મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અમિતાભ, શત્રુઘ્નસિંહા, લગ્ન અને રિસેપ્શન

- ફિલ્મગાથા વાત અમિતાભ જયાના, અભિષેક-ઐશ્વર્યાના અને કુશ-તરૂણાના લગ્નની ૩ જૂન, ૨૦૨૪નો દિવસ બીગ-

શતરંગ / અમિતાભ, શત્રુઘ્નસિંહા, લગ્ન અને રિસેપ્શન

- ફિલ્મગાથા

વાત અમિતાભ જયાના, અભિષેક-ઐશ્વર્યાના અને કુશ-તરૂણાના લગ્નની

૩ જૂન, ૨૦૨૪નો દિવસ બીગ-બી ફેન્સ માટે બહુ મહત્વનો રહેશે. કારણકે એ દિવસે અમિતાભદાદા-જયાદાદીના લગ્નજીવનના એકાવન વરસ પૂરાં થશે. આ એકાવન વરસના દામ્પત્ય જીવન બારામાં રેખાથી માંડીને બીગ-બીની ઘરમાં દાદાગિરી ચાલતી હોવાના અનેક પ્રસંગોના દસ્તાવેજી પુરાવાયે ઉપલબ્ધ છે પરંતુ એકાવનનો આંકડો અપને આપમાં એક માઈલસ્ટોન છે. એ ય હકીકત છે કે નાનામોટાં ઉતાર-ચઢાવ બાદ કરો તો બચ્ચન દંપતી વચ્ચે ‘અભિમાન’ ફિલ્મ જેવું કશું ઘટિત થયું નથી એટલે પણ ૩, જુન, ૧૯૭૩ના દિવસે બચ્ચન દંપતિના વિવાહને ફાસ્ટ ફોરવર્ડ શૈલીમાં રિવાઈઝડ કરવામાં વાંધો નથી. બંસી-બિરજુ અને એક નઝર ફિલ્મની નાકામિયાબી પછી અમિતજી-જયાજીની ‘જંજિર’ ફિલ્મ સફળ થઈ એટલે તેની ઉજવણી વાસ્તે તેઓ પરદેશ જવા માંગતા હતા પરંતુ પરણ્યા વગર અમિત-જયા વિદેશ જાય એ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનજીને મંજૂર નહોતું. આ કારણે જ અમિતજી-જયાજીના લગ્ન તાબડતોબ ગોઠવાયા. ૨૦૨૪માં તો અમિતજી જૂહુમાં જનક, જલસા અને પ્રતિક્ષા જેવા ચાર બંગલાના માલિક છે પણ ૧૯૭૩માં તેઓ જુહૂના ‘મંગલ’ અપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા હતા. જાન લઈને તેઓ મલબાર હિલમાં આવેલા સ્કાયલાર્ક અપાર્ટમેન્ટમાં ગયા હતા પોતાની પોંટીએફ કારમાં, જયા ભાદુરીનો પરિવાર ત્યાં રહેતો હતો.

કારમાં અમિતજી સાથે બાળપણના ભેરૂ સંજય ગાંધી પણ હતા. અમિતજી (બડે બચ્ચનજી) તરફથી લગ્નમાં ધર્મધીર ભારતી, પુષ્પા ભારતીજી, ભગવતીચરણ શર્મા, નરેન્દ્ર શર્મા જેવા સાહિત્યકારો હતા તો જયાજીના પક્ષે જાનૈયાને આવકારવા (કોમેડિયન) અસરાની ખડેપગે હતા. જયાજીએ ગુલઝારને રાખી-ભાઈ બનાવ્યા છે એટલે તેઓ પોતાની નવપરિણીત દુલ્હન રાખી સાથે ઉપસ્થિત હતા. બધાને ખબર છે તેમ હરિવંશરાયજીને માત્ર બે પુત્રો (અમિતાભ-અજિતાભ) છે એટલે શુકનનું તિલક કરવા તેમજ સાફો પહેરાવવા માટે બચ્ચન બંધુઓની માનેલી બહેન નીરજા ખેતાન હાજર હતા. એ પછી સોનિયા ગાંધી પણ અમિતાભ બચ્ચનના રાખી સિસ્ટર તરીકે અંગતજન બન્યાં હતા.

જયાજીના દાદી લગ્નની વિધિ દરમિયાન શંખ વગાડતા હતા તો જયાજીની નાની બહેન નીતા ભાદુરી સતત મોટી બહેનની કાળજી લેતી હતી. ઉત્સાહ અને કાળજી લેવામાં જયાજી ફેરા ફરતા હતા ત્યારે નીતા ભાદુરી પણ જાજરમાન વસ્ત્રો સંકોરીને તેમની સાથે ફેરા ફરતા હતા. એ જોઈને તેજી બચ્ચનજીએ કરેલી હળવી ટકોર પર બધા હસી પડેલા. તેમણે કહેલુંઃ અરે પગલી, આ રીતે સાથ ફેરા લઈ લઈશ તો અમિતનો તારા પર પણ અધિકાર થઈ જશે...

અમિતાભ-જયાજીના લગ્નની આવી બારિક વાતો આપણને એટલે જાણવા મળી (અને ગ્રંથસ્થ પણ થઈ) કારણકે તેમના લગ્નમાં સિધ્ધહસ્ત લેખિકા પુષ્પા ભારતીજી પણ ઉપસ્થિત હતા પરંતુ શ્ર્વેતા બચ્ચન કે અભિષેક બચ્ચનના લગ્નની આવી દિલકશ વાતો કદાચ, કયારેય સામે નહીં આવે કારણકે, અમિતાભે પોતાના પુત્ર-પુત્રીના લગ્નમાં બહુ સિલેકટીવ લોકોને જ બોલાવ્યા હતા. એ લગ્નમાં એવા લોકો વધુ હતા કે તેમાંનું કોઈ સારું લખવાની વૃતિવાળું નહીં હોય એટલે આપણે મીડિયામાં પ્રગટ થયેલી વાતો અને ફોટોગ્રાફસથી જ મન મનાવી લેવું પડે. અભિષેક બચ્ચનના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા ત્યારે અનેક સેલિબ્રિટીને આઘાત લાગ્યો હતો કે બચ્ચનજીએ તેમને લગ્નનું આમંત્રણ જ પાઠવ્યું નહોતું. મોટા માણસના લગ્નમાં આવું તો થતું રહેવાનું પરંતુ એ લગ્નની એક ખાટી યાદ તો ચોપડે નોંધાઈ જ ગઈ છે.

અભિષેક-ઐશ્વર્યાના લગ્નમાં જેમને આમંત્રણ નહોતું આપી શકાયું તેમને બચ્ચનજીએ પછી મિઠાઈના બોકસ મોકલ્યા હતા. આ રીતે પુત્રના લગ્નની ખુશાલી તેમણે વહેંચેલી પણ શત્રુઘ્ન સિંહાએ આ મિઠાઈ પાછી મોકલી દીધી હતી અને એ સમાચાર ખાસ્સા ચમકયા હતા. શત્રુઘ્ન સિંહા અને અમિતાભ બચ્ચન વચ્ચે આમપણ ઝાઝો મનમેળ નથી. શોટગન સિંહા તો જરા આકરા બોલા અને ઈગોસ્ટિક તરીકે જાણીતાય છે એટલે અનેક લોકોને મિઠાઈ પાછી મોકલવામાં શત્રુઘ્ન સિંહાની અકોણાઈ વધુ લાગી હતી.

વાસ્તવિકતા એ હતી કે અભિષેક-ઐશ્વર્યાના લગ્ન થયા ત્યારે બચ્ચન-સિંહા વચ્ચે કોલ્ડવોર ચાલતી હતી અને તેમાં શત્રુઘ્ન સિંહાનું બડબોલાપણું જ વધુ જવાબદાર હશે એમ માનવું રહ્યું. કારણકે મિઠાઈ પાછી મોકલવા બાબતે પણ શત્રુઘ્નસિંહાએ બેબાક તરીકાથી કહેલું કે, ‘મને લગ્નના ઈન્વિટેશન માટે ખરાબ નથી લાગ્યું. આમપણ, મને કોઈની શાદીમાં જવાનો ભડભડિયો નથી. મારુંચાલતું હોત તો હું ખુદની શાદીમાં પણ ન જાત પણ ખેર, અમિતાભ મિઠાઈની બદલે એક ફોન તો કરી જ શકતા હતા!’

૨૦૦૭ના એપ્રિલ-મે મહિનાની આ વાત છે પણ તમે ગુલશન ગ્રોવરની બાયોગ્રાફી ‘બેડમેન’ વાંચો તો ખબર પડે કે ૨૦૧૫માં શત્રુઘ્ન સિંહાના ટવિન્સ લવ-કુશમાંના કુશના લગ્ન લંડનની એનઆરઆઈ તરૂણા અગ્રવાલ સાથે થયા તેના રિસેપ્શનમાં બચ્ચન દંપતિને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મજા તો એ કે અમિતજી પણ સજોડે અને આદતવશ વહેલાં રિસેપ્શનમાં પહોંચી ગયા હતા. બચ્ચન દંપતિને વહેલાં (એટલે કે સમયસર) આવેલા જોઈને પૂનમ સિંહા તો તૈયાર થવાનું પડતું મૂકીને દોડી આવ્યા હતા. એ રિસેપ્શનમાં જેવો બીગ બી નો સામનો શત્રુઘ્ન સિંહા સાથે થયો ત્યારે શોટગન સિંહાએ તેમને આવકારતાં કહેલું કે, ‘અમિત, આ ફિલ્મનું શૂટિંગ નથી કે તું આટલો જલ્દી આવી ગયો!’ 

જવાબમાંબીગબીઃ‘સોનુ, તુમસેભીઉમ્મીદનહીંથીકિતુમઈતનીજલ્દીઆઓગે!’

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો