શતરંગ / બંધારણ બન્યો છે પહેલી વાર ચૂંટણીનો મુદ્દો
- અર્થ અને તંત્ર લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપનો વિરોધ ક

- અર્થ અને તંત્ર
લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરનારા પક્ષો બે બાબતો સતત એમ કહી રહ્યા છે કે જો ભાજપ ૨૦૨૪ની ચૂંટણી જીતશે તો (૧) દેશનું બંધારણ બદલી નાખવામાં આવશે, અને (૨) આ ચૂંટણી કદાચ છેલ્લી ચૂંટણી બની જશે અને પછી દેશમાં ચૂંટણી કરવામાં જ નહિ આવે. રાહુલ ગાંધી તો અનેક વાર તેમની ચૂંટણી સભામાં હાથમાં બંધારણ બતાવીને એમ કહે છે કે જો નરેન્દ્ર મોદી ફરી સત્તામાં આવશે તો દેશનું બંધારણ બદલી નાખવામાં આવશે.
આઝાદ ભારતમાં ૧૯૫૨માં પહેલી વાર લોકસભાની ચૂંટણી થઈ તે પછી કદાચ પહેલી વાર બંધારણ ચૂંટણીનો મુદ્દો બની ગયો છે. ૧૯૭૫-૭૭ના ૧૯ મહિના દરમ્યાન ઇન્દિરા ગાંધીએ બંધારણની કલમ-૩૫૨નો દુરુપયોગ કરીને કટોકટી લાદીને દેશને જેલ જેવો કરી મૂક્યો હતો ત્યારે ૧૯૭૭માં તેમણે પોતે જ જે ચૂંટણી આપી તેમાં પણ જનતા પક્ષના મોરારજી દેસાઈ, ચંદ્રશેખર, અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી કે જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાઓ પણ હાથમાં બંધારણ લઈને ચૂંટણી સભાઓ ગજાવતા નહોતા કે જે આજે બની રહ્યું છે. અત્યારે આવું કેમ બની રહ્યું છે એ એક મોટો સવાલ છે. એવું શું કર્યું છે નરેન્દ્ર મોદીએ છેલ્લાં દસ વર્ષમાં કે જેથી વિપક્ષી નેતાઓ બંધારણ સાવ બદલાઈ જશે તેનો ડર લોકોને બતાવી રહ્યા છે.
બંધારણમાં ભારત લોકશાહી દેશ બની રહે તે માટે જે સંસ્થાકીય જોગવાઈઓ કરવામાં આવી છે તે બધાનું નરેન્દ્ર મોદીએ છેલ્લાં દસ વર્ષ દરમ્યાન લગભગ સત્યાનાશ કરી નાખ્યું છે અને તે બધાની સ્વાયત્તતા મોદી સરકારે ખૂંચવી લીધી છે તેથી જ અત્યારે બંધારણ બદલી નાખવામાં આવશે એમ કહેવામાં આવી રહ્યું છે. આમ તો સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીમાં બંધારણમાં ૧૦૬ સુધારા થઈ ચૂક્યા છે. લગભગ બધી જ સરકારોએ બંધારણમાં સુધારા કર્યા છે. પરંતુ બંધારણનું ખોળિયું એનું એ જ રહે અને આત્મા મરી જાય એવી દૃષ્ટિ રાખીને ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, સંસદ, રાજ્યોની સ્વાયત્તતા, નાગરિકોના મૂળભૂત અધિકારો જેવાં બંધારણનાં પાયાનાં લક્ષણો પર નરેન્દ્ર મોદીએ મરણતોલ ઘા કર્યો છે. પરિણામે જ વિપક્ષી નેતાઓ બંધારણ જ સાવ બદલી નાખવામાં આવશે એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને “કિંગ મોદી” કહી ચૂક્યા છે કારણ કે તેમને એમ લાગે છેકે નરેન્દ્ર મોદી ચૂંટાયેલા નેતાની જેમ નહિ પણ રાજાની જેમ વર્તી રહ્યા છે.
દેશમાં નરેન્દ્ર મોદીએ અઘોષિત કટોકટી લાદેલી છે એવું તો વારંવાર કહેવામાં આવી રહ્યું છે. કારણ કે વિરોધને દબાવી દેવો એ નરેન્દ્ર મોદીની કાર્યશૈલી રહી છે. ગુજરાતની ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદીની સત્તાવાર રીતભાતથી પ્રેરાઈને જ તે સમયના ભાજપના મોટા કદના નેતા અને પછી ભાજપમાંથી છૂટા પડીને ગુજરાત પરિવર્તન પાર્ટી રચનારા કેશુભાઈ પટેલે મોદીના શાસનને “મિની ઈમર્જન્સી” એટલે કે “નાની કટોકટી” કહેલું. નરેન્દ્ર મોદીએ એ જ રીતભાત વડા પ્રધાન બન્યા બાદ સમગ્ર દેશમાં અપનાવી છે. જેઓ તેમની કાર્યશૈલી, નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ વગેરેનો વિરોધ કરે તેઓ દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની વગેરે છે એમ કહીને તેમને મોદીએ પોતે પોતાનાં ભાષણોમાં જ નવાજ્યા છે. જાણે કે દેશમાં કોઈને સરકારનો વિરોધ કરવાનો અધિકાર જ ન હોય!
સવાલ બંધારણનો કે તેને બદલવાનો નથી, તે તો અનેક વાર બદલાયું જ છે. પરંતુ બંધારણમાં લખવામાં આવેલાં મૂલ્યો યથાવત્ રહે છે કે નહિ અને તે મૂલ્યો સિદ્ધ કરવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે કે નહિ તેનો સવાલ છે. બંધારણ દેશ ચલાવવાનો એક કાયદો છે. આ કાયદો દેશના લોકોએ પોતે લખેલો છે અને તેના દ્વારા ભારત નામના રાજ્યની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ભારત નામના રાજ્ય થકી શું સિદ્ધ કરવાનું છે એ પણ લખવામાં આવેલું છે.
બંધારણની પહેલી જ લીટીમાં એટલે કે ‘આમુખ’માં ભારત લોકશાહી, પ્રજાસત્તાક, સાર્વભૌમ, ધર્મનિરપેક્ષ અને સમાજવાદી રહેશે એમ બંધારણના લખવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે ભારત નરેન્દ્ર મોદીના શાસન હેઠળ એ દિશામાં આગળ વધ્યું કે તેમાં પીછેહટ થઈ? સ્પષ્ટ છે કે તેમાં દેશ પ્રગતિ કરવાને બદલે અધોગતિ કરનારો બન્યો છે. એનાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. જેમ કે, અદાલતો અને ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરતાં હોય એવું લોકોને લાગતું નથી. એ બંનેની વિશ્વસનીયતા ઘટી ગઈ છે.
વળી, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, વ્યક્તિનું ગૌરવ અને બંધુતા એ આપણા ભારત નામનું રાજ્ય બનવવા પાછળના ઉદ્દેશો રહેલા છે એમ આપણે આમુખમાં લખવામાં આવેલું છે. એ ઉદ્દેશો સિદ્ધ કરવાની બાબતમાં ૨૦૧૪ સુધીમાં આપણે થોડા થોડા આગળ વધેલા, ગતિ ધીમી હતી પણ આગળ વધેલા ખરા. નરેન્દ્ર મોદીના છેલ્લા દાયકાના શાસનકાળમાં આપણે એમાં ખાસ્સી પીછેહટ કરી અને એટલે જ વિપક્ષો અત્યારે બંધારણ બચાવો અને લોકશાહી બચાવોનો નારો લગાવે છે. જેમ કે, આર્થિક અસમાનતા વધી છે. બંધારણમાં આર્થિક અસમાનતા ઘટે તે માટે સરકારે કામ કરવાનું હોય એમ બંધારણના ભાગ-૪માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલું છે પણ મોદી સરકારે તેનાથી તદ્દન ઊંચું વર્તન કર્યું છે. એટલે ખેડૂત આંદોલન સમયે અદાણી અને અંબાણીના ફોટા સાથે તેમનો વિરોધ કરવા માટેનાં પાટિયાં લાગેલાં. કોઈ આંદોલન સમયે કોઈ ઉદ્યોગપતિઓનો વિરોધ થયો હોય એવું તો મોદીના સમયમાં જ બન્યું!
નાગરિકોની સ્વતંત્રતાને હણી લેવા માટે યુએપીએ અને પીએમએલએ જેવા કાયદાઓનો દુરુપયોગ અને ઇડી, સીબીઆઈ વગેરે જેવી તપાસ સંસ્થાઓનો દુરુપયોગ નરેન્દ્ર મોદીના શાસનનું એક આગવું છોગું રહ્યું છે. એટલે જો હવે મોદી સત્તા પર આવે તો બંધારણ બદલાઈ જાય અને તમામ સત્તાઓ મોદી પોતાના હાથમાં લઈને સત્તાવાર રીતે સરમુખત્યાર બની જાય એવો ડર ઘૂસી ગયો છે. મોદી બંધારણ ન બદલે, એનું ખોળિયું એનું એ જ રાખે અને એના આત્માને મારી નાખે એમ બને. એમણે દસ વર્ષમાં એવું ઘણુબધું કર્યું જ છે.
એક હકીકત એ ખરી કે મોદીને અને ભાજપના નેતાઓને વિપક્ષોએ બંધારણ બદલાઈ જશે એમ વારંવાર ઉચ્ચારીને બંધારણ નહિ બદલવામાં આવે એવું બોલવા માટે મજબૂર કરી દીધા! વિપક્ષોની આ સફળતા છે. વિપક્ષોએ પોતાની પીચ પર રમવા માટે મોદીને લાવી દીધા છે. બંધારણમાં દર્શાવવામાં આવેલાં મૂલ્યો ચરિતાર્થ કરવાની દિશામાં આગળ વધાય અને લોકશાહી મજબૂત બને એ જરૂરી છે અને એ ચૂંટણીનો મુદો બન્યો છે તે ભારતના ચૂંટણી ઇતિહાસની ખરેખર જ નોંધનીય બીના છે.
- હેમન્તકુમાર શાહ








