શતરંગ / મચ્છરની આત્મકથા ભાગ છપ્પન
- વટથી, હકથી ને હુકમથી તમને શું લાગે છે કે હું અહીં બકવાસ કરું છું? આ કંઈ ફેસબૂક છે? અમને મચ્છર

- વટથી, હકથી ને હુકમથી
તમને શું લાગે છે કે હું અહીં બકવાસ કરું છું? આ કંઈ ફેસબૂક છે? અમને મચ્છરોને તમે સોશિયલ મીડિયા પર જગ્યા ન આપીને બહુ મોટો અન્યાય કર્યો છે. તમારા જીવનમાં કકળાટ, કંકાશ, કલેશ કાઢવા માટે કાળી ચૌદશ સિવાય પણ દરરોજ એક ચોક, ચોરો હોય છે. જ્યાં તમે વાતોના વડા પધરાવો છો. ગામના ભાભલા જ્યાં જિંદગી પસાર કરી દે એ પાદર, ચાર ચોટલા મળીને જે ભાંગે એ ઓટલા, જેનું લોહી પીને અમે આવ્યા એ રાજકારણીઓ માટેનું સંસદ ભવન, સ્ત્રીઓ માટે એકતા બેનની સિરિયલ, પુરુષોના પાનનો ગલ્લો, જુવાનિયાઓ માટે ક્લબ આ હંધુય ફેસબૂક બનીને બેઠું છે. અમારો શું વાંક? શું અમે પણ અમારા મનની ગંદકી ઠાલવવા માટે સ્પેસ ન માંગી શકીએ?
સ્પેસ પરથી યાદ આવ્યું. અમે અમારી આગામી પેઢીને સ્પેસમાં જવા કે પૃથ્વી બહારના ગ્રહ પર મોકલવાની તૈયારી કરીશું. આત્મકથા સાથે આગામી પ્લાનિંગ પણ જણાવી દઈએ. તમારા મનુષ્યો માફક અમે પણ પ્લાનિંગ કરીએ. પણ અમારે થોડું જુદું હોય. અમારે પ્લાનિંગ પર અમલ પણ કરવાનો હોય!! પૃથ્વી પર પાપ બહુ વધી ગયા છે એવું તમારી પ્રજાતિ બોલતી હતી. એમાં પાછું એવું પણ કહેતા હતા અમુક લોકો કે મચ્છર મારવા એ પાપ નથી! તારી ભલી થાય, ગધેડાને ગલી થાય..
અમારામાંથી શ્રેષ્ઠ કાર્ય કરનારા, પુણ્યશાળી આત્મા મચ્છરો અહિંસામાં માનનારા લોકોના ઘરમાં રાજ કરે છે. એ લોકો અમને મારતા નથી. ભગાડતા પણ નથી. એ લોકો મચ્છરોને બક્ષી દે છે. માણસો કરતા મચ્છરોને એ લોકો વધુ માન આપે છે કેમકે ત્યાં એમને અહિંસા પરમો ધર્મ યાદ રહે છે. We love those people. But some people do not love those people. હેહેહે..મેં મારી જિંદગીમાં ઘણા લોકોના લોહી પીધા હશે. ડૉકટરના પીધા. એ લોકો હાથ પર કઈંક લગાવીને સૂવે એટલે અમારા માટે એને ત્યાં પ્રવેશવું અઘરું થઈ જાય પણ હવે અમે પણ પ્રો થઈ ગયા છીએ. અમુક ચાપલા લોકો અમારી દાની રાખે. મચ્છરદાની. મને ફૂલદાની જેવું ફીલ થયેલું પહેલા તો, કે ફૂલો રાખે એ ફૂલદાની એમ અમને આમાં સજાવીને રાખશે. પણ મારા બેટાઓ આ તો માણસો નીકળ્યા. અમારા માટે નાકાબંધી. મને થયું અઢાર ટકા ટેક્સ ભરવાથી આમાં પ્રવેશ મળે પણ આ તો સરકાર કરતાં ય કડક. એટલે હવે અમે આધાર કાર્ડ બનાવવાની માંગણી કરી છે, કદાચ મેળ ખાય. પણ આધાર કાર્ડની વેલિડિટી જેટલું અમારું આયુષ્ય હોતું નથી પ્લસ અમારા ફોટા અમને સારા જોઈએ આ બે વાતના કારણે આ મુદ્દો અટકી પડ્યો છે.
સાચું કહીએ તો અમારે મનુષ્યોને હોય એવું કંઈ જોઈતું કરતું નથી પણ અમારી મજબૂરી છે કે અમારે માણસોની દુનિયામાં અમારી દુનિયા બનાવવી પડે છે! અમને મચ્છરોને એક અલગ ગોળો કે ગ્રહ આપી દો, અમે લોહીના બદલે છાશ પીને જીવી લઈશું. હા ભૈ હું કાઠિયાવાડી મચ્છર છું.
અમારું એમ યુનિયન છે. મચ્છર સંગઠન. મઝાની વાત એ છે કે એમાં અમે સંગઠિત છીએ ને અમારે ડખ્ખા પણ નથી થતાં. અમે કારણ વગરના મોરચા માંડતા નથી ને ધરણા ધરતાં નથી. અમારો પ્રમુખ પણ વફાદાર છે. અમારામાં મહિલા અનામત જેવું પણ નથી ને અમે ખરેખર ન્યાય માટે એકઠા થઈએ.માણસોની દુનિયામાં રહીને મારામાં લુચ્ચાઈ બહુ આવી ગઈ છે. ભોળાનો ભગવાન હોતો હશે પણ અમારો નહિ કેમકે અમે માણસોનું લોહી પીને મોટા થયા છીએ. અમારામાં ય હવે લવ, લફરાં ને લગન જેવી પળોજણ થવાની શરૂઆત થવાના એંધાણ છે.
ચોમાસુ એટલે અમારો મેળો. અમારા માટે દિવાળી કે ઈદ. અમારી મહેફિલ ને જીયાફત ચોમાસામાં જામે. એટલે અમે અંબલાલને અમારા કુળદેવ તરીકે માનવા લાગ્યા છીએ. હવે હું ફૂલ ફેમિલી લોંગ લીવ પર જઈશ. આખું ચોમાસું જલસાના જાડવા (ઝાડવા). વધુ વિગતો અને માહિતી તથા કથા, વ્યથા આવતા લેખમાં નહિ પણ મૂડ આવે ત્યારે ફરી ક્યારેક કહીશ. અમે પણ હવે મૂડી થઈ ગયા છીએ, એ ય મૂડી વગર જ!!
- સ્નેહલ તન્ના






