શતરંગ / ચાવડા વંશ
- ઇતિહાસગાથા ગુજરાતને ભારતના ઈતિહાસના સુવર્ણયુગ સમા ગુપ્ત રાજવંશમાંથી અલગ ઓળખ અપાવનાર મૈત્રક વંશના રાજવીઓ હતા. ગુજરાતના સૌપ્ર

- ઇતિહાસગાથા
ગુજરાતને ભારતના ઈતિહાસના સુવર્ણયુગ સમા ગુપ્ત રાજવંશમાંથી અલગ ઓળખ અપાવનાર મૈત્રક વંશના રાજવીઓ હતા. ગુજરાતના સૌપ્રથમ સ્વતંત્ર રાજવીઓ એવા મૈત્રકોના અકાળે અંત થયેલા શાસન બાદ લગભગ દોઢસો વર્ષ જેવો સમયગાળો ગુજરાતમાં અનિશ્ચિતતાનો રહ્યો, જ્યાં કોઈ એક શાસક સમગ્ર રાજ્યમાં શાસન કરતો હોય એવું ન્હોતું. મૈત્રક વંશના અંત સમયે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં રાષ્ટ્રકૂટ વંશની સત્તા સ્થપાઈ. તેની મહાનતાના દર્શન થોડા સમય માટે ગુજરાતને પણ થયા, પણ એ બહુ લાંબુ ન ચાલ્યું. ટૂંકાગાળામાં પણ તેનું શાસન મુનશીની નવલકથાઓમાં પ્રસિદ્ધ થયેલ ‘લાટ’થી શરુ કરીને મધ્ય ગુજરાત અને ત્યાંથી છેક ઉત્તર ગુજરાતનાં અંતિમ વિસ્તાર સુધી ફેલાયું. હાલનું ખેડા તેની રાજધાની બન્યું.
સૌરાષ્ટ્રમાં ઘુમલીનો સૈન્ધવ વંશ, વઢવાણની આસપાસ ચાપ વંશ અને એ સિવાય પણ સૌરાષ્ટ્રમાં અલગ અલગ 4 રાજવંશોનું શાસન હતું. જયારે ઉત્તર ગુજરાતમાં ભિન્નમાલ કે શ્રીમાલ તરીકે જાણીતા વિસ્તારના ગુર્જર પ્રતિહાર વંશનું શાસન રહ્યું. આમ, ગુજરાત પ્રદેશ અલગ અલગ રાજવંશ હેઠળ વહેંચાયેલો હતો. એક એકહથ્થુ શાસન ન હોવાના ગેરફાયદા તો હોવાના જ! આ સમયે ગુજરાતને રાજકીય ઓળખ મળી ચૂકી હતી. સાંસ્કૃતિક ઓળખ સમી વલભી વિદ્યાપીઠ અમર થઇ ચૂકી હતી. હવે સમય આવ્યોહતો ગુજરાતનું ભૂગોળ નક્કી કરવાનો. અને એ કાર્ય થયું સોલંકીઓના શાસનમાં. સોલંકીઓના ઉદ્ભભવનું કારણ તે ચાવડા વંશ.
ગુજરાતમાં ચાવડા વંશ વિષે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. ચાવડા વંશનો સમયગાળો ઈ.સ. 746 થી 942નો હતો. તેમનું શાસન મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં રહ્યું. ચાવડા વંશ મૂળ પાટણનો હતો. ચાવડા વંશનો સ્થાપક-વનરાજ ચાવડા, જેણે પોતાના મિત્ર અણહિલના નામ પરથી રાજધાનીનું નામ અણહિલપુર પાટણ રાખ્યું. કહેવાય છે કે, પાટણની પાસે પંચાસર નામનું રાજ્ય હતું. જેના રાજા જયસિકરી હતા. પંચાસરની સમૃદ્ધીથી આકર્ષાઈને કન્નોજના રાજા ભુવડે પંચાસર પર આક્રમણ કરવા સેના મોકલી. સામે પક્ષે જયસિકરીએ પણ પોતાના સાળા સુરપાળને સેના લઈને યુદ્ધ લડવા મોકલ્યો. ભુવડની સેનાનો ખરાબ રીતે પરાજય થતા તે ગુસ્સે ભરાયો અને પોતે જ યુદ્ધ લડવા આવી પહોંચ્યો.
પોતે મોટા રાજ્યનો રાજા હતો, અને સેના પણ મોટી હતી. આથી, વિરાટ સેના લઈને તેણે પંચાસર રાજ્ય પર ઘેરાબંધી કરી. જે લાંબી ચાલતા જયસિકરીને યુદ્ધ કરવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. પોતાની ગર્ભવતી પત્ની રૂપસુંદરીને તેના ભાઈ સુરપાળને સોંપીને તે યુદ્ધ મેદાનમાં આવ્યો. જયસિકરી આ યુદ્ધની ભયાનકતા જાણતો હતો, તેથી તેણે સુરપાળને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે પોતાને કંઈ પણ થાય તો તેણે તેની બહેનને લઈને નાસી જવું. અને થયું પણ એવું જ.
રાજા જયસિકરી યુદ્ધમાં શહીદ થયા. તેથી રાણી રૂપસુંદરી અને સુરપાળ ભાગતા ભાગતા વનમાં પહોચ્યાં. ભીલ પ્રજાએ પોતાની રાણીને આશરો આપ્યો. થોડા સમયબાદ રાણીએ વનમાં જ એક બાળકને જન્મ આપ્યો. વનમાં જન્મ્યો હોવાથી તેનું નામ વનરાજ પાડવામાં આવ્યું. બાળ વનરાજ જયારે જંગલમાં ચીર નિંદ્રામાં પોઢી રહ્યો હતો ત્યારે એ સમયે એક જૈન મુનિ સિલગુણસુરજી ત્યાંથી પસાર થયા. વનરાજની મુખ મુદ્રા જોઇને તેમણે ભવિષ્ય ભાખ્યું કે, આ બાળક ભવિષ્યમાં રાજા બનશે અને જૈન ધર્મનો ઉદ્ધાર કરશે.
રાજા થવા જન્મેલા ભાણીયાને મામા સુરપાળ નાનપણથી જ યુદ્ધ કલામાં નિપુણ બનાવે છે. માતા પાસેથી પિતાના પરાક્રમ અને મામા પાસેથી યુદ્ધની કળા શીખી રહેલો વનરાજ જંગલમાં રહેતો હોવાથી જંગલની અમુક વિદ્યાઓ પણ જાણતો હતો. સમય જતા તેણે પોતાના પિતાએ પોતાનું રાજ્ય કઈ રીતે ગુમાવ્યું તે જાણ્યું અને ત્યારબાદ પોતે પોતાનું રાજ્ય પાછું મેળવવાનો નિર્ધાર કરે છે. પરંતુ તેમાં તકલીફ એક જ હતી. તેની પાસે વનના સાથીઓની સેના તો હતી, પણ ધન ન હતું. તેથી તે પોતાના મામા સાથે મળીને જંગલમાંથી પસાર થતા લોકોને લુંટતો. જેના કારણે તે રાજા બન્યો છતાં ‘ચોર’ની તકતી તેના પરથી હટી નહીં. આ તકતીને હટાવવા માટે આગળ જતા તે ઘણાં ધાર્મિક કાર્યો કરે છે.
વનરાજ ચાવડાના જંગલના સાથીઓમાં બે નામ બહુ મહત્વપૂર્ણ હતા. અણહીલ ભરવાડ અને ચાપો વાણિયો. આ બન્ને મિત્રોની મદદ વગર વનમાં ભટકતો વનરાજ ચાવડા ક્યારે ચાવડા વંશનો સ્થાપક બની શક્યો ન હોત. વનમાં રહીને આ યુવાન કેવી રીતે એક મહાન વંશના ઘડવૈયા બન્યા, એની કથા હવે આગળના પ્રકરણમાં.
- રક્ષા ત્રાપસિયા








