શતરંગ / વિશ્વાસ - ‘ઘાત’ કે વિશ્વનો શ્વાસ?
- ચાલ જિંદગી મારી સાથે ‘વિશ્વાસ’ શબ્દ કે જેમાં વિશ્વનો શ્વાસ છુપાયેલો છે એમ બધા માને છે. પણ એજ

- ચાલ જિંદગી મારી સાથે
‘વિશ્વાસ’ શબ્દ કે જેમાં વિશ્વનો શ્વાસ છુપાયેલો છે એમ બધા માને છે. પણ એજ વિશ્વાસ ઘાત આપે ત્યારે? જગતમાં મોટા ભાગની ઘટનાઓ જોઈશું તો એમાં ક્યાંકને ક્યાંક વિશ્વાસ-ઘાતના મૂળ જોવા મળશે જ. જયારે વિશ્વાસ ઘાત થાય છે ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે અને ક્યારેક એ તિરાડ એટલી મોટી હોય છે કે જે ક્યારેય જોડાઈ નથી શકતી. આપણે જે વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ રાખીએ એ જ વ્યક્તિ આપણને છેતરે, દગો આપે, આપણાથી વાત છુપાવે ત્યારે આપણને એવું લાગે કે જાણે આપણા પગ નીચેથી ધરતી ખસી ગઈ. એ આઘાત સૌથી ઊંડો હોય છે કે જેને પ્રેમ કરીએ એ જ આપણને છળી જાય. આખું જગત ત્યારે જુઠ્ઠું લાગે છે. એવું લાગે છે કે જાણે હવે ક્યારેય કોઈના પર વિશ્વાસ રાખી શકાય એમ નથી. તો આ વિશ્વાસ ક્યારે અને કોના પર કરી શકાય એના કોઈ ધારાધોરણ ખરા?
ક્યારેક આપણે સાંભળીયે છીએ કે વર્ષો સુધી કોઈની સાથે રહ્યા પછી પણ આપણે એના પર વિશ્વાસ નથી કરી શકતા અને ક્યારેક બે સેકન્ડ સાથે રહીને પણ આપણે આપણને એમ લાગે છે કે જાણે આપણે એને જન્મોજન્મથી ઓળખીએ છીએ. ક્યારેક આપણું પરમ મિત્ર હોય, બાળપણથી જેને ઓળખતા હોય એના માટે પણ આપણા મોઢામાં એવા શબ્દ આવી જાય કે આના પર વિશ્વાસ કરવા જેવો નથી...તો કોના પર વિશ્વાસ કરવો? કોણ વિશ્વાસ પાળશે? કેવી રીતે નક્કી કરવું કે કોણ વિશ્વાસુ છે અને કોણ નથી? તો કદાચ એનો જવાબ છે કે કોઈ નહિ...કારણ કે વિશ્વાસ શું છે? કોઈ આકાર કે માપ ખરું એનું? એ દેખાય છે કેવો? એ બદલાય તો કેવો લાગે? આના વિષે કોઈને કોઈ માહિતી નથી. વિશ્વાસ એક લાગણી છે જે દેખાતી નથી પણ બહુ તીવ્ર રીતે અનુભવાય છે કે જેના પર કોઈ સોળ વર્ષની છોકરી આખી દુનિયાને છોડીને ચાલી નીકળે છે કોઈની સાથે, જેના પર લાખો લોકો માનતા - બાધા રાખતાં હોય છે, પૂજા પાઠ કરતાં હોય છે. એ ઈશ્વર પરનો, કુદરત પરનો વિશ્વાસ નથી તો શું છે બીજું? પણ તેમ છતાંય ઘણી વાર આપણા મોઢામાંથી નીકળે છે કે જગતમાં કોઈનો વિશ્વાસ કરવો નહિ...તો કેમ આવું છે કે આપણે વિશ્વાસ કરતાં પણ રહીએ છીએ અને વિશ્વાસથી ના કરવો જોઈએ એમ પણ કહેતા હોઈએ છીએ..
આ જ છે કદાચ માનવ મન જે એમ કહે છે કે, “હો જાતા હૈ કૈસે પ્યાર ના જાને કોઈ” અને બીજી જ બાજુ એ એ પણ કહે છે કે, “રબ્બા ઈશ્ક ના હોયે” પ્રેમ, વિશ્વાસ આ બધી એવી લાગણીઓ છે કે જેનાથી પર આપણે નથી રહી શકવાના...આપણે વિશ્વાસ કરીશું પણ ખરા અને એ અયોગ્ય વ્યક્તિ પર રાખ્યો હશે તો તૂટશે પણ ખરા પણ એનો અર્થ એ તો નથી ને કે ફરી આપણે કોઈના પર વિશ્વાસ ના રાખીએ કારણ કે આપણને કોઈના પર વિશ્વાસ રાખવો જોઈએ એવું પણ જીવનમાં આવેલા કેટલાક માણસો જ શીખવતાં હોય છે ને. એટલે જેમ એકવાર ઠોકર ખાઈને પડી જાય એ માણસ ઉભું થઈને ફરી ચાલવા માંડે છે. એ ચાલવાનું તો નથી છોડતું ને? એ જ રીતે ક્યાંકથી વિશ્વાસઘાત મળેલા આપણે જગતમાં બધા જ વિશ્વાસ ઘાતી છે એમ ના સમજવું જોઈએ. કારણ કે જો જગતમાં બહુ ખરાબ માણસો છે તો જગતમાં બહુ સારા માણસો પણ છે જ. એ વિશ્વાસ જ તો છે કે જેના આધારે દરરોજ આપણે રાત્રે સુઈ જઈએ છીએ એમ વિચારીને કે કાલે સવારે તો આપણે ફરી જાગવાના જ છીએ ને...શું ક્યારેંય એમ વિચારીને આપણે શંકા કરી છે કે કાલે જાગીશું જ નહી તો? વિશ્વાસની ગેરહાજરી એક એવો ખાલીપો ઉભો કરે છે જેમાં માત્ર શંકાઓ સિવાય બીજું કશું નથી હોતું...એ ઉત્ત્પન્ન કરે છે અસુરક્ષા, અસ્થિરતા કે જેના કારણે આપણી માનસિક સ્થિતિ ડામાડોળ થઇ જાય છે...અને એવી ડામાડોળ સ્થિતિના કારણે ના આપણો આપણી જાત પર કાબુ રહે છે ના જીવન પર..
એના કરતાં એમ વિચારીને કે શું થયું એક વાર છેતરાયા તો ? ફરી ધ્યાન રાખીશું, શું થયું એક વાર દગો મળ્યો તો ? બધા તો એવા નથી હોતા ને? શું થયું એકવાર કોંઈ જુઠ્ઠું બોલ્યું અને આપણે વિશ્વાસમાં માની લીધું તો? આપણે તો વિશ્વાસ જ રાખ્યો હતો ને અને વિશ્વાસ રાખવો એ જરા પણ ગુનો નથી... માત્ર એક વાર જેણે વિશ્વાસ ઘાત કર્યો છે એને ફરી એ તક આપવી કે એ આવીને ફરી એકવાર વિશ્વાસઘાત કરી જાય એ ગુનો છે. વિચારી જોજો કે, શું કોઈ પણ સંબંધ વિશ્વાસ વગર શક્ય છે? જવાબ ના જ મળશે... એટલે વિશ્વાસથી ના ભાગો....એ છે તો માણસાઈ જીવતી છે, આશા જીવતી છે, માણસોના એકબીજા માટેના સંબધો અને લાગણીઓ જીવતી છે..તો સ્વીકારો કે વિશ્વાસ હશે તો વિશ્વાસ ઘાત પણ થશે અને પછી કોઈ વિશ્વાસ પાળનાર પણ મળશે આ જીવન છે. આ જ ક્રમ છે.. દરેક રાતની એક સવાર હોય જ છે એમ ધારીને ખુશ રહો, હસતાં રહો, માફ કરો પણ માફ કરીને આપણી સાથે ખોટું કરવાની તક ફરી ના આપો પણ થેંક યુ જિંદગી કહીને એને કહો કે થેંક યુ મને એવા માણસો જીવનમાં આપવા કે આજે હું જે છુ એ આ લોકો એ આપેલા અનુભવોના આધારે જ છુ. બસ આમ જ મને જીવવાની તક આપતી રહેજે અને આમ જ હું કહું ’ચાલ જિંદગી મારી સાથે’ ત્યારે મારી સાથે ચાલતી રહેજે...
- અર્ચના તેજસિંહ ચૌહાણ








