શતરંગ / અમેરિકાનો સાતમો નૌકાકાફલો
- યુદ્ધગાથા સેંકડો કિલોમીટર દૂર સમુદ્રમાં રહીને વિનાશલીલા નોતરી શકતું સૈન્યબળ એ એક સર્વ વિદિત હકીકત છે. વર્ષ 1971

- યુદ્ધગાથા
સેંકડો કિલોમીટર દૂર સમુદ્રમાં રહીને વિનાશલીલા નોતરી શકતું સૈન્યબળ
એ એક સર્વ વિદિત હકીકત છે. વર્ષ 1971માં ભારત–પાકિસ્તાન યુધ્ધ થયેલું. ભારત તમામ મોરચે વિજેતા નિવડતું હતું. એક તરફ ભારતને રશિયાનો લશ્કરી ટેકો હતો. બીજી તરફ પાકિસ્તાનને પરંપરા મુજબ અમેરિકાનું પીઠબળ હતું. ભારતના સૈન્ય દ્વારા પાકિસ્તાનનો ઘડોલાડવો થઈ રહ્યો હતો. પાકિસ્તાનની નિશ્ચિત હાર જોઈને જગત જમાદાર અમેરિકાના પેટમાં તેલ રેડાયું. પાકિસ્તાનને યુધ્ધમાં મદદગાર થવા અમેરિકાએ પોતાનો સાતમો નૌકાકાફલો ઉતારવાનો નિર્ણય કરેલો. અહી વાત અમેરિકાના સાતમા નૌકાકાફલા વિષે કરવાની છે. અલબત્ત એ વાત તદ્દન અલગ છે કે, વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને સૈન્ય ચીફ માણેકશાએ મળીને જંગી અને પ્રચંડ શક્તિશાળી સાતમો નૌકાકાફલો પણ જાણે કશું જ ન હોય તેમ ગણકાર્યો ન હતો. અમેરિકી પ્રમુખને હાથ મસળવા સિવાય ભાગ્યેજ કઈ કરી શકે તેવી સ્થિતિમાં લાવી દીધેલાં.
અમેરિકી સાતમા નૌકાકાફલો એટલે દરિયા પર તરતુ એક વિશાળ સૈન્યબળ. વિશ્વના ભલભલા નૌકાદળો જેનો સામનો કરતાં વિચારે તેવું અતુલનીય શાસ્ત્રાગાર. સાતમા નૌકાકાફલો કહેતા ‘યુનાઈટેડ સ્ટેટ્સ સેવન્થ ફ્લીટ’ની સ્થાપના અમેરિકાએ માર્ચ 1943મા કરેલી. સ્થાપના સમયગાળા વખતે સાતમો નૌકાકાફલો ‘નેવલ ફોર્સિઝ વેસ્ટર્ન પેસિફિક’ના નામે ઓળખાતો. 1949મા ફરી એક વાર તેને નામકરણ મળેલું. તે પછી ‘યુનાઈટેડ સ્ટેટ્સ સેવંથ ટાસ્ક ફ્લીટ’ના નામે ઓળખાતો હતો. વર્ષ 1950મા કોરિયન યુધ્ધ પછીથી ‘યુનાઈટેડ સ્ટેટ્સ સેવન્થ ફ્લીટ’ નામ ચાલ્યું આવે છે. સ્થાપના ઉપરાંત સાતમા નૌકાકાફલો અનેક યુધ્ધોમાં સફળતાપૂર્વક સામેલ થઈ ચૂક્યો છે. જેમાં મુખ્યત્વે દ્વિતીય વિશ્વયુધ્ધ , કોરિયન યુધ્ધ, વિયેતનામ યુધ્ધ, 1990 ગલ્ફ યુધ્ધ અને 1971નું ભારત પાકિસ્તાન યુધ્ધ. હાલમાં સાતમો નૌકા કાફલો અમેરિકા, ઓસ્ટ્રેલીયા,જાપાન, થાઈલેંડ અને કોરિયાની પરસ્પરની સમજૂતીથી કાર્યરત છે. અર્થાત કે તે દેશોના સૈનિકો અને નાણાં સાતમા નૌકાકાફલામા પ્રાણ પૂરે છે.
અમેરિકી સાતમા નૌકાકાફલો આંતરરાષ્ટ્રીય તારીખ રેખાથી શરૂ કરીને નૌકાદળ ધરાવતા 36 દેશોને આવરી લે છે. જેમાં વિશ્વના સહુથી મોટું લશ્કર ધરાવતા ભારત, ચીન, ઉત્તર કોરિયા , કોરિયા અને રશિયાથી દક્ષિણમા એન્તાર્તીક મહાસાગરનો સમાવેશ થાય છે.
વિશ્વના કોઈ પણ નૌકાદળનો નૌકાકાફલો એકાદ બે જહાજો વડે નથી બનતો હોતો. કાફલામા વિવિધ સૈન્ય કાર્યવાહી સંદર્ભે અલગ અલગ જહાજો, ડિસ્ટ્રોયર, વિમાન વાહક જહાજ, આણ્વિક પનડૂબીઓ, યુધ્ધમાં પ્રત્યક્ષ ભાગ ન લેતા વિમાનો અને હેલીકોપ્ટરોનો સમાવેશ થતો હોય છે. માનવીય જરૂરિયાતો જેવી કે ખોરાક ,અખબારો અને લશ્કરી સરંજામ પૂરા પાડતાં જહાજો હોય છે.
અમેરિકાનો સાતમો નૌકાકાફલામાં કોઈ પણ સમયે 50થી 70 સબમરીન અને જહાજો હોય છે. 150 લડાકુ વિમાનો હોય છે. 27000 જેટલા તો નાવિકો અને મરીન્સ (મરીન્સ એ સૈનિકો છે જે સમુદ્ર માર્ગે થઈને દુશ્મનની ઝમીન પર પહોંચીને હુમલો કરે.) હોય છે. સાતમા નૌકાકાફલામાં (1) એક વિમાન વાહક જહાજ (2) સમુદ્રમાથી જમીન પર હુમલો કરી શકે તેવા 10-14 ડિસ્ટ્રોયર (3) અણુસંચાલિત 8-12 સબમરીનો (4) હવાઈ સર્વેક્ષણ માટેના વિમાનો (5) અમ્ફિબિયસ (કિનારા લગોલગ જઈને કાર્યવાહી કરતાં યુધ્ધ જહાજો) અને સુરંગ વિરોધી જહાજો.(6) એક્ષ્પીડિશનરી ફોર્સ ( બીજા દેશમાં જઈને યુધ્ધમાં ઝંપલાવતી સૈન્ય ટુકડી. સંજોગો અનુસાર રાહત કે તબીબી કાર્યો પણ કરે.) (7) લોજિસ્ટિક વહાણો (કાફલાને જરૂરત મુજબ ઈંધણ , ઉપકરણો વિગેરે પૂર્તિ કરતાં જહાજો.)
નૌકાકાફલામા જે તે દેશ પોતીકી અનિવાર્યતા અનુસાર વિવિધ હેતુના જહાજો ઉમેરતા કે બાદ કરતાં રહેતા હોય છે. સરળ સમજ માટે કહી શકીએ કે સાતમો નૌકાકાફલો વિવિધ વિભાગોમાં કામ કરતો હોય છે.
ટાસ્ક ફોર્સ 70:વર્ષ 2017 સુધી અમેરિકી સાતમા નૌકાકાફલાનું મુખ્ય વિમાન વાહક જહાજ ‘જ્યોર્જ વોશિંગ્ટન’ હતું. વર્તમાનમાં યુએસએસ રોનાલ્ડ રેગન છે, (રોનાલ્ડ રેગન 1911-2004, ભુતપૂર્વ અમેરિકી પ્રમુખ હતા. ફિલ્મ સ્ટાર હતા અને બે વખત;1981-1989 અમેરિકાનું પ્રમુખપદ શોભાવી ચૂકેલા.) તે એક અત્યંત વિશાળ ફ્લેગશિપ જહાજ છે. તેનું ટેકનિકલ નામ ‘ટાસ્ક ફોર્સ 70’ છે, તે જહાજ પર 150 યુધ્ધ વિમાનો સદૈવ તૈનાત રહે છે. જહાજનું તૂતક એટલું વિશાળ છે કે એક જગ્યાએથી બીજે જવા માટે તેના કેપ્ટન જીપનો ઉપયોગ કરતાં હોય છે.
ટાસ્ક ફોર્સ 71: ટાસ્ક ફોર્સ 71ના શિરે નૌકાકાફલામા ખાસ પ્રકારના યુધ્ધનો સામનો કરવો માટે અને કાફલાના શત્રુએ બિછાવેલા બોમ્બ વગેરેનો સફાયો કરી કાફલાને સલામતી બક્ષવાનું કામ હોય છે.
ટાસ્ક ફોર્સ 72: આમ આદમીની ભાષામાં કહીએ તો ટાસ્ક ફોર્સ 72નું મુખ્ય કામ દુશ્મનના આકાશી હુમલા કે સબમરીન થકી ચાલેલી ચાલને મીલીટરી ઉપકરણો આધારિત સર્વેક્ષણ વડે શોધીને નાશ કરવાનું કે અગમચેતીના પગલાં ભરવાનું હોય છે.
ટાસ્ક ફોર્સ 73: આ ફોર્સથી સાતમા નૌકાકાફલાને લોજિસ્ટિક સપોર્ટ મળે છે. ફોર્સ 73મા એક અથવા એક કરતાં વધુ જહાજો હોય છે. તે જહાજોનું કામ કાફલાની જરૂરત અનુસાર શસ્ત્રો, ઈંધણ કે ખોરાક જેવી ખાનાપૂર્તિ કરવાનું હોય છે.
ટાસ્ક ફોર્સ 74: હાલમાં આ ફોર્સ સબમરીનો વડે બનેલી એક ટુકડી છે. ફરી, આ ફોર્સમાં એક અથવા એક થી વધારે પનડૂબીઓનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ સબમરીનોનું કામ શત્રુની સબમરીન કે જમીન પર હુમલાનું હોય છે.
ટાસ્ક ફોર્સ 75: સાતમા નૌકાકાફલાનો ટાસ્ક ફોર્સ 75 દુશ્મનોએ કાંઠાળ વિસ્તારોમાં કરેલી પૂર્વ તૈયારીઓનો નાશ કરવાનું છે. યુધ્ધની જરૂરિયાત મુજબ આ ફોર્સ ઈજનેરી કૌવત પણ બતાવી આપે છે. સમુદ્રમાં ડૂબકી લગાવીને શત્રુએ બિછાવેલી સુરંગો વગેરે હટાવી શકે છે.
ટાસ્ક ફોર્સ 76: આ ટુકડી લગભગ ભુલાયેલા શબ્દ ‘ઉભયજીવી’ છે. એમ્ફિબિયસ છે. પાણી અને જમીન, બંને પર આ ફોર્સનો દબદબો હોય છે. જંગના તકાદાને ધ્યાને લઈને મધદરિયે કે જમીન પર ઉતરીને દુશ્મનના પ્રદેશમાં ઘૂસીને વિધ્વંશ ફેલાવી શકે છે.
આ ઉપરાંત ટાસ્ક ફોર્સ 77 અને ટાસ્ક ફોર્સ 78 પણ એક નિશ્ચિત સમય સુધી અસ્તિત્વમાં હતા. અલબત્ત, હાલમાં બંને ફોરસીઝને અમેરિકાએ સાતમા નૌકા કાફલાથી બાકાત કર્યા છે.
અત્યંત હળવી અને ટેકનિકલ ન કહી શકાય તેવી માહિતી પછી એક વાત નોંધવી રહી. અમેરિકાના સાતમા નૌકાકાફલામા લગભગ તમામ જહાજો અણુસંચાલિત છે. હવે, અણુસંચાલિત હોતા યાંત્રિક ખામી વગેરે ન સર્જાય ત્યાં સુધી , મહિનાઓ સુધી સમુદ્રમા રહી શકે છે. એક પ્રલંબ સમયખંડ સુધી દુશ્મનોને હંફાવી શકે છે. કાફલો કુલ મળીને વિપુલ પ્રમાણમા દારૂગોળો અર્થાત શસ્ત્રો ધરાવે છે. પાંચ સાત જેટલા નાના દેશોનો એકીસાથે સામનો કરી શકે તેમ છે. ઉપરાંત, કાફલામા અણુશસ્ત્રો, વિવિધ મિસાઇલો , વિમાનો , સબમરીનો હેલીકોપ્ટરોનો જમાવડો હોય છે. લશ્કરી સંદર્ભે નબળો દેશ ભાગ્યે જ કાફલાનો સામનો કરી શકે.
- ફાલ્ગુન મોદી








