શતરંગ / મેલિસ્ટ મગજમારી
કિચનમાં કંથે કરેલા કાંડના આફ્ટર શૉક રૂપે ફેમિનિસ્ટ – ટુ – મેલિસ્ટ બની ત્યારે થયું કે 'હાશ! હવે વિચારવાની વ

કિચનમાં કંથે કરેલા કાંડના આફ્ટર શૉક રૂપે ફેમિનિસ્ટ – ટુ – મેલિસ્ટ બની ત્યારે થયું કે 'હાશ! હવે વિચારવાની વેઠ છૂટશે' પરંતુ ફિમેલ જયારે મેલિસ્ટ બને ત્યારે પણ મગજ તો ફીમેલનું જ રહે ને? અને વિચારોને ફેમિનિઝમ કે મેલિઝમ સાથે નહીં, ફિમેલિઝમ સાથે વળગણ છે! એટલે વિચારોનું વૈતરું પતિદેવને આઉટસોર્સ કર્યા બાદ ખાટલે ખોડકાઈને આરામ ફરમાવતા ફરમાવતા ભેજું વળી ભ્રમણે ચઢ્યું ને ફરી એકવાર પતિદેવ વેઠ ઉતારે એના બદલે આત્મનિર્ભર બનીને વિચારોના વાહનને જાતે જ હંકારવું એવું નક્કી કર્યું.
મેલિસ્ટ બન્યા પછી મગજમાં ચાલતી મગજમારી:
- સ્ત્રીઓની સરખામણીએ કેટલા પુરુષો છે જેમને ચોઈસ મળે છે કે એમને ઘર સંભાળવું છે કે કમાવું છે?
*ઘર સંભાળવા વિશેની એમની (અણ)આવડત વિશે સાસુ'માં' સિવાય કોઈ સાથે ચર્ચા કરવી નહી.
- સ્ત્રીઓના મહિને દા'ડે એક્ટિવ થતાં મેનસ્ટ્રુઅલ હોર્મોન્સને પુરુષો સમજે, સ્વીકારે અને જે તે સમયે આવતા 'મૂડ સ્વિંગ્સ' સાચવે એ જો અપેક્ષિત છે તો પુરુષોના દર ચોવીસ કલાકે ઉભરાતા રિપ્રોડક્ટિવ હોર્મોન્સને સ્ત્રીઓ સમજે, સ્વીકારે અને જે તે સમયે આવતા 'મૂડ' સાચવે નહી તો એટલીસ્ટ ધુત્કારે નહી, એ અપેક્ષા વધારે પડતી કેમ?
*બંનેમાંથી શું વધારે અઘરું એ જો કે માત્ર સ્ત્રીઓના મૂડ અને એના હીંચકાઓ પર ડીપેન્ડ કરે છે! - સંબંધમાં સ્ત્રીઓ જેટલી સહજતાથી કહી શકે છે કે મારી ઈમોશનલ નીડ્સ પૂરી નથી થઈ રહી, શું એટલી જ સરળતાથી, જજમેન્ટ્સના ડર વગર પુરુષો કહી શકે કે મારી ફિઝિકલ નીડ્સ સેટિસ્ફાય નથી થઈ રહી?
*પોતાની પર્સનલ પત્ની/પ્રેમિકાને જ કહેવાની વાત છે! - પુરુષોનું સ્ત્રીની સુંદરતા તરફ આકર્ષિત થવું ભેદભાવપૂર્ણ છે તો સ્ત્રીઓનું પુરુષને એની કમાણી કે પારિવારિક સ્થિતિ પ્રમાણે મૂલવવું ન્યાયપૂર્ણ છે?
*સહમત ન હોવ તો વાતે વાતે "ઇટ્સ હર ચોઈસ" કહેનારા સામે એકવાર "ઇટ્સ હીસ ચોઈસ" કહી જોવું. - સ્ત્રીઓ માટે લગ્ન પછી માંબાપનું ઘર છોડવું અન્યાયપૂર્ણ છે, તો પુરુષો માટે માંબાપનું ઘર કદી ન છોડવું જોઈએ એવી અપેક્ષા અન્યાયી નથી?
*કમાવતરના અનુભવ ન કર્યા હોય એમણે 'બાગબાન'ના બણગાં ફૂંકવા નહી. - ગરોળીથી ડરતી સ્ત્રી જ્યારે એ જ ગરોળીને ભગાડતા પુરુષને ધમકાવે કે લમધારે ત્યારે ઘરેલું હિંસાની ફરિયાદ કેમ ન થઈ શકે?
*જો કે મારા મતે તો એવા લમણાં લેવા કરતાં ગરોળી ભગાડવી બંધ કરી દેવી વધારે અસરકારક સાબિત થઈ શકે. - સ્ત્રી તરીકે રસોઈ બનાવવી ફરજિયાત ન હોવી જોઈએ તો પુરુષે સ્ત્રીના હાથની રસોઈ ખાઈને વખાણ કરવા ફરજિયાત કેમ?
*ફરજિયાત ન લાગતું હોય એમણે પોતાના રિક્સ પર એક વાર 'ઠીક છે’ શબ્દો વાપરી જોવા. મેડિકલ ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે. - સ્ત્રીઓને લગ્ન બાદ પણ સ્વતંત્ર રીતે હરવા ફરવાનો, પહેરવા ઓઢવાનો અધિકાર હોવો જોઈએ તો પુરુષોને 'નકામા' દોસ્તો સાથે રખડવાનો કે ગંજી પહેરીને સોફા પર પડી રહેવાનો હક કેમ નહિ?
*દોસ્તોના કેટલા કાંડ ને ગંજીના કેટલા કાણા એલાઉડ છે એની સ્પષ્ટતા લગ્ન પહેલા કરી લેવાય. - સ્ત્રીઓને પુરુષો દ્વારા સમયાંતરે 'આઈ લવ યુ' સાંભળવું ગમે છે એમ પુરુષોને કદીક સ્ત્રીઓના મુખે 'સોરી' સાંભળવાની ઈચ્છા થાય તો એમાં ખોટું શું છે?
*અમુક કિસ્સામાં "આઈ લવ યુ" ના જવાબમાં "સોરી" કહી શકાય.
P.S. આ લખાણ પોસ્ટકર્તાના પતિની આંખોએ ચઢી ગયું હતું અને એ પણ સ્વયંને મેલિસ્ટ ઘોષિત કરવાની તૈયારીમાં હોવાનો અણસાર આવતા જ અમોએ તાત્કાલિક અસરથી મેલિસ્ટ હોવાનું કેન્સલ કરી કિચન સિવાયની બાબતો માટે ફેમીનિસ્ટ જ રહેવાનું નક્કી કરેલ છે જેની સમાજે અને ખાસ તો પતિદેવે નોંધ લેવી.
- કૃતિ શાહ






