શતરંગ / કમસેકમ એક દોસ્ત હોવો જોઈએ જેની સાથે વરસાદમાં ચાલી શકો
- ચલ કહીં દૂર દર ત્રીજી વ્યક્તિ પાસે એક વાત સાંભળવા મળતી હોય છે કે આ

- ચલ કહીં દૂર
દર ત્રીજી વ્યક્તિ પાસે એક વાત સાંભળવા મળતી હોય છે કે આ વર્ષે અસહ્ય ગરમી હતી અને વરસાદની સિઝન પૂરી થયા પછી પણ એ વ્યક્તિ કહેશે કે હજી પણ અસહ્ય ઉકળાટ છે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે ઋતુઓને માણવા કરતાં આપણી પાસે સગવડોના નામે ફરિયાદ વધુ હોય છે. અસહ્ય ગરમીની વાત એટલા માટે કરીએ છીએ કે અંતે કહી શકાય કે મોટાભાગનો સમય એસીમાં ગાળ્યો.
ગરમીની ઋતુ લગભગ ખતમ થઈ છે અને વરસાદનો માહોલ જામ્યો છે. જો ગરમી ના પડતી હોત તો વરસાદ માણવાની મજા કેવી રીતે માણી શક્તા હોત એ પણ પ્રશ્ન છે. વરસાદ માણવો જેમને ખૂબ ગમે એવો એક ખાસ વર્ગ છે. વરસાદનો અવાજ, ધરતીની સુગંધ તથા વરસાદ સાથે પ્રકૃતિનું પરિવર્તન માણવાનો શોખ ધરાવતા વર્ગને મનોવિજ્ઞાનમાં પ્લુવિઓફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. પ્લુવિઓફાઇલ લોકોને વરસાદ સંબંધિત બધી બાબતો ગમતી હોય છે. વરસાદી લોકગીતો, ફિલ્મી ગીતો હોય કે વરસાદ સાથે જોડાયેલું સાહિત્ય એમનો ગમતો વિષય હોય છે. આપણા સાહિત્યમાં વરસાદના પ્રખર પ્રશંસક કાલીદાસ પ્લુવિઓફાઇલ પ્રકારના કહેવા જોઈએ.
મહાકવિ કાલીદાસે ઋતુસંહારમાં ભારતની છ ઋતુઓના શાનદાર વર્ણન લખ્યા છે. આ છ ઋતુઓની લાક્ષણિકતાઓ, પ્રેમીઓની વર્તણૂંક, પથારી, પરફ્યુમ અને પ્રેમ વ્યક્ત કરવા શું કરવું જોઈએ સુધીનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું છે. ભારતીય પરંપરાની છે સિઝન પૈકી ઋતુસંહાર મુજબ બીજો અધ્યાય એટલે ગ્રીષ્મ પછી વર્ષાઋતુ આવે. કાલીદાસે લખ્યું છે કે વરસાદ તો ઋતુઓનો રાજા છે. વર્ષાઋતુની પરિકલ્પના કરતાં કાલીદાસ કહે છે કે નાયક તેની પ્રેમિકાને કહે છે કે વર્ષાઋતુ રાજા છે કેમ કે પાણીથી ભરેલા વાદળો મદમસ્ત હાથી જેવા છે. વીજળીનો ગડગડાટ ધજા છે, ફાઇનલી રોમેન્ટિક પુરુષોની સૌથી પ્રિય ઋતુ વરસાદ સાથે હોય છે. વર્ષાઋતુની જરૂરિયાત પર કાલીદાસ લખે છે કે પક્ષીઓ અને પ્રકૃતિ ગ્રીષ્મ ઋતુમાં પાણી વગર ટળવળતી હોય પણ જ્યાં વર્ષાનો પ્રારંભ થાય અને સમગ્ર વાતાવરણ નૃત્ય કરતું હોય એવું લાગે છે. વરસાદના વહેણમાં કીડી, મંકોડા અને ડાળખા તણાવા લાગે છે એને જોઇને દેડકાં ડરી જાય છે કે સાપ તો નથી આવી રહ્યો ને જેવી ભ્રામક ડર વિશે અદભૂત કલ્પનાને પાણીના વહેણને આલેખ્યું છે. આમ તો દેડકાંની જેમ માણસજાત પણ ભ્રામક ડરમાં જ જીવે છે એના પર કટાક્ષ છે.
કાલીદાસ એમની પ્રિય ઋતુ વર્ષા પર ધોધમાર પ્રેમની કલ્પના કરતાં કહે છે કે ધોધમાર વહેતી નદીઓ કિનારા પરના વૃક્ષોને ઉખાડીને સમુદ્રમાં સમાવવા તલપાપડ છે એ જ રીતે પ્રેમિકાઓ પણ જાતને ઉલેચીને પ્રેમીને મળવા ઉતાવળી થાય છે. પ્રેમ પામવા મોર ઢેલ સમક્ષ નૃત્ય કરે છે. પ્રકૃતિ ખાસ સૌંદર્ય ધારણ કરે છે. સરોવર છલકાય છે અને ઠંડો સુગંધીદાર પવન આવે છે. સ્ત્રીઓ કેવડાના વૃક્ષની માળા પહેરે છે, ફાઇનલી આ વર્ણનો પછી કાલીદાસનો નાયક તેની નાયિકાને પૂછે છે શું આ જ પ્રેમની ઋતુ છેને? બાકી જાતે વાંચી લેજો.
વરસાદ ભલે પ્રકૃતિ અને પ્રેમ સાથે જોડાયેલો છે પણ આપણા નસીબે કાલીદાસ દક્ષિણ પેરુના ઍટકામા રણમાં પેદા ના થયા બાકી એક એક વરસાદનું ટીપું જોવા પણ તલસતા હોત. આ રણમાં વર્ષનો એક ઇંચનો દશમો ભાગ પણ વરસતો નથી. એન્ટાર્કટિકાના અમુક વિસ્તારમાં આજે સુધી વર્ષારાણીની ખાસ કૃપા થઇ નથી. કાલીદાસનું ભારત નસીબદાર છે કે મેઘાલયમાં ધોધમાર વરસાદ પડે છે.
આપણી ઓરિજીનલ વાત કે પ્લુવિઓફાઇલવાળાઓને વરસાદ શા માટે ગમે છે? સિનેમા અને સંગીતની ખાસ આખી દુનિયા પ્લુવિઓફાઇલવાળાઓની છે. વરસાદમાં પલળવું એટલે પ્રકૃતિમાંમાં ઓગળી જવું. વરસાદનો અવાજ કાનમાં વાગતો નથી, પણ કાન સાથે આત્મસાત થઇ જાય છે. વરસાદમાં પલળવું કદાચ ના ગમતું હોય પણ બારીમાંથી વરસાદ જોયા કરવો ય ગમે. આમ તો આકાશમાંથી ધરતી પર વરસાદના ટીપાંની સાઇઝના આધારે બેથી સાત મિનીટ થતી હોય છે. ઘણા સંશોધન તો એ વાત પર થયાં છે કે વરસાદથી બચવા દોડીને જવું જોઈએ કે ચાલીને જવું જોઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનો વેગ, પવનની દિશા, તમારું વજન મીન્સ સાઇઝ સહિત અનેક પરીબળો પર આધાર રાખીને ગણતરી કરવી જોઈએ.
આપણે તો વરસાદમાં ભીંજાવાની મજા લેવી છે કેમ કે સામાન્ય સંજોગોમાં આંખ અને જીભ જેવી ઇન્દ્રિયો વધારે સક્રિય હોય છે પણ વરસાદમાં શરીરની તમામ ઇન્દ્રિય સક્રિય થાય છે. વરસાદના ટીપાં ચામડીને સ્પર્શ કરે છે ત્યારે એની સંવેદના અલગ હોય છે. બારીમાંથી હાથ બહાર કાઢીને જે વરસાદનો સ્પર્શ કરવો અથવા પહેલા વરસાદમાં ટેરેસ પર જતા હોય એમને સ્પર્શની સંવેદના ખબર પડતી હોય છે. ભીંજાવાની ક્ષણો તમને વર્તમાનમાં રાખે છે, ભગવાન કૃષ્ણથી વાયા બુદ્ધ થઈને ઓશો સુધીનાઓએ કહ્યું છે કે જે છે તે કેવળ વર્તમાન જ છે. વર્તમાનની ક્ષણનો આનંદ લેવા મન શરીર અને આત્મા સાથે એકાદ વાર ભિંજવાનો પ્રયોગ કરવો જોઈએ.
એક અભ્યાસ મુજબ લાઇફ બહુ બોરિંગ લાગતી હોય તો સાઇકોલોજીવાળાઓ માને છે કે થોડો સમય પેલા પ્લુવિઓફાઇલવાળાઓ સાથે ગાળો અને એમને વરસાદની મજાઓ વિશે પૂછો. વરસાદી કવિતાઓ અને ફિલ્મી ગીતો સાંભળવાથી સ્ટ્રેસ દૂર થાય છે. ગ્રીષ્મની વિટંબણાઓથી વર્ષાઋતુ મન અને આત્માને ટાઢક આપે છે અને વરસાદ વચ્ચે ચા અને ભજીયાં, ક્યાંક લારી પર સ્ટવના અવાજ વચ્ચે ઉકળતી ચા અને પસ્તી પર તળેલા મરચાં સાથે મેથીના ગોટાનો લુફ્ત માણવાનો મોકો છોડતા નહિ.
એક અભ્યાસ મુજબ વરસાદ તમારા હોવાનો એટલે કે તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે.
તમે આ બધું વાંચી રહ્યા છો? ભલા માણસ, આ લખાણ તો વોટ્સએપ યુનિવર્સિટી છે. ઘરની બહાર ઓરિજિનલ ઇન્ટરનેશનલ વરસાદ યુનિવર્સિટી છે.
કશું મમરાવાનું મન થતું હોય તો એ પણ યાદ કરાવું પણ વરસાદમાં ગમતી વ્યક્તિ સાથે રખડવું એ સદભાગ્યનો સ્નેહ હોઇ શકે.
पहले भी यूँ तो बरसे थे बादल
पहले भी यूँ तो भीगा था आँचल
अबके बरस क्यू सजन, सुलग सुलग जाए मन
भीगे आज इस मौसम में, लगी कैसी ये अगन
रिमझिम गिरे सावन.....
જે રીતે આંગળીઓનો જાદુ પિયાનો થકી સંગીત પેદા કરે છે એ જ રીતે વરસાદ ધરતી પર અતુલનીય સંગીતનો જન્મ આપે છે.
- દેવલ શાસ્ત્રી








