શતરંગ / ચોરી ચોરી ચુપકે ચુપકે: એઆઈ પર લાગ્યો કન્ટેન્ટ ચોરવાનો આરોપ
- ટેક્નોપુરાણ આજકાલ એઆઈનો ઉપયોગ સાવ સામાન્ય થઈ ગયો છે. કોઈપણ નાનકડું કામ હોય આપણે તરત ચેટ જીપીટી કે પછી

- ટેક્નોપુરાણ
આજકાલ એઆઈનો ઉપયોગ સાવ સામાન્ય થઈ ગયો છે. કોઈપણ નાનકડું કામ હોય આપણે તરત ચેટ જીપીટી કે પછી જેમિની જેવા એઆઈ ટૂલનો ઉપયોગ કરીએ છીએ અને બેધડક આ બધા કન્ટેન્ટનો વપરાશ પણ કરીએ છીએ. હવે આ બધા એઆઈ ટૂલ્સ પર કૉપીરાઇટનો આરોપ લાગ્યો છે. અમેરિકાના જાણીતા અખબાર ન્યુયોર્ક ટાઇમ્સે ચેટ જીપીટી અને માઈક્રોસોફ્ટ સહિતના એઆઈ ટૂલ્સ સામે કાનૂની દાવો માંડ્યો છે. આ દાવામાં કોઈ રકમની માંગણી નથી કરવામાં નથી આવી પરંતુ જાણીતા અખબાર દ્વારા કહેવામા આવ્યું છે કે આ આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ બનાવતી કંપનીઓ ડેટા ફિડિંગ (કોઈ પણ એઆઈ ટૂલ બનાવવા માટે આપવામાં આવતું પ્રશિક્ષણ) માટે એમના આર્ટિકલનો ઉપયોગ કરે છે જેથી કંપનીને લાખો-કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.
શું હોય છે ડેટા ફિડિંગ?
કોઈ પણ કંપની જ્યારે કોઈ એઆઈ ટૂલ બનાવે તો એના માટે થઈને પહેલા એ સોફ્ટવેરને પ્રશિક્ષણ આપવું પડે અને એ દરમિયાન આ બધી કંપનીઓ સોફ્ટ્વેરમાં અલગ અલગ પ્રકારનો ડેટા ફીડ કરી સોફ્ટવેરને પ્રક્ષિક્ષણ આપે છે. ધારો કે ભારતની કોઈ કંપની ભારતમાં લાગુ ક્રિમિનલ કાયદાઓને લઈને કોઈ એઆઈ ટૂલ બનાવવા માંગે છે તો એ કંપની પહેલા ભારતમાં રહેલા તમામ ક્રિમિનલ કાયદાઓ અને એને લગતી તમામ માહિતીનું પ્રશિક્ષણ જે તે સૉફ્ટવેરને આપશે ત્યારબાદ એ એઆઈ ટૂલ મેળવેલ માહિતી પરથી જે પણ પ્રશ્નો પૂછવામાં આવશે એનો જવાબ આપશે. તો બસ, આજ રીતે કોઈ પણ એઆઈ ટૂલ તૈયાર કરવામાં આવે છે. પણ જ્યારે ચેટ જીપીટી કે જેમીની જેવા મોટા ટૂલ તૈયાર કરવામાં આવતા હોય તો એમાં માહિતી પણ એટલી માત્રામાં ફીડ કરવી જરૂરી બને છે.
ન્યુયોર્ક ટાઇમ્સને પેટમાં શું દુખે છે?
હકીકત એ છે કે જેટલા પણ એઆઈ ટૂલ્સ છે એ ન્યુયોર્ક ટાઈમ્સના કોઈ પણ ડેટાનો સીધે સીધો ઉપયોગ નથી કરતાં, જેથી સીધી રીતે તેઓ કોપીરાઇટના કાયદાનો ભંગ નથી કરતાં,પરંતુ આ જાણીતા અખબારે આરોપ લગાવ્યો છે કે આ ટેક કંપનીઓ પોતાના ચેટબોટ્સ તૈયાર કરવાં માટે અમારા લેખોનો ઉપયોગ કરે છે અને ચેટબોટ્સની તાલીમમાં અમારી માલિકીના કન્ટેન્ટનો ઉપયોગ કરીને ફાઇનલ કન્ટેન્ટ જનરેટ કરે છે. જેથી કરીને જે વાચકો વિશ્વનીયતા અને માહિતી માટે અમારા આખબાર સાથે જોડાતા તેઓ હવે સીધા આવા બોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે જેથી અમને આર્થિક ફટકો પડી રહ્યો છે. આ અંગે ન્યુયોર્ક ટાઇમ્સે મેનહટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે.
આ સિવાય અન્ય આઠ અખબારોએ પણ 30 એપ્રિલ, 2024 ના રોજ ઓપન એઆઈ અને માઈક્રોસોફ્ટ સામે
દાવો માંડ્યો છે. સૂટમાં સમાવિષ્ટ અખબારોમાં ધ ન્યૂયોર્ક ડેઇલી ન્યૂઝ, શિકાગો ટ્રિબ્યુન, ડેનવર પોસ્ટ,
મર્ક્યુરી ન્યૂઝ, ઓરેન્જ કાઉન્ટી રજિસ્ટર, સેન્ટ પોલ પાયોનિયર-પ્રેસ, ઓર્લાન્ડો સેન્ટીનેલ અને સાઉથ ફ્લોરિડા
સન સેન્ટીનેલનો સમાવેશ થાય છે.
લેખકો પણ એઆઈથી પરેશાન
અખબારોની સાથે સાથે લેખકોએ પણ એઆઈ સામે બાંયો ચડાવી છે. માર્ગારેટ એટવુડ, ડેન બ્રાઉન અને જોડી પિકોલ્ટ સહિત 8,500 થી વધુ લેખકો દ્વારા હસ્તાક્ષર કરાયેલ ઓથર્સ ગીલ્ડના ઓપન લેટરમાં કહેવામા આવ્યું છે કે “ચેટ જીપીટી અને બાર્ડ (હાલમાં જેમીની તરીકે ઓળખાય છે) જેવી જનરેટિવ એઆઈ એપ્લિકેશનો લેખકની સહમતી અને યોગ્ય વળતર વગર તેમના કામોનો ઉપયોગ કરવાનું બંધ કરે.” લેખકોની માંગ છે કે એમની માલિકીનો જે ડેટા આ એઆઈ પ્લેટફોર્મ દ્વારા ફિડિંગ માટે વાપરવામાં આવ્યો છે એના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે આ એઆઈ માટે તો ખાવું હોય એટલુ ખાઓ અને બિલ કઈં નહીં જેવુ થઈ રહ્યું છે.
Ai પાસે લખાવેલું કન્ટેન્ટ અમેઝોન પર વેચાય છે
તાજેતરમાં કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં અમુક લોકો Ai પાસે કન્ટેન્ટ લખાવીને ઇ-બુક બનાવીને અમેઝોન પર વેચી રહ્યા હતા. આવા લોકો સામે લેખકોનો આરોપ છે કે આ બધુ કન્ટેન્ટ જનરેટ કરવા માટે એઆઈ ટૂલ્સ એમના લખેલા પુસ્તકો કે લેખોનો ઉપયોગ કરે છે, અને કેટલાક લોકો એનો દૂરઉપયોગ કરીને એનું વેચાણ કરીને કમાણી કરી રહ્યા છે. જેને લઈને એમેઝોને આવા કન્ટેન્ટને પોતાની સાઇટમાંથી હટાવવાની ફરજ પડી હતી.
- મહેશ રાજગોર








