શતરંગ / બાબલું, તારી માઁ હમણાં આવશે…
- સહજને કિનારે ક્યારે? - આગંતુક પુરુષે દવાખાનાની બહાર ઊભેલા બીજા પુરૂષને પૂછ્યું. આજે - આંખો જમીનમાં તાકીને જ પુરુષે જવ

- સહજને કિનારે
ક્યારે? - આગંતુક પુરુષે દવાખાનાની બહાર ઊભેલા બીજા પુરૂષને પૂછ્યું.
આજે - આંખો જમીનમાં તાકીને જ પુરુષે જવાબ આપ્યો.
ડૉક્ટરે તો કઈ દીધું છ. હવે એનો ધણી આવે તો થાયને?! - બાજુમાં બેસેલા એક ચિંતાતુર પુરુષે વિગત પૂરી કરી.
બીજું તો ઠીક આ વાલા આતાને જતે દાડે બધું જોવાનું ને? - લગભગ લગભગ પાડોશી બહેનનો અવાજ.
આતો તો બેઠો રેશે. આ બધું અત્યારે તો અમારા ગળામાં અટકાણું. - છણકો કરતી વાલા આતાની દીકરાની વહુનો અવાજ.
કરવું ’તું તો પિયરમાં શું કામ આવું કર્યું? ન્યા જ કરાયને? - આવી કોઈ ઘટનામાં જાતે વકીલ બની બેઠેલી સ્ત્રીનો અવાજ.
આ બધું બહુ ધીરા અવાજે ઘુસુરફૂસુર ચાલતું હતું. પણ વાત તો ઘણાં દિવસો પહેલાની હતી જે આજે આ પરિણામે આવીને ઊભી છે.
ઘણાં દિવસો પહેલાં એ સાંજ હતી એની સાસરીમાં. જ્યારે સોસાયટી શાંત હતી અને લગભગ લગભગ ઘર માંથી કૂકરની સીટીનો અવાજ આવી રહ્યો હતો. કંપનીઓ માંથી પુરુષ વર્ગ ઘરે આવી રહ્યો હતો, ઘર તરફ જતા પુરુષના ટિફિન પકડેલા હાથનું નિરુત્સાહી હલનચલન અને પગનો ઠહેરાવ જાણે હીરા નહિ સપનાઓ ઘસાઈને આવ્યા હોય એવા હતા.
સૂરજ આથમી ગયાનો અંધકાર હવે સોસાયટીની લાઈટોએ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમ કોઈ ગામડાનું કુટુંબ પોતાની ગરીબી દૂર કરવા શહેરમાં આવી અને રહે એમ! કૂકરમાં જેમ સીટી સસડે એમ ધીમે ધીમે સોસાયટીના છેવાડે એક ઘર માંથી અવાજ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો.
થોડી વારમાં તો શેરીમાં એ ઘરે હો હા દેકારો થતો હતો. સોસાયટીના લોકોએ બારીઓ માંથી ડોકિયું કરી જોયું તો એક ઘરમાં ઝઘડો ચાલતો હતો. એક સ્ત્રી રડતીરડતી બોલી રહી હતી, બીજી રાડો પાડી રહી હતી. એક પુરુષ સાંભળી ન શકાય એવી ગાળોની બઘડાટી બોલાવતો હતો અને એ કહેવાની જરૂર નથી કે પેલી રડતી જતી સ્ત્રીને જ સંબોધીને ગાળો અપાઈ રહી હતી. ઘરની બુઢ્ઢી ઔરત પણ એને જ ભાંડી રહી હતી એટલે એટલી બાબત તો સ્પષ્ટ થતી હતી કે ઝઘડો સાસુ, વહુ ને પતિનો ચાલી રહ્યો હતો પણ આ મોટાઓના અવાજમાં રડવાનો એક અવાજ નાના બાળકનો પણ આવતો હતો.
આમ તો ઘણું બધું અસ્પષ્ટ સંભળાતું હતું, પરંતુ કેટલાંક સુર ઉકેલાતાં હતાં: ઘર માંથી સ્ત્રીને હાંકી કાઢવાની વેતરણમાં હતાં. તું ઘરમાં આવી પછી આ દશા થઈ એવી વાતો હતી. પત્ની એની સાસુની ફરિયાદો કરતી હોય એવું લાગ્યું અને સાસુ એના કારણે થયેલાં નુકસાનો ગણાવતી હતી ને એ સિદ્ધ કરતી હતી કે આ સ્ત્રી નસીબની નબળી છે.
છેલ્લે કંઇક પતિએ એને ઘરમાંથી નીકળી જવાની વાત કરી અને રીતસરનો ધક્કો આપ્યો કે પત્ની ઉમરામાં ફસડાઈ પડી અને સ્ત્રી કરતાં, એના બાળકનો રડવાનો અવાજ બુલંદ થઈ ગયો હતો. બાળક એની માને વળગી ગયું. એની મા ઊભી થઈ અને બાળકને લઈન ચાલવા જાય છે ત્યાં સાસુ આવી અને હડસેલા મારીમારી ને બાળકને એનાથી દૂર કરી પોતાની પાસે ખેંચી રહી હતી. બાળક પોતાની માઁનો સાડલો છોડતું ન હતું. માતા પણ એના બાળકને છોડવા ઈચ્છતી ન હતી.
એની સાસુ બોલી: કઝાત્ય, તારે ઝાવું હોય તો હાલતીની થા, આ તો અમારો છે. અને વહુ બોલી: તમારો હું હતી તી આવ્યો. તો હું મોટી કે ઈ? સોકરો ઝણવી લીધો એટલે તમને હાળાવને કામ પૂરું કાં? સોકરો તો હું લઈને જાઈ…
પણ સાસુએ છેલ્લો હડસેલો મારીને છોકરાને ખેંચી લીધો, એ સાથે જ એક ન સાંભળી શકાય કે ન કલ્પી શકાય એવું આક્રંદ માઁ અને દીકરાનું શરૂ થયું. દીકરાનો બાપ આવી ને એક બાવડે છોકરાને ખેંચીને લઈ ગયો રૂમમાં. બાઈએ ઊઘાડે પગે ને હીબકાં લેતી, હાલતી પકડી.
શેરીમાં તો થોડીવારમાં બધું શાંત થયું. ઘરમાં કદાચ અંધકાર ઘેરી વળ્યો હશે, છોકરો રડી રડીને અડધો થયો હશે. એને માઁ સાથે જાવું હતું. એ પરિવારમાંથી કેટલાંને ધાન ગળે ઉતરી શક્યા હશે એ વિચાર પણ ધ્રુજાવી દે એવો હતો!
એક બે દિવસ પસાર થયાં. છોકરો રમતો હોય ત્યાં એના દાદી આવે અને હબડાવી ને લઈ જાય: રખડુંના પેટનો ઘરે ખાવા પણ નથી બેઠતો. અને એને ધક્કો મારીને કેય કે જોઓઓ રહોડામાં ઝોહણ વાળ્યું સે ખાઈ લે. છોકરો કેટલું ને કેમ ખાતો હશે રામ જાણે!
આજે એ ગલૂડિયાં સાથે રમતો હતો અને ગલુડિયું ઉંવાંઉંવાં કરતું હતું તો એને પંપાળતો પંપાળતો કહે: બાબલું, તારી માઁ હમણાં આવશે રડમા, ક્યાંક ખાવા ગઈ હશે, એ ખાશે તો તને ધવરાવેને..! ત્યાં હુધી આ પાણી પી. અને એનો પાણીનો વાટકો એણે બાજુમાં કર્યો.
- આનંદ ઠાકર








