સતરંગ / સરહદ હોય કે સ્કૂલ, તે દેશસેવા જ છે...
'અનુરિતા બાત બિલકુલ સહી હૈ... રણવીર કી પોસ્ટિંગ જહાં હૈ વહીં કુછ દિક્કત હુઈ હૈ... રણવીર ઉસમે ઈન્વોલ્વ્ડ હૈ કી

'અનુરિતા બાત બિલકુલ સહી હૈ... રણવીર કી પોસ્ટિંગ જહાં હૈ વહીં કુછ દિક્કત હુઈ હૈ... રણવીર ઉસમે ઈન્વોલ્વ્ડ હૈ કી નહીં વો પતા નહીં હૈ.'
'ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો દ્વારા કરાયેલી ઘુસણખોરીનો મુદ્દો વધારે ગંભીર બન્યો છે. ભારત અને ચીનના સૈનિકો દ્વારા એકબીજા ઉપર હુમલા કરવામાં આવ્યા છે. તેમનો આ વિરોધ વધારે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જાણકારોના મતે અત્યાર સુધીમાં ભારતના ૪ જવાનો અને ચીનના ૧૦ જવાનોને ગંભીર ઈજા થઈ છે. હજી સુધી કોઈ ભારતીય જવાન શહીદ થયાના સમાચાર નથી. ચીન દ્વારા પણ કોઈ જાનહાનીની પુષ્ટી કરવામાં આવી નથી.' - ડિનર પતાવીને ટીવી સામે ગોઠવાયેલા મેજર રણદીપસિંહના પરિવારે આ સમાચાર જોયા.
'હેલ્લો, ખન્ના... દિગ્વિજય હિયર... ગલવાનવાલે ન્યૂઝ ઓથેન્ટિક હૈ યા ફીર સ્પેક્યુલેશન ચલ રહા હૈ... રણદીપ અભી વહીં પર પોસ્ટેડ હૈ... તુમ કુછ બતા શકતે હો'- મેજર રણવીરસિંહના પિતાએ પોતાના એરફોર્સના તત્કાલિન જૂનિયર અને વર્તમાન એરચિફ માર્શલ કે.એસ. ખન્નાને પૂછયું.
'સર એબ્સોલ્યુટલી રાઈટ ન્યૂઝ. મુઝે શામ કો હી પતા ચલા થા. મેં જબ ડિફેન્સ સેક્રેટરી કો મિલને ગયા થા તબ યે સારી ચર્ચા સુનીથી. વો બતા રહે થે કી અપને જવાનોને ચીનીઓ કો અચ્છા પાઠ પઢાયા હૈ... અપને કુછ લડકે જખમી હુએ હૈ.. લેકીન પક્કે ન્યૂઝ નહીં હૈ... વહાં થોડા સિગ્નલ ઔર કોમ્યુનિકેશન કા ઈશ્યૂ હૈ. ઈસકે અલાવા વહાં પે વેહિકલ્સ ભી નહીં જાતે તો કાફી દિક્કતે હૈ... રણવીર કે બારે મેં પતા કરે મૈં આપતો કોલ કરતા હું.. ગીવ મી સમ ટાઈમ પ્લીઝ.' - ખન્નાએ જવાબ આપ્યો.
'ઠીક હૈ. ગોડ બ્લેસ યુ માય સન. કિપ અડપેટેટિંગ.' દિગ્વિજયસિંહે ફોન કટ કરી દીધો.
'અનુરિતા બાત બિલકુલ સહી હૈ... રણવીર કી પોસ્ટિંગ જહાં હૈ વહીં કુછ દિક્કત હુઈ હૈ... રણવીર ઉસમે ઈન્વોલ્વ્ડ હૈ કી નહીં વો પતા નહીં હૈ. ખન્ના કો બોલા હૈ... વો ચેક કરકે બતાતા હૈ.' - દિગ્વિજયસિંહે પોતાની પુત્રવધુને કહ્યું.
'પપ્પાજી મને જરાય ચિંતા નથી. જો રણવીર આ ઘટનામાં ઈન્વોલ્વ હશે તો નક્કી મેદાન ઉપર જ હશે. હવે માત્ર એ સમાચારની રાહ જોવાની છે કે, રણવીરને કેટલી ઈજા થઈ છે અને ચીની સૈનિકોને કેટલું નુકસાન થયું છે.' -અનુરિતાએ જવાબ આપ્યો અને દિગ્વિજયસિંહ મલકાયા.
'સર, રણવીર એન્ડ હીઝ ટીમ હેડ એન્કાઉન્ટર વિથ ચાઈનીઝ સોલ્જર્સ. ૧૦ કેઝયુઅલ્ટી ફ્રોમ અવરસાઈડ એન્ડ ૪૦ ફ્રોમ ચાઈના. વી આર ટ્રાઈંગ ટુ ગેટ ઈન્ફો અબાઉટ રણવીર. મે બી ઈટ વીલ ટેક ટાઈમ.' -ખન્નાએ રાત્રે બાર વાગ્યાના સુમારે ફોન કરીને ગલવાન ઘાટી અંગે દિગ્વિજયસિંહને માહિતી આપી.
'થેંક્યુ સન. આઈ એમ સ્યોર ધેટ હી ઈઝ અલાઈવ એન્ડ ફાઈટિંગ ધ બ્લડી બાસ્ટર્ડ ચાઈનીઝ. પ્લીઝ કીપ એન આઈ ઓન ઈટ એન્ડ કીપ અપડેટિંગ.' -દિગ્વિજયસિંહે કહ્યું અને બંને છેડે ફોન મુકાઈ ગયો.
સવારે ફરીથી પરિવાર ટીવીની સામે ગોઠવાઈ ગયો હતો. જાતભાતના સમાચાર ચાલતા હતા. સાંજે સમાચાર આવ્યા કે ઈજાગ્રસ્ત થનારા જવાનોમાં રણવીરસિંહ પણ છે. તેને લદાખની મિલિટરી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. બે દિવસ બાદ તેને દિલ્હી એઈમ્સમાં ખસેડવામાં આવ્યો હતો. દિગ્વિજયસિંહ અને અનુરિતા દિલ્હી જવા રવાના થઈ ગયા અને ત્યાં જઈને જોયું તો રણવીરને ખરેખર વધારે ઈજા થઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે, પંદર દિવસ ટ્રિટમેન્ટ ચાલ્યા પછી આગળ વિચાર કરવામાં આવશે. ત્યાં સુધી અનુરિતા દિલ્હીમાં જ રોકાઈ ગઈ. દિગ્વિજયસિંહ પરત આવી ગયા.
ડોક્ટરના કહેવા કરતાં બમણા દિવસો એટલે કે અંદાજે એક મહિના પછી રણવીરની તબિયત સુધરી અને તેને અમદાવાદ શિફ્ટ કરવા માટેની મંજૂરી આપવામાં આવી. હજી પણ તેને હોસ્પિટલમાં રાખવો પડે તેમ હતો. તેની ઘરે સારવાર થાય તેમ નહોતી. રણવીરને એરએમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અહીંયા તેની સારવાર ચાલતી હતી. લગભગ બીજો એક મહિનો પસાર થઈ ગયો.
રણવીર હવે થોડો વધારે સાજો થઈ ગયો હતો. હવે તે વાતચીત કરી શકતો અને ખાઈ-પી શકતો હતો. તેના પગલે તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. રણવીરને લઈને અનુરિતા ઘરે આવી અને બધાએ તેનું વાજતે-ગાજતે સ્વાગત કર્યું.
રણવીરે ઘરે પરત આવીને પિતાના આશીર્વાદ લીધા અને ઝડપથી રિકવરી માટે યોગ્ય ભોજન અને સારવાર ચાલુ રાખ્યા. આ દરમિયાન તેણે એક વખત રાત્રે ડિનર પૂરું થયા પછી ઘરના બગીચામાં હિંચકે બેઠા બેઠા સમગ્ર પરિવારને ગલવાન ઘટનાની વાત કરી.
'અમે લોકો પેંગોંગ ત્સો નદીની એક તરફ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. તે વખતે ચીનની પિપલ્સ લિબ્રેશન આર્મીની એક ટુકડી ભારતીય જમીન ઉપર ઘુસી આવી. અમે તેમને સમજાવીને પરત કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોએ બળ પ્રયોગ શરૂ કર્યો. અમે પણ બળપ્રયોગ દ્વારા તેમને ખદેડવાનું શરૂ કર્યું. ચીનીઓ પછી હિંસા ઉપર ઉતરી આવ્યા. સદનસીબે સામસામે ફાયરિંગ નહોતું થયું પણ નદીના બ્રિજ ઉપર અને સાંકડા રસ્તા ઉપર ધક્કામુક્કી અને મુક્કાબાજી તથા લાઠીચાર્જ થયો. આ બધું એટલા મોટાપાયે થયું કે, સ્થિતિ વણસી ગઈ. આ મુદ્દે બંને સરકારોને જાણ કરવામાં આવી. સરકારો દ્વારા સ્થિતિને કાબુ કરવા માટે સહમતી સાધવામાં આવી.'
'ભારત દ્વારા શાંતિ જાળવવાની પહેલ કરાઈ પણ ચીનીઓ હજી હિંસા કરતા હતા. તેના કારણે ફરીથી આર્મીની ટુકડી રોષે ભરાઈ. આ વખતે ભારતના સૈનિકોએ પોતાની જાતે જ પોતાની સ્થિતિનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. તેના કારણે સ્થિતિ વધારે વણસી ગઈ. હિંસા એટલી પ્રબળ થઈ કે ભારત અને ચીનમાં મોટી કેઝયુઅલ્ટી થઈ. ચીનના તો ૪૫ જવાનો મૃત્યુ પામ્યા. ભારતના પણ કેટલાક જવાનો શહીદ થયા. ઈજાગ્રસ્તોનો આંકડો પણ મોટો હતો. તેમાંથી એક ઈજાગ્રસ્ત તો હું પણ હતો.'
'હું જે મારપીટમાં ઈજાગ્રસ્ત થયો તે મારપીટ ભયાનક હતી. વાત એવી બની હતી કે, અમારી બટાલિયનની સાથે સાથે ૧૬ બિહાર ઈન્ફન્ટ્રી બટાલિયન પણ હતી. અમે લોકોએ ચીનીઓને પાછા જવા કહ્યું પણ તેઓ બળજબરી કરતા હતા. તેના કારણે સામસામે મારપીટ ચાલુ થઈ ગઈ. આ દરમિયાન એક ચીની સૈનિકે કર્નલ સંતોષ ગુહાને ધક્કો માર્યો અને તેઓ પૂલ ઉપરથી નીચે પટકાયા અને શહીદ થઈ ગયા. ત્યારબાદ અમે લોકોએ ચીનીઓ ઉપર ભયાનક હુમલો કર્યો અમે એટલી મોટાપાયે પથ્થરબાજી કરી કે ચીનીઓ ભાગવા મજબૂર થઈ ગયા. હું અને નાગેન્દ્ર તો અમારા શર્ટમાં પથ્થરો ભરીને મારપીટ કરવા લાગ્યા અને ઓછામાં ઓછા પચ્ચીસ ચીનીઓના માથા ફોડી નાખ્યા હશે. એ લોકોના બરડા ભાંગી નાખ્યા હશે. એ લોકોએ મને અને નાગેન્દ્રને પણ સંતોષ ગુહાની જેમ જ ધક્કો માર્યો. અમે સદનસીબ હતા કે છેક નીચે નહોતા પટકાયા પણ ખીણમાં ગબડવાના કારણે ઈજા વધારે થઈ હતી. હવે સ્થિતિ કેવી છે તેની મને કોઈ જાણ નથી.' - રણવીરે કહ્યું અને નિઃસાસો નાખ્યો.
'બેટા હવે સ્થિતિ કાબુમાં છે. ગલવાન ઘાટીની અને તારી બંનેની સ્થિતિ હવે સારી છે. અનુરિતાએ દિવસરાત તારી સેવા કરી તેનું આ પરિણામ છે કે તું સાજો થઈ ગયો.' -
દિગ્વિજયસિંહ બોલ્યા. ઘરના બધા હસી પડયા. રણવીરે પણ પ્રેમભરી નજર અનુરિતા ઉપર નાખી. આ દરમિયાન અનુરિતાનો મોબાઈલ રણક્યો.
'આઈ એમ સોરી સર. આઈ કાન્ટ કમ ટુ સ્કુલ. તમને ખબર છે કે, રણવીરને કેટલી ગંભીર ઈજા થઈ હતી. તે જાતે ચાલી શકે તેમ પણ નથી. તેને હજી મારી જરૂર છે. તમે હજી એક મહિનો રજા આપી શકો તો સારું છે, અધરવાઈઝ મારે જોબ છોડવી પડશે.' - અનુરિતાએ ફોન ઉપર જવાબ આપ્યો. રણવીર અને દિગ્વિજયે આ વાતચીત સાંભળી અને અનુરિતા સામે જોયું.
'પપ્પાજી મારે રણવીર સાથે રહેવું જ પડશે. હું તેને તમારા લોકો ઉપર બોજ બનાવીને નોકરી જવા ન જઈ શકું. આ ઉંમરે તમારે વેઠ કરવાની અને મારે નોકરીના નામે છટકી જવાનું યોગ્ય નથી. નોકરી જતી રહેશે તો પણ ચિંતા નથી. થોડા સમયમાં બીજી મળી જશે. નહીં મળે તો કંઈ નહીં. આઈ એમ એ વાઈફ ઓફ મેજર રણવીરસિંહ.' - અનુરિતાએ ગર્વથી કહ્યું.
'યુ આર રોંગ અનુરિતા. મારી જગ્યાએ તારો એક્સિડન્ટ થયો હોય અને મારે જો વોરફિલ્ડ ઉપર જવાનું આવે તો હું જતો રહું. તારી જેમ હું ઘરમાં તને સાથ આપવા માટે ના રહું.' - રણવીરનો અવાજ સહેજ ભારે થઈ ગયો.
'બની શકે. તું જતો જ રહે મને ખબર છે અને કદાચ તારે જવું જ જોઈએ. તું દેશની સેવા કરે છે. તે તારી જવાબદારી છે. મને તે સમયે ચિંતા નહીં પણ ગર્વ થાય કે મારો પતિ મને છોડીને દેશની સેવા કરવા માટે જતો રહ્યો.' - અનુરિતા બોલી.
'બસ તો આ જ રીતે તું સ્કુલ જાય તો મને ગર્વ થાય. સૈનિક હોય કે શિક્ષક તે દેશની જ સેવા કરતો હોય છે. શાળા હોય કે સરહદ ત્યાં હાજર રહેનાર વ્યક્તિ ઉપર દેશના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની જાળવણીની જવાબદારી હોય છે. તું આવતીકાલથી જ સ્કૂલ પાછી જોઈન કરી લેજે નહીંતર હું આર્મી હોસ્પિટલમાં શિફ્ટ થઈ જઈશ. તમને લોકોને ત્યાં આવવા પણ નહીં મળે. દેશ પહેલાં અને પરિવાર પછી, સમજી અનુરિતા. ડોટર ઓફ રિટાયર્ડ બ્રિગેડિયર સૂર્યપ્રતાપ રાજપૂત.'- રણવીરે કડક શબ્દોમાં કહ્યું અને અનુરિતાએ ઊભા થઈને તેને સેલ્યુટ કરી. ઘરના બધા હસી પડયા.








