મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હાસ્યકારો અને સ્ટેન્ડ અપ કોમેડી: લાફ્ટર મ્યુઝિંગ્સ!

- સ્લાઈઝ ઑફ લાઈફ મસ્કાબન: हर इक बात को चुप-चाप क्यूं सुना जाये..कभी तो हौस

શતરંગ / હાસ્યકારો અને સ્ટેન્ડ અપ કોમેડી: લાફ્ટર મ્યુઝિંગ્સ!

- સ્લાઈઝ ઑફ લાઈફ

મસ્કાબન:   हर इक बात को चुप-चाप क्यूं सुना जाये..
कभी तो हौसला कर के नहीं कहा जाये...   - निदा फ़ाज़ली        
*****   અમારા જુનાગઢનાં મનોજ જોબનપુત્રા છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ઢગલાબંધ ગાયકો અને હાસ્યકારોને પ્લેટફોર્મ આપીને આગળ લઇ આવ્યા. સરસ્વતી સ્ટુડિયોની ડીવીડી, યુટ્યુબ ચેનલ્સ અને એમનાં પ્લેટફોર્મ થકી વિવિધ પ્રોગ્રામ્સ બને અને નાઈન્ટીઝમાં કેસેટ્સ બહાર પડતી! બચપણમાં જેનો અમને અપ્રિતમ ક્રેઝ હતો એવા શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ, જીતુભાઈ દ્વારકાવાળા, કિરીટ વ્યાસ, ધીરુભાઈ સરવૈયાની કેસેટ્સ કેબલ વાળા રાત્રે મુકે કે રવિવારે સ્પેશિયલી મુકે ત્યારે અમને જલસો પડી જતો! વસંત પરેશ ક્યારે એમની ‘પાલી’ને લઈને આવે એની અમને બેસબરી રહેતી.  
વસંતનો વરઘોડો, વસંતની સાયકલ, વસંતનો વાયરો જેવા ટાઈટલ અમને થ્રિલ આપતાં, દુરદર્શન પર ગમ્મત ગુલાલમાં પણ મજા પડી જતી! વર્ષો વિત્યા અને મોટા થવાની સાથે અમોને ડહાપણની દાઢ ફુટી અને ધીમે ધીમે કાચી પાકી સમજણ પણ વિકસી. ૨૨-૨૩ વર્ષ વટાવ્યા પછી ખબર પડી કે જે રમુજો અને જે જોક્સ પર હસતાં એમાનાં ૯૦% જોકનું કન્ટેન્ટ પત્ની પર, જ્ઞાતિ પર અને કોઈની શારીરિક ખામી પર જ હતું! ક્યારેક કોઈની જીભ અચકાય એમાં જોક બનતો, ક્યારેક કોઈનું નામ બગાડીને એમાં કોઈ હ્યુમર આવતી, અને ક્યારેક પત્ની એટલી જાડી છે કે ઘરમાં એ હાલતો ચાલતો કોથળો લાગે છે અને એનાં એક ગાઉનનાં કાપડ માંથી ત્રણ જણનાં શર્ટ-પેન્ટ બની જાય એ પ્રકારનાં જોક્સ પર અમે બહુ હસતાં!

હાસ્યકારો એ ક્યારેક પોતે લખેલી સાવ બકવાસ બસ સ્ટેશન છાપ રોડસાઈડ શાયરીઓ ઘુસાડી, ‘મિત્રો જીવનમાં હાસ્યની સાથે થોડું દર્દ પણ રાખજો’ કહીને વચ્ચે ધાબડી દેતાં! એમનાં પાલી સિવાય ગોધિયો, હસમુખ જેવા પાત્રો અને જામનગર અને બીજા હાસ્યકારોની સૌરાષ્ટ્રની ફ્લેવર ખુબ ભાવતી. જગદીશ ત્રિવેદી જેવા હાસ્યકારો વચ્ચે એમનાં દિકરાને પણ લાવે અને વિદેશયાત્રાઓમાં જેમનાં ઘરે રોકાયા હોય એમનાં નામ લઇ લઈને દરેક હાસ્યકારો એમનો મોક્ષ કરી દે ત્યારે બહુ જ વરવું લાગે!

ગુજરાતી હાસ્યકારો એ તો સારી ખરાબ બધી જ હ્યુમર કરી લીધી, અને વિદેશ પ્રવાસો ખેડી લીધા, બંગલા બનાવી લીધા પણ પછી વર્ષો વીત્યા અને એ ફેઝ ફેડ આઉટ થયો! ફ્રન્ટફુટ પર 'સ્ટેન્ડ અપ' કોમેડી નામનો એક નવો સમય આવ્યો! બેઠા નાગરી ગરબાને બદલે પાસીઝ વાળા પાર્ટીપ્લોટ ગરબા આવ્યા એમ જ! પરિવર્તન એ સંસારનો નિયમ છે એ બચ્ચું પણ જાણે છે, પણ હાસ્યકારોએ વાળમાં ડાય કરાવીને પણ પ્રોગ્રામ ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આજનાં સ્ટેન્ડ અપ કોમેડીની વિરુદ્ધ બોલવું શરુ કર્યું!  

સ્ટેન્ડ અપ કોમેડીમાં રોજની વાતો, રૂટિન જિંદગીની હ્યુમર, એ પણ અંગ્રેજી-હિન્દી-ગુજરાતી મિક્સ લેન્ગવેજ તો ક્યારેક એકલી અંગ્રેજીમાં પિરસાવા લાગી! એમાં ચ-ભ વાળી ગાળો આવી અને સાલસા સૉસનો વઘાર વાગે એવી રીતે ઓડિયન્સમાં છોકરા છોકરીઓ સાથે બેસીને ટેક્સ થી સેક્સ, ડેટિંગ થી સેટિંગ, અને મોદી થી રાહુલ બાબા પર જૉક સાંભળવા લાગ્યા! એક ભેદરેખા ભૂંસાઈ ગઈ! ક્યારેક આપણા મનન દેસાઈ અને ઓજસ રાવલને સાંભળજો! ક્યારેક કાઠિયાવાડી મનન ઠકરારને સાબુદાણાનાં કોન્ડમ થી વડોદરા-અમદાવાદની હ્યુમર કહેતા યુ ટ્યુબ પર જોઈ લેજો! મનન દેસાઈની કોમેડી ફેક્ટરી ખુબ ચાલે છે!

તો નેશનલ લેવલે વિર દાસ, એબિશ મેથ્યુ, ગુરસિમરન ખમ્ભા, અદિતિ મિત્તલ, તન્મય ભટ્ટએ ભારત જ નહિ પણ દુનિયા ગજાવી મૂકી છે! વરુણ ગ્રોવર તો અમિત શાહ, મોદી અને કરંટ અફૅર્સ પર બોલવું શરુ કરે એટલે ભલભલાને મરચાં લાગી જાય! આ વાવાઝોડામાં બેસીને જોક કહેતા પેલા હાસ્યકારો ધીમે ધીમેં સીમિત થઇ ગયા, અને એટલે જ એક જનરેશન ગેપ આવી ગયો!    

આજનાં યંગસ્ટર્સને મેલોડ્રામા કરતી મમ્મી, ટેક્નોલોજી શીખતાં પપ્પા, સેક્સ માટે ના પાડતી ગર્લફ્રેન્ડ, સુહાગરાતનાં ટેબુ, ડેટિંગ ટિપ્સ, ઈંગ્લીશ પ્રીમિયર લીગ, આઇપીએલ, વરુણ-આલિયા જેવા ટોપિક્સ પર જોક સાંભળવા છે! એમને એકલી ગાળો જ નથી સાંભળવી કે પછી એમને હવે પત્ની પર જોક કરે તો અપીલ નથી કરતા!

સ્ટેન્ડ અપ કોમેડીમાં જોકે જેટલું પીળું દેખાય એટલું સોનું નથી હોતું, કપિલ શર્મા-ભારતી સિંહ-સુનિલ પાલ-નવીન પ્રભાકર-ક્રિષ્ના-સુદેશ-રાજુ શ્રીવાસ્તવ-અહેસાન કુરેશીનો ભલે એક જમાનો હતો પણ હવે એ લોકો પણ ટેક્નોલોજી સાથે વરઝ્ન અપડેટ ન કરે એમ આઉટડેટેડ લાગે છે! ન્યુ એજ સ્ટેન્ડ અપ કોમેડીમાં ક્યારેક ભગવાન પર જોક થાય કે પછી બહુ ગાળો બોલવામાં આવે એ ક્યારેક બેશક ખટકે પણ ઓવરઓલ સિનારિયો બહુ જ સારો છે અને લોકો આજે 500થી 1000 રૂપિયા જેવી માતબર ટિકિટ ખર્ચીને ઓડિટોરિયમ હાઉસફુલ કરી દે છે!      

શાહબુદ્દીન રાઠોડ સાહેબની લોકપ્રિયતા અને એમની સટાયર આજે પણ અનમેચ્ડ છે! એમનાં સ્કોટિશ જોક્સ, વનેચંદનો વરઘોડો, શિક્ષકોનું બહારવટું, આયુર્વેદની સલાહો અને થાનગઢની ફ્લેવર અકબંધ છે! શાહબુદ્દીન ભાઈ એ ક્યારેય સસ્તા જોક નથી કર્યા, અને જેટલા પણ ઇન્ટરવ્યુઝ કર્યા છે એમાં નવી જનરેશનને પણ વધાવી છે, કાયમ પ્રોત્સાહિત કર્યા છે! શાહબુદ્દીન રાઠોડનો એક કલાસ હતો જે દુરદર્શન છાપ હાસ્યકારોમાં નદારદ છે! સાંઈરામ દવે જેવા શિક્ષક હાસ્યકાર પણ આજે એફએમ ચેનલ સાથે મળીને પ્રોગ્રામ્સ કરે છે, પણ અગેઇન એમાં એક ડિસ્કનેક્ટ જોવા મળે છે! ગુજરાતી હાસ્યકારોને કોલમ પણ લખવી છે, પ્રોગ્રામ્સ પણ કરવા છે, એ લોકો હાસ્ય લેખક અને હાસ્યકાર બનવા બાબતે અંદર થી જ કન્ફ્યુઝડ છે! પરિણામે તમે એમનાં પ્રોગ્રામમાં ખડખડાટ નથી હસી શકતાં, એ લોકોની હ્યુમર ટેક્નોલોજી અને આજકાલનાં ગીતોને ભાંડવા સુધી સીમિત રહી જાય છે!

સુનિલ ગ્રોવર, રવિ ગુપ્તા, કુશા કપિલા, હર્ષ ગુજરાલ, અભિષેક ઉપમન્યુ એ આજ અને આવતીકાલની હ્યુમરનાં પહેરેદાર છે, જે રીતે દરેક વિકેન્ડમાં અને ઇન્સ્ટાગ્રામ પર આ લોકોનાં સ્ટેન્ડ અપ્સ ધુમ મચાવે છે, નવી જનરેશનને આ લોકો જ ગમે છે એ હકિકત છે!  

ડેઝર્ટ:

एक नए खौफ का जंगल है मेरे चारों तरफ,
अब मुझे शेर नहीं गाय से डर लगता है....   - राहत इंदौरी   - ભાવિન અધ્યારુ  

આ સમાચાર શેર કરો