આઉટ ભલે આપણને આનંદ થયો, એ જોઇને કે પાકિસ્તાન આ વખતના T20 વર્લ્ડ કપના Super 8s માટે ક્વો

શતરંગ / ક્રિકેટ વિશ્વને મજબૂત પાકિસ્તાની ટીમની જરૂર છે

- ટાઈમ આઉટ

ભલે આપણને આનંદ થયો, એ જોઇને કે પાકિસ્તાન આ વખતના T20 વર્લ્ડ કપના Super 8s માટે ક્વોલીફાય નથી થયું. ભલે આપણને આનંદ થયો એ જોઇને કે પાકિસ્તાનની ટીમ યુએસએ જેવી નવીસવી ટીમ સામે છેક સુપર ઓવર સુધી જઈને હારી ગયું. ભલે આપણને આનંદ થયો કે યુએસએ અને આયરલેન્ડની મેચ ધોવાઇ જતાં પાકિસ્તાની ટીમને વીલે મોઢે ઘેર પરત ફરવું પડ્યું છે. પરંતુ આપણે એ વાત કાયમ યાદ રાખવી જોઈએ કે ક્રિકેટ વિશ્વને મજબૂત પાકિસ્તાની ટીમની જરૂર છે.

શા માટે? આ પ્રશ્ન કોઈના પણ મનમાં આવી શકે છે. કારણ સિમ્પલ છે. અત્યારે વિશ્વ ક્રિકેટ પર ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ રાજ કરી રહ્યા છે. જ્યારે આ ત્રણ દેશો એકબીજા સામે રમતા હોય ત્યારે જ ક્રિકેટ રસપ્રદ બને છે, પરંતુ પાકિસ્તાન સહિત જ્યારે અન્ય દેશો સામે આ ત્રણે રમતા હોય ત્યારે અપવાદરૂપ મેચોને બાદ કરીએ તો મુકાબલા એકતરફી થઇ જતા હોય છે, અલબત છેલ્લા અમુક વર્ષોમાં.

તારક મહેતા કા ઉલ્ટા(હ) ચશ્માંના ભિડે માસ્તરને યાદ કરીએ તો એમ કહી શકાય કે, ‘હમારે ઝમાને મેં’ પાકિસ્તાની ટીમ મજબૂત હતી. અરે! હજી ચાર-પાંચ વર્ષ પહેલાં જ તે એટલી મજબૂત હતી કે પોતાના દિવસે તે ધુરંધર ટીમોને હરાવી દેતી હતી. પરંતુ હવે એવું રહ્યું નથી અને તેને કારણે વિશ્વ ક્રિકેટનું બેલેન્સ જાણેકે ખોરવાઈ ગયું છે. 

પાકિસ્તાની ક્રિકેટ ટીમ અને અસતાત્ય તો એકબીજા સાથે પહેલેથી જોડાયેલા છે, પરંતુ પાકિસ્તાનને કોઈ ટીમ હળવાશથી લઇ શકવાની હિંમત કરતું ન હતું. પાકિસ્તાન સામે કોઇપણ સિરીઝ હોય પછી તે ટેસ્ટ સિરીઝ હોય કે પછી વનડે સિરીઝ, એક મેચ જો પાકિસ્તાન જબરદસ્ત રીતે જીતે તો પછીની જ મેચ એવી સરળતાથી હારી જાય કે તમારું મોઢું આશ્ચર્યથી પહોળું થઇ જાય.

પ્લેયિંગ ઈલેવન પણ એજ હોય જેણે તમને આગલી મેચમાં હરાવતી વખતે પાણી પણ પૂછ્યું ન હતું અને આ વખતે તમારી સમક્ષ આખી ટીમ જાણેકે ક્રિકેટ રમવાનું જ ભૂલી ગઈ હોય એ રીતે શરણાગતી સ્વીકારી લેતી. તેમ છતાં, એ ટીમ જીતવાની ક્ષમતા ધરાવતી. એક સમયે જાવેદ મિયાંદાદ, સલીમ મલિક, મુદસ્સર નઝર એવા બેટરો કે પછી ઇમરાન ખાન, સરફરાઝ નવાઝ કે અબ્દુલ કાદિર પ્રકારના બોલરો જે ટીમમાં એક સાથે રમતા હોય એને હળવાશથી લેવાય પણ કેમ?

ત્યાર પછીની પેઢી પણ એટલેકે ઈન્ઝમામ ઉલ હક, ઈજાઝ અહમદ, કે પછી સઈદ અનવર જેવા બેટરો અને વકાર યુનિસ, વસીમ અક્રમ કે સકલૈન મુશ્તાક જેવા બોલરો લઇ આવી જેણે એ પાકિસ્તાની ટીમની મજબૂતી બનાવેલી રાખી. આ ટીમને પણ હળવાશથી લેવાય તેવી ન હતી. ભલે પછી પેલો સાતત્યપૂર્ણ દેખાવ ન કરવાનો પેલો અવગુણ ટીમને હાથમાં આવેલી મેચ ભલે ગુમાવી દેવામાં મજબૂર કરી દેતો, પણ ટીમ જોરદાર રહેતી.

પરંતુ, જ્યારથી આ પેઢીએ પાકિસ્તાની ટીમની બાગડોર સંભાળી છે ત્યારથી પાકિસ્તાની ટીમ ધીરેધીરે ખાડામાં જઈ રહી છે અને એ પણ એવો ખાડો જેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, જો અશક્ય નથી તો. જૂથવાદ તો પાકિસ્તાની ટીમમાં પહેલેથી હતો પરંતુ મહત્વની મેચોમાં એ બધું ભુલાઈ જતું. જાવેદ-ઇમરાન અને વકાર-વસીમ એમ બે જૂથો કાયમ પાકિસ્તાનમાં રહ્યા. એમ તો છેલ્લે છેલ્લે ઈન્ઝમામ અને મોઈન ખાનના પણ અલગ જૂથો હતા.

પરંતુ ત્યારે જે રીતે સાંભળવામાં અને વાંચવામાં આવી રહ્યું છે તેમ બાબર-શાહીન અને રિઝવાનના જૂથોએ પાકિસ્તાની ક્રિકેટની બાઈ બેસારી દીધી છે. બાબર આઝમ કોઈ રીતે ટેસ્ટ અને T20નો ખેલાડી હોય એવું લાગતું નથી અને એ એમ સાબિત પણ કરી શક્યો નથી તોય તે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન છે. તો શાહીન શાહ આફ્રિદીએ પાકિસ્તાન સુપર લીગમાં કપ્તાનીના ઝબકારા દેખાડ્યા અને તેને કેપ્ટન બનાવ્યો તો એક સિરીઝ પછી તેને હટાવીને ફરીથી ઘોર નિષ્ફળતા પામેલા બાબરને ફરીથી કેપ્ટન બનાવી દેવામાં આવ્યો.

આ બધું જોઇને કાગડાનાં મોઢામાંથી ક્યારે પૂરી નીચે પડે એની રાહ જોતું શિયાળ નામે રિઝવાન, તેને ખોટું લાગી ગયું. તેને એમ હતું કે બાબર પછી જો શાહીન કેપ્ટન હોય તો તેના પછી તો પોતાનો જ વારો આવવો જોઈએને? આમ આ ત્રણેયે પોતાની કપ્તાની માટે ટીમમાં ત્રણ ભાગ બનાવી દીધા. આ બધા એકબીજા સાથે અંદરોઅંદર જ વાતો કરે અને બહાર ફરવા જાય પણ સામસામે આવે ત્યારે બોલતી બંધ જ હોય.

એક હકીકત તો છે કે પાકિસ્તાનમાં ટેલેન્ટની કોઈજ ઉણપ નથી જેવું ભારતમાં છે. શેરીએ શેરીએ ટેલેન્ટ મળી જાય છે. પણ તકલીફ એ છે કે અહીંનું ડોમેસ્ટિક અથવાતો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નબળું થઇ ગયું છે. જેમ આપણે ત્યાં પહેલા ખેલાડીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાડી રમાડીને ટીમ ઇન્ડિયા માટે તેની વિચારણા કરવામાં આવે અને નિષ્ફળ જાય તો ફરીથી તેને ત્યાં પરત મોકલવામાં આવે એવું પાકિસ્તાનમાં નથી. 

પાકિસ્તાનમાં કોઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવું જ નથી કારણકે રાષ્ટ્રીય ટીમમાં દોસ્તી-યારીને કારણે કોઈ દિવસ જગ્યા પડતી જ નથી અને પડવાની જ નથી તેવો તેમને ખ્યાલ છે. પરિણામે ખેલાડીઓ યુએઈ, ઇંગ્લેન્ડ, કેનેડા કે યુએસએ જઈને પોતાનું ક્રિકેટ રમે છે જેના બે ફાયદા છે એક તો ક્રિકેટ રમવા મળે અને બીજું ડોલર્સ અને પાઉન્ડમાં નાણાં મળે. 

જોકે, આ બધું ઉભું કરવામાં પાકિસ્તાન ક્રિકેટ  બોર્ડનો વાંક પણ ઓછો નથી. મોકાણ એ છે કે બોર્ડ અને દેશનું રાજકારણ એકબીજાથી અલગ નથી થઇ શકતા. કારણકે પાકિસ્તાનનું બંધારણ (હા, ભાઈ હા ત્યાં બંધારણ છે!) એમ કહે છે કે પાકિસ્તાની વડાપ્રધાન બાય ડિફોલ્ટ PCBના પેટ્રન બની જાય. આથી બોર્ડમાં રાજકારણ અને રાજકારણીઓની દખલ હોવી સ્વાભાવિક છે. 

આ રાજકારણની સીધી અસર ખેલાડીઓ પર ન પડે પણ બોર્ડના ચેરમેન સિલેક્ટ કરવામાં તો પડે ને? ઇમરાન ખાને ગમતીલા રમીઝ રાજાને ચેરમેન બનાવ્યા, પછી સરકાર બદલાઈ એટલે નજમ સેઠી આવ્યા. વળી એ નવા વડાપ્રધાનને ન ગમ્યા એટલે ઝાકા અશરફને ચેરમેન બનાવ્યા. એમના પ્રત્યે પણ મન ખાટું થઇ ગયું એટલે સઈદ મોહસીન રઝા નકવીને ચેરમેન બનાવી નાખ્યા. 

જેમ વડાપ્રધાનને ગમતો વ્યક્તિ પોતાને ગમતો ચેરમેન બનાવે એમ ચેરમેન પણ પોતાને ગમતા અધિકારીઓ ઉભા કરે જેમાં ચીફ સિલેક્ટર પણ સામેલ હોય! નવો ચીફ સિલેક્ટર વળી પોતાને ગમતી ટીમ બનાવે. પરિણામે આ વિષચક્ર એવું ચાલી રહ્યું છે પાકિસ્તાની ક્રિકેટમાં કે તેનો અંત લાવવો હશે તો આ આખું ચકરડું જ તોડી નાખવું પડશે. 

જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાલના ચેરમેન સઈદ મોહસીન રઝા નકવી હાલની સમગ્ર ટીમ અને સિલેક્શન કમિટી વિખેરીને એક નવી ટીમ ઉભી કરે જે નવા સિલેક્ટરો દ્વારા બનાવવામાં આવી હોય જેમાં યુથ અને અનુભવીઓનું મિશ્રણ હોય અને તેમને સારો દેખાવ કરવા માટે બે વર્ષ આપવામાં આવે તો જ પાકિસ્તાની ટીમ આ નાગચૂડમાંથી બહાર આવી શકશે અને તેનો દેખાવ સુધારી શકશે.

જો આમ થશે તો જ પાકિસ્તાની ક્રિકેટનું ભલું તો થશે જ પરંતુ વિશ્વ ક્રિકેટને એક ચોથો આધાર મળશે જે તેને વધુ મજબૂત બનાવશે કારણકે ચોથી દિશામાંથી પણ સ્પર્ધા મળવાની શરુ થશે.

- સિદ્ધાર્થ છાયા

આ સમાચાર શેર કરો