મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / “નાદ ભ્રમ જાગો, સ્વર સમાધિ લાગો”

- "શબ્દ ઝણકાર" આજના યુવાવર્ગે હિપહોપ,ઝુમ્બા,રિમિક્સની એવી દોટ મૂકી છે કે તેઓ શા

શતરંગ / “નાદ ભ્રમ જાગો, સ્વર સમાધિ લાગો”

- "શબ્દ ઝણકાર"

આજના યુવાવર્ગે હિપહોપ,ઝુમ્બા,રિમિક્સની એવી દોટ મૂકી છે કે તેઓ શાસ્ત્રીય સંગીત સાંભળવા કે શીખવામાં આળસ કે ‘ટ્રેન્ડ’માં ન હોય એવું લાગે છે. જોકે શાસ્ત્રીય સંગીતનો ટ્રેન્ડ હોવો એ બિલકુલ જરૂરી નથી. પણ તે પોતાનામાં જ સંપૂર્ણ મહાનતા ધરાવે છે. શાસ્ત્રીય સંગીતના સાધકો જ્યોતે જ્યોતે હાજરાહજૂર છે. તેવામાં કલાગુરુઓ દ્વારા ચિંતા મુકાઈ છે એ ગંભીર બાબત છે.

આજે શેરીએ શેરીએ સંગીતના વર્ગો ખોલી બેઠાં છે.એ તો ઠીક, કલા મહાકુંભ કે યુવા ઉત્સવ જેવા કલા-ગુર્જરીના શુદ્ધ કાર્યક્રમોમાં પાછા હોંશ પૂર્વક નિર્ણાયકની બેઠકમાં સ્થાન પામતા હોય છે. જે પોતે જ પૂરેપૂરું શીખ્યા ન હોય એ નિર્ણાયક તરીકે તટસ્થ નિર્ણય આપી જ કેમ શકે? ઘણી વખત નિર્ણાયકની એકાદ ભૂલના કારણે એક સાચો કલાકાર ‘કલાકાર’ બનતા બનતા રહી જાય છે માટે પોતાના શોખનું બલિદાન આપી બેસે છે. ફક્ત પૈસા કમાવવા કે પોતાની નામના મેળવવા, કાં તો ‘કોઈ છે નહિ’ એટલે તેઓ ખુરશી પર બેસીને ફક્ત પોતાનો જ સમય વેડફ્યા નથી કરતા, પરંતુ એક આખી પેઢી કે જેમને તેના કરતા પણ વધારે સુર જ્ઞાન ધરાવનારા બાળકોનું ભાવિ ખતરામાં મુકાઈ જાય છે. ન શીખેલા અથવા પૂરતું જ્ઞાન ન મેળવનાર લોકો આજે નિર્ણય આપતા પહેલા જરાય અચકાતા નથી. પોતાને શ્રેષ્ઠ અને બેસ્ટ માનનારા આ પોતાના જ કલાગુરુ પાસેથી શીખીને તરત જ વર્ગો ચાલુ કરી દે છે. ખોટું નથી, પણ જે કળા શીખવા માટે ભવોભવ ઓછા પડે એમ હોય અને એ સાક્ષાત્કાર કરવા પૃથ્વી પર વારંવાર જન્મ લેવો પડે એમ હોય તેવા
શુદ્ધ સંગીતને તેઓ પૈસામાં વહેંચે છે ત્યારે ખુબ દુઃખ થાય છે. ફક્ત પોતા માટે, પૈસા માટે કે પછી ટ્રેંડમાં રહેવા માટે?

કહેવાય છે ને, “અધૂરો ઘડો છલકાય ઘણો”. પોતાને પહેલા આજીવન વિદ્યાર્થી જ માનવું પડે એ જ પાયાની વાત છે. સાચા ગુરુની પરખ અને સાચા ગુરુની સલાહ અગત્યની છે. વિશેષ દુઃખ ત્યારે થાય, જ્યારે માતા પિતા કોઈ તજજ્ઞની સલાહ વિના જ પોતાના બાળકોને અયોગ્ય 'ગુરુ' પાસે શિક્ષા લેવા મોકલી દેતા હોય છે ને વળી રાજી થઈ પ્રચાર કરે કે,‘મારો પુત્ર વિશારદ થઈ ગયો.’

સંગીત સાધના છે. ઉપાસના છે. આ સાધનામાં ખરા ઉતરવા માટે જનમોજનમ તપ કરવું પડે. સંગીતના વર્ગોમાં જવાથી સંગીત શીખી ન શકાય, કે સંગીતના વર્ગો આ કળા શીખવી પણ ન શકાય. આનો તો વ્યાપ જ અલગ છે. આત્મવિશ્વાસ સાથે 'હું સાચો' એવું કહીને ધરાર ખોટું શીખવનારા દરેક ક્ષેત્રમાં બિન્ધાસ્ત જીવે છે. નજર સમક્ષ એવા કેટલાય દાખલા છે જે વિષયના હોય એ વિષયમાં બહુ ઓછું જ્ઞાન હોય. દરેક ક્ષેત્રમાં જો આવું ચાલતું રહ્યું, તો સાચા ગુરુની પરખ, સાચો કલાકાર કોણ, સાચો વિદ્યાર્થી કોણ, સાચો નિર્ણાયક કોણ એ બધાનો ભેદ પારખવો અઘરો પડશે.

કોઈપણ ક્ષેત્રમાં સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલી વ્યક્તિની ઓરાને જોવા આંખો નહીં, દ્રષ્ટિ જોઈએ અને આપણે પોતે એવા બની શકીશું જ એ માટે દ્રષ્ટિ નહિ, એક વિઝન જોઈએ. આપણે એવું વ્યક્તિત્વ કેળવીએ કે લોકો આપણને અવલોકે અને અનુસરે. જીવનના છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી તરીકે જીવી જવાય અને ગુરૂ તરીકે વિદ્યાર્થી, એના પરિવાર અને આખા સમાજને કંઈક સત્ય સાથે સાત્વિક આપવાનો સંતોષ માની જીવી જવાય. નિર્ણાયક બનીને સચોટ નિર્ણયની સાથે સાથે ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપી જીવી જવાય અને એક ઉમદા કલાકાર બની શ્રોતાઓને મનોરંજન પૂરું પાડી જીવી સાચું સંગીત શું છે એની સમજ લોકો સુધી પહોંચતા કરીએ તો જન્મારો તારી જવાય. છેલ્લે, ગુજરાતી સ્વર બેલડી આશિતજી-હેમાજી દ્વારા ગાયેલું ગીત યાદ આવે છે :

નાદબ્રહ્મ જાગો, સ્વર સમાધિ લાગો
લય, શ્રુતિ, સ્વર, શબ્દ, તાલ, કંઠમાં બિરાજો.

આ સમાચાર શેર કરો