શતરંગ / બ્રેસ્ટ કેન્સર: પોતાના સ્તનના તમે પોતે જ ડોકટર બનો!
- કરન્ટ કીક અભિનેત્રી મહિમા ચૌધરીથી લઈને તાજેતરમાં મોડેલ એક્ટ્રેસ હિના ખાનને માત્ર 36 વરસની ઉંમરે

- કરન્ટ કીક
અભિનેત્રી મહિમા ચૌધરીથી લઈને તાજેતરમાં મોડેલ એક્ટ્રેસ હિના ખાનને માત્ર 36 વરસની ઉંમરે સ્તન કેન્સરનું નિદાન થાય એ જોતાં મહિલાઓમાં ભય તેમજ સાવચેતીનો માહોલ સર્જાય એ સ્વભાવિક છે. ભારતભરમાં દર વર્ષે 14 લાખ જેટલા નવા કેસો આ કેન્સરના સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશનના રિપોર્ટ મુજબ ભારતમાં દર એક લાખમાંથી પચ્ચીસ મહિલાઓને આ કેન્સર થાય છે, તેમજ દરેક લાખમાંથી 13 મહિલાઓ મૃત્યુ પામે છે, જે કેન્સરના અન્ય કોઈ પણ પ્રકાર કરતા અત્યારે ખતરાની નિશાની મનાય છે. પણ જો આ "કેન્સર વૃત્તિ"ને સરખી સમજી લેવામાં આવે તો એની સામેની લડાઈ ઘણી સહેલી બની શકે એમ છે.
કેન્સરના અન્ય પ્રકારની જેમ જ બ્રેસ્ટ કેન્સરમાં પણ જિનેટિક ફેક્ટર અર્થાત વારસાગત પરિબળ પહેલું અને પાયાનું કારણ મનાય છે. પણ છેલ્લા વર્ષોમાં એવું શું થયું કે જેને કારણે મહિલાઓ ધડાધડ આ મહારોગનો ભોગ બનવા લાગી? તો એમાં પણ લગભગ કોમન ફેક્ટર જંકફૂડ, સ્ટ્રેસ, અનિંદ્રા, મેદસ્વિતા અને કસરતનો અભાવ જેવા કારણો જ સામે આવે છે. જે પેલા જિનેટિક ફેક્ટરને ટ્રિગર કરતા અગાઉના પ્રમાણમાં, છેલ્લા ત્રણ દાયકામાં આ રાક્ષસ ચાર ગણો વિકરાળ બનીને મહિલાઓને ભોગ બનાવી રહ્યો છે. પણ કોમન કારણો સાઈડમાં મૂકીએ તો એક મોટું અને અસામાન્ય કારણ એ છે કે - મોટી ઉંમરે લગ્ન, મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ, અથવા નિઃસંતાન હોવું અથવા બ્રેસ્ટ ફિડિંગ (સ્તનપાન)ને કોરાણે મૂકી દેવું એ છે.
આ કેન્સરના દારૂગોળાને દીવાસળી ચાંપનાર એક કારણ છે- ઇસ્ટ્રોજન હોર્મોન. જે આમ તો સ્ત્રીઓને સ્ત્રીત્વ બક્ષનાર છે, પણ ક્યારેક રક્ષક ભક્ષક બની જાય છે. બ્રેસ્ટ કેન્સરના એક્સપર્ટ ડો.વિભા અગ્રવાલ કહે છે કે- હવે તો સાત આઠ વર્ષની છોકરીઓ મેન્સિસમાં આવતી થઈ જાય છે અને ઘણીવાર મોટી ઉંમરે પણ મેનોપોઝ આવતું નથી. એટલે દેખીતી રીતે જ ઇસ્ટ્રોજન હોર્મોન સાથેનો સ્ત્રીઓનો ઘર્ષણકાળ વધતો ગયો છે. વળી, તમે ગ્લેમર વર્લ્ડમાં સ્ત્રી હો તો ક્યારેક ખાસ અંગો ઉપાંગોના આકાર માટે ઇસ્ટ્રોજનના ઇન્જેક્શન પણ લીધા હોવાથી પણ આ રોગને નોતરું આપી દેવાતું હોય છે...પણ આવી બધી વૈજ્ઞાનિક બાબતોમાં ના પડીને મહિલાઓએ શું સાવચેતી રાખવી એ વધારે અગત્યનું છે.
પોતાના બ્રેસ્ટના તમે પોતે જ ડોકટર બનો. અઢાર વર્ષની ઉંમરથી જ પિરિયડના સાતમા કે આઠમા દિવસે પોતાના સ્તનનું અરીસા સામે જોઇને ઓબ્ઝર્વેશન કરવું. એવું બને જ છે કે બન્ને સ્તનોની સાઈઝ કે લેવલ સરખા ના હોય. પણ સ્ત્રીઓને એમના પોતાના બ્રેસ્ટ બાબતે એટલો ખ્યાલ હોય જ છે કે દર મહિને ઓબ્ઝર્વેશન કરતા કરતા એકાદવાર લેવલ કે સાઈઝ આમતેમ જણાય તો એને સ્પાર્ક થાય. વળી, એકાદ નિપલ (ડીંટડી) અંદર તરફ વળી ગયેલી જણાય તો પણ. ડાબા-જમણા બન્નેમાંથી એક સ્તનમાં કશુંક ગાંઠ જેવું લાગે, ભલે એ દુઃખતું ના હોય તો પણ. ઉપરાંત, ક્યારેક સ્તન નહિ પણ બગલ કે છાતીમાં થયેલી કોઈક સામાન્ય મમરા કે વટાણા જેવડી ગાંઠ પણ અવગણવી નહિ. હા, માસિકના સાતમા આઠમા દિવસે આ સેલ્ફ ટેસ્ટ લેવાનું કારણ એ કે, આ દિવસો દરમિયાન સ્તન પ્રમાણમાં નરમ હોય છે, એટલે એમાં નાનામાં નાનો ફેરફાર પણ સ્ત્રી પોતે અનુભવી શકે છે. જે સ્ત્રીઓ મોનોપોઝમાં હોય એ દર મહિને કોઈ પણ એક ફિક્સ તારીખે આ ટેસ્ટ કરી શકે છે.
ક્યારેક બગલમાં કે સ્તનમાં કે નિપલમાં અમથી ખજવાળ આવે, નિપલમાંથી કાળું કે લાલ કે લીલું પ્રવાહી ઝરે, સ્તનની ચામડીના કલરમાં દેખીતો ફેરફાર થાય તો તરત જ સાવચેત થઈ જવું. આ સ્વ પરીક્ષણનો ફાયદો એ છે કે એમાં એક રૂપિયાનો ખર્ચો નથી. ફક્ત મહિને બે ચાર મિનિટ પોતાની જાતને અરીસામાં જોયા સિવાય કોઈ ખાસ મહેનત પણ કરવાની નથી. અઢાર વર્ષની ઉંમરથી જ આમ તો આ ઓબ્ઝર્વેશન શરૂ કરવું જોઈએ, પણ જે સ્ત્રીઓની મમ્મી, બહેન કે દાદીને અગાઉ બ્રેસ્ટ કેન્સર થયું હોય તો એમને જે ઉંમરે આ લક્ષણો દેખાયા હોય એના કરતા દસ વર્ષ અગાઉની ઉંમરે તો ફરજિયાત કરવું જ.
ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણો દેખાય તો માનસિક સ્ટ્રેસમાં આવ્યા સિવાય, કોઈ ઊંટવૈધા કે ઘરગથ્થુ ઈલાજ તરફ વળ્યા વિના સીધો જ ગાયનેકોલોજિસ્ટ કે લક્ષણો વધુ તીવ્ર લાગે તો કેન્સર સ્પેશિયાલિસ્ટનો (ઓન્કોલોજીસ્ટ) સંપર્ક કરો. નિષ્ણાંત ડોકટર તમારી જરૂરિયાત મુજબ બ્રેસ્ટની નોર્મલ સોનોગ્રાફી કે એમઆરઆઈ કે મેમોગ્રાફી કરાવશે. એમાં દોઢડાહ્યા થઈને જાતે રિપોર્ટ કરાવવા નહિ, કેમ કે, નિદાનના ક્રાઇટેરિયા અલગ અલગ હોય છે અને ટેસ્ટસ પણ. ઉપરાંત, દરેક સો બ્રેસ્ટની ટ્યુમરમાંથી માત્ર ત્રણ કે ચાર "કેન્સર" હોય છે. બાકીની બધી જ ગાંઠ હોર્મોનલ ફેરફાર કે ચરબીનો ભરાવો જ હોય છે, ફક્ત. એટલે સ્વ પરીક્ષણ કરતા કરતા કેન્સર રહી જાય સાઈડમાં અને સાયકોલોજી બગડી ના જાય એ બાબતે પણ સજાગ રહેવું.
હા, પણ એક વાત નક્કી છે કે સ્ત્રીઓએ દર મહિને કરેલ આ સેલ્ફ ટેસ્ટ થકી બ્રેસ્ટ કેન્સરને પહેલા કે બીજા સ્ટેજમાં જ રંગે હાથ ઝડપી શકાય છે જેમાંથી પહેલા સ્ટેજમાં 97 ટકા જીવ બચી જાય છે અને બીજા સ્ટેજમાં 70 ટકા પ્લસ. આ લક્ષણો અવગણતાં રહેવાથી જોખમો વધતા જવાના છે. વળી, વારસાગત ફેક્ટર આપણા હાથમાં નથી અને આધુનિકતાના અભિશાપમય આ જમાનામાં લાઈફ સ્ટાઇલ પણ સાવ "સાદગીમય" બનાવી દેવી સહેલી નથી. પણ આ સાવચેતીઓ રાખવી સાવ સહેલી છે. રોજના મેકઅપ કરતા પણ ઓછો સમય દર મહિને પોતાની જાતને અરીસામાં જોઈને આપવાનો છે બસ.
થવાનું હશે એ તો થશે જ. પણ સ્વસ્થ ખોરાક, થોડીક રૂટિન કસરત, પોતાના જ "સ્તન"નું પોતે જ કરેલું માસિક ઓબ્ઝર્વેશન અને શરમ રાખ્યા વગર નાનામાં નાના લક્ષણો બાબતે નિષ્ણાંતની મુલાકાત આખી ને આખી જિંદગી તારી દેશે એની ગેરેન્ટી!
- ડૉ. ભગીરથ જોગિયા








