શતરંગ / બાપના મૃત્યુની સાથે સંતાન પણ થોડું થોડું મરતું રહેતું હોય છે!
- જોગીજ્ઞાન નાનપણમાં પપ્પા "હીરો" હોય છે. સંતાન ખાસ તો પુરુષ

- જોગીજ્ઞાન
નાનપણમાં પપ્પા "હીરો" હોય છે. સંતાન ખાસ તો પુરુષ સંતાન એના પપ્પા જેવો બનવા માંગતો હોય છે. પણ કિશોરાવસ્થાની આંખ ખુલતા જ દેખાય જાય છે કે બહારની દુનિયા બહુ આગળ વધી ગઈ છે અને આપણા નોકરી કરતા કે નાનકડો ધંધો કરતા પિતાજી હવે થોડા 'બેકવર્ડ' લાગે છે. અને એમાંથી શરૂ થાય છે જનરેશન ગેપના કન્ફલિકટ! આ મારી તમારી કે કોઈની પર્સનલ વાત નથી. આ સંઘર્ષ ઘણા પરિવારોમાં રૂટિન બની ગયો છે.
તમને સરખું કમાતા ના આવ્યું, તમને 'જુગાડ' કરીને આગળ વધતા ના આવડ્યું. તમને જો પૈસા સરખી રીતે કમાતા આવડ્યું હોત તો આજે અમારે આ સંઘર્ષ ના કરવો પડ્યો હોત... મૂળ તો બીજાઓની બ્રાન્ડેડ કાર- બાઇક્સ, મોંઘા મોબાઈલ જોઇને બળી મરવાની આ વેદના છે. સિક્કાની એક બાજુ દીકરો આક્રોશથી સળગે છે, અને બીજી બાજુ બાપ લાચારીથી!
પણ એ જ દીકરો જ્યારે નોકરી કે ધંધે વળગે છે. લગ્ન અને પછી એક બે બાળકો. બાળકોની સ્કૂલ ટ્યુશની ફીઝ, પરિવારની નાની મોટી માંદગી કે શુભ અશુભ પ્રસંગે થતા " વ્યવહાર" નાનકડી બચત પણ ખાલી કરી નાખે છે. ત્યારે એને બુઢો "બાપ" યાદ આવે છે. કે આ તો આપણે બાપુજી જેવા જ થઈ ગયા. હજી કહાની અધૂરી છે.
અસલી કહાની વૃદ્ધ બાપના મૃત્યુ પછી શરૂ થાય છે. એ પહેલાં ઘણાને એવું લાગતું હોય છે કે પથારી વશ બાપ કરી શું શકે? સંતાનોનું પ્રોફેશન ફિલ્ડ અલગ હોય છે. એટલે જુના જમાનાના પપ્પાઓ પણ સતત બદલાતી રહેતી ટેકનોલોજી સમજી શકતા નથી. અને દીકરાઓ/દીકરીઓ કહી દેતી હોય છે કે- તમને આમાં કશી ખબર ના પડે. પણ એમને એ નથી સમજાતું કે પપ્પાએ વારસમાં સંપત્તિ નથી આપી પણ તન તોડીને પોતાને કશી સમજ ન પડે એ કક્ષાએ તો પહોંચાડ્યા જ છે ને!
પણ એક દિવસ બાપ દુનિયા છોડીને જતો રહે છે અને અને સંતાનને ભાન થાય છે કે એના પરિવારનો ઘેઘુર વડલો તૂટી ગયો છે. હવે જોબ પરથી રાતે મોડે આવીએ તો એ બુઢી આંખો રાહ નથી જોવાની. આજે કેમ મોડું થયું એ કોઈ પૂછવાનું નથી. બેટા, હવે સુઈ જા...એવું કોઈ કહેવાનું નથી. દીકરો ભલે રાજાની સમકક્ષ લાઇફ જીવતો હોય પણ એ ડોસ્લો બીમાર બાપની ગેરહાજરીમાં સંતાનના પહોળા ખભા ને 38ની છાતી ઝૂકી જાય છે.
ખૈર, શાહરુખની જવાન ફિલ્મનો ડાયલોગ- બેટે કો હાથ લગાને સે પહેલે બાપસે બાત કર....એ દરેક ત્રીસ-ચાલીસ વર્ષના સંતાનનું સપનું હોય છે. પણ કહે છે ને, કભી કિસી કો મુકકમલ જહાં નહિ મિલતા....હા, એટલું ખરું કે બાપના પરસેવાની સુંગંધ, સ્વભાવ, લડી લેવાની શકિત કે અશકિત સ્વાદપ્રેમ કે અપ્રેમ બધું જ ઓછે વતે અંશે બાપુજી સંતાનમાં ઉતરે જ છે. કાંતિ ભટ્ટ તો ત્યાં સુધી કહેતા કે તમારા બાપ દાદા અભાવમાં ડિપ્રેશનગ્રસ્ત હશે તો તમે કરોડો કમાયા પછી પણ સુખી નહિ થઈ શકો. શાંહબુદ્દીન રાઠોડ કહે છે એમ બાપુજી વારસામાં કશું ના આપી જાય તો પણ લેણું, બ્લડપ્રેશર કે ડાયાબીટીસ તો આપી જ જશે!
અંતે, એક અંગ્રેજી કહેવત બાપ એ સૂર્યની આગ જેવો હોય છે. એની ગરમીથી સંતાનને ક્યારેક દુઃખી કરે છે, કયારેક ગુસ્સે કરે છે. ક્યારેક નવી ફેશન પ્રમાણે ડિપ્રેસડ પણ કરે છે. પણ જ્યારે એ સૂરજ આથમી જાય છે ત્યારે અંધકાર છવાઈ જાય છે!
ખાસ નોંધ: મિત્ર Tushar Dave ના પપ્પાના અવસાન સમાચાર સાંભળી જે સંવેદનાઓની ઝણઝણાટી જાગી એટલે એ સંવેદનાઓ મિત્રો સાથે વ્હેચ્યા વગર એ લાગણી નો મોક્ષ નહોતો. વળી, એ ગેરસમજ ના કરવી કે ઉપર જેટલું લખ્યું એ બધું તુષાર દવેને લાગુ પડે છે. એ તો ફકત મારી સંવેદનાઓ છે. બાકી તુષાર ભાઈ અને વૈભવી બેને એમના પપ્પા માટે જે સેવા કરી, દોડધામ કરી, રાત ઉજાગરા કર્યા એના મારા સહિતના ઘણા મિત્રો સાક્ષી છે જ!
પ્રભુ દિવંગત રાજેન્દ્રભાઈ દવેને મોક્ષ ના આપે પણ આવતા જન્મે માનવદેહે તુષાર અને વૈભવી જેવા જ સંતાનો આપે એવી પ્રભુને પ્રાર્થના!
- ડો. ભગીરથ જોગિયા








