શતરંગ / અર્થ: લાખો મહિલાઓને જીવન જીવતા શીખવતી ફિલ્મ
- બિયૉન્ડ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ: અર્થ કલાકાર: શબાના આઝમી, કુલભૂષણ ખરબંદા, રાજ કિરણ, રોહિણી હ

- બિયૉન્ડ એન્ટરટેઈનમેન્ટ
ફિલ્મ: અર્થ
કલાકાર: શબાના આઝમી, કુલભૂષણ ખરબંદા, રાજ કિરણ, રોહિણી હથ્થનગડી
ડિરેક્ટર: મહેશ ભટ્ટ
કિરણ રાવની તાજેતરમાં જ આવેલી સુંદર ફિલ્મ 'લાપતા લેડીઝ'માં રેલ્વે સ્ટેશન પર ચાની લારી ચલાવતી મહિલા ફિલ્મના એક મુખ્ય સ્ત્રીપાત્રને એક વાત કહે છે જેનો સાર કંઈક એવો છે કે, 'આપણે મહિલાઓને આમ પુરુષોની કાંઈ ખાસ જરૂર છે નહીં. આપણે બાળકો પેદા પણ કરી શકીએ છીએ અને તેના જાતે મોટા પણ કરી શકીએ છીએ. જોકે, આપણને આપણી આ શક્તિની જાણ પુરુષપ્રધાન સમાજે એટલા માટે નથી થવા દીધી કેમ કે, જો એવું થઈ જશે તો આપણો દંભ ખુલ્લો પડી જશે.' સ્ત્રી પુરુષ કરતા ખૂબ વધુ શક્તિશાળી છે, સક્ષમ છે પણ તેને હંમેશાં અનામતની કેટેગરીમાં રાખી પુરુષો તેના પર ઉપકાર કર્યાની ભાવનાનો આનંદ માણે છે અને સ્ત્રી પણ હવે ધીમે-ધીમે પોતાને લાચાર, નિર્બળ અને પરાધિન માનતી થઈ ચૂકી છે.
1982 માં આવેલી ફિલ્મ 'અર્થ' એક મહિલાના જીવનના સાચા અર્થ, તેની સક્ષમતા અને હક પર વાત કરતી ફિલ્મ છે. એક પરિણીત સ્ત્રી પૂજા (શબાના આઝમી) બધી જ રીતે આદર્શ પત્ની બનવાના તમામ પ્રયાસો કરે છે. પતિ ઈન્દર (કુલભૂષણ ખરબંદા) આમ તો પત્નીને તમામ પ્રકારના ભૌતિક સુખ આપે છે પણ એક પત્નીને જોઈએ એ પ્રેમ નથી આપી શકતો. તે વ્યાભિચારી બને છે, પારકી સ્ત્રી સાથે સંબંધ બાંધે છે. આ વાત જ્યારે પૂજા સામે આવે છે ત્યારે તેને પોતાના લગ્નજીવનને સફળ બનાવવા કરતા તમામ પ્રયાસો નિરર્થક લાગે છે. તેને ભાન થાય છે કે, પોતાના જીવન પર તેનો કોઈ હક છે જ નહીં. આવું અનેક સ્ત્રીઓ સાથે સદીઓથી થતું રહે છે પણ મોટાભાગના કિસ્સામાં સ્ત્રી જાત સાથે સમાધાન કરી સંબંધોની ઠેલણગાડી હાંકે રાખે છે. જોકે, પૂજા અલગ છે, 'વિદ્રોહી' ડિરેક્ટર મહેશ ભટ્ટની વિચારશરણી અલગ અને પ્રગતિશીલ છે. પૂજા પતિને છોડી નીકળી પડે છે પોતાના જીવનનો અર્થ શોધવા...
થોડા વખત પછી જ્યારે પૂજા પોતાના જીવનનો સાચો અર્થ શોધે છે ત્યારે તેનો પતિ તેની પાસે પાછા ફરવાની વાત લઈને આવે છે. સાધારણ ફિલ્મોમાં એવું બનતું હોય છે કે, છેવટે તમામ પક્ષ ખુશ થઈ જાય અને પછી ખાધું, પીધું અને લહેર...પણ આ મહેશ ભટ્ટની ફિલ્મ છે, જ્યાં સારા નહીં સાચાને પ્રાધાન્ય મળે છે. ફિલ્મ અત્યંત મહત્વ, હકીકતલક્ષી, પ્રાસંગિક અને અર્થપૂર્ણ છે. શબાના, કુલભૂષણ ખરબંદા, રાજ કિરણ અને રોહિણી હથ્થનગડીએ ખૂબ સરસ અભિનય કર્યો છે. પણ આ બધાથી ઉપર મહેશ ભટ્ટની વાર્તા અને તેનું નિર્દેશન છે. મ્યૂઝિકના ભાગમાં કૈફી આઝમી, ચિત્રા સિંહ અને જગજિત સિંહે પણ અત્યંત સુંદર કામ કર્યું છે. ખૂબ જ મહત્વની આ ફિલ્મ યૂ-ટ્યૂબ પર ફ્રીમાં જોવા મળી જશે.
ફિલ્મ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો એવો છે કે, ફિલ્મના રિલીઝ થયા પછી શબાનાને ખૂબ બધા પત્રો આવવા લાગ્યા. ઘણી બધી મહિલાઓએ શબાનાનો આભાર માનતા કહ્યું કે, આ તો તમે અમારી જ વાત કરી દીધી. પડદા પર તમે જે કર્યું તેનાથી અસલ જીવનમાં અમને પર કરવા પ્રેરણા મળશે. ઘણા બધા મહિલા મોરચા મંડળોએ શબાનાને પોતાના કાર્યક્રમોમાં બોલાવી તેમનું સ્વાગત કર્યું. ફિલ્મ માટે શબાનાને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મ બાદ શબાનાએ સ્વીકાર્યું કે, હવેથી તે જે પણ ફિલ્મ કરશે તેમાં સામાજિક હિતને સૌથી ઉપર રાખશે.
જ્ઞાતિ-જાતિ અને ધર્મના આધારે થતા ભેદભાવો પર આપણને સમાજશાસ્ત્રમાં ભણાવવામાં આવે છે અને મોટા-મોટા ભાષણોમાં પણ વારંવાર ઉલ્લેખ થતા રહે છે. એક વર્ગ-સમાજ સત્તા ભોગવે છે જ્યારે બીજા સમુદાયો અને ધર્મના લોકોને અવગણના, અવહેલના અને દમનનું શિકાર થતું રહેવું પડે છે. 'સ્ત્રી સશક્તિકરણ'નો ખ્યાલ વિકસ્યા પછી આપણે સ્ત્રીઓ સાથે અત્યાચાર, દમન વિશે પણ વાતો કરીએ છીએ, મુહિમો ચલાવીએ છીએ તે વિચારોનું અમલીકરણ ઈચ્છનીય સ્તરે આજે પણ થયું નથી. પુરુષની સરખામણીએ સ્ત્રી આજના સમયમાં પણ સેકન્ડ ક્લાસ સિટીઝન જ છે. ખાસ કરીને પરિણીત મહિલાઓ આ શ્રેણીમાં ઓછા-વત્તા પ્રમાણમાં આવી જ જાય છે. મોટાભાગની સ્ત્રીઓ પોતાની સાથે થતા જુલમ, અન્યાય, ભેદભાવને સમાજની વ્યવસ્થાનું નામ આપી સ્વીકાર કરી લે છે, જ્યારે બહુ જૂજ એવી હોય છે જે પોતાના હક, ઓળખ, સ્વાભિમાન માટે લડે છે અને જીતે છે.
- આગંતુક








