શતરંગ / અમદાવાદથી બ્રીજ ટાઉન - આ લાગણી આપણે બધાએ સાથે જીવી છે!
- ટાઈમ આઉટ એવું કહેવાય છે કે ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે. જ્યારે ધર્મની

- ટાઈમ આઉટ
એવું કહેવાય છે કે ભારતમાં ક્રિકેટ એક ધર્મ છે. જ્યારે ધર્મની વાત આવે ત્યારે તેના અનુયાયીઓની લાગણી તેની સાથે જોડાયેલી હોય તે સ્વાભાવિક છે અને તેના સાવ બીજા છેડે ઝનૂન પણ જોડાયેલું હોય છે. ભારતની ક્રિકેટ ટીમ સાથે આ બંને લાગણીઓ જોડાયેલી છે. મોટેભાગે ઝનૂન ભારે પડી જતું હોય છે અને ટીમ ઇન્ડિયાના સમર્થકોની હાલની પેઢી ઝનૂન વધારે અને લાગણી ઓછી ધરાવતી હોય એવું વારંવાર સાબિત થયું છે.
ગઈકાલે મોડી રાત્રિએ T20 World Cupની ફાઈનલમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 રને હરાવીને ટ્રોફી જીતી લીધી ત્યારે એક વિચાર સતત મનમાં આવી રહ્યો હતો. જ્યારે 19 નવેમ્બર 2023ના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા પચાસ ઓવર્સના વર્લ્ડ કપની ફાઈનલ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી ત્યારે લાગણી અને ઝનૂન બંને એક સાથે મજબૂતીથી વહી રહ્યા હતા.
અત્યારની પેઢીના પ્રતિનિધિઓ જેમના માટે દરેક મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત જ મેળવવી જોઈએ તે લોકો કાં તો રડી રહ્યા હતા કાં તો પોતાની જ ટીમના સભ્યોની આકરી ટીકા અથવાતો આજના શબ્દોમાં કહીએ તો ટ્રોલ કરી રહ્યા હતા. આટલું ઓછું હોય તેમ અમુક તો દર મહિનાની 19મી તારીખે સોશિયલ મીડિયામાં એ હારનું માસિક બેસણું પણ ‘ઉજવી’ રહ્યા હતા.
ગયા વર્ષે ભારત એક સાથે બે ICC ફાઈનલ્સ હાર્યું હતું. પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ તો ખરો જ પણ તે પહેલાં ઇંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પણ આપણી ટીમ હારી ગઈ હતી. એટલે એ વર્ષ ભારતીય ટીમના સમર્થકો માટે ઘણું આકરું સાબિત થયું હતું.
પરંતુ ભારતના જે ક્રિકેટ ફેન્સ વ્યક્તિગત ખેલાડીઓ કરતાં ટીમને વધુ મહત્વ આપે છે તે જાણતા હતા કે ઈસ રાત કી સુબહ ઝરૂર હોગી, ફક્ત ધીરજ ધરવાની અને ટીમ પર વિશ્વાસ રાખવાની જરૂર છે. ફરીથી કોઈ કહેવત યાદ કરીએ તો એમ કહેવાય છે કે વિશ્વાસે વહાણ પણ તરી જાય છે, જ્યારે આપણી ટીમના ખેલાડીઓ તો એટલી બધી ટેલેન્ટ ધરાવે છે કે તેમના ઉપર કડક વિશ્વાસ ધરાવવો એ દરેક ભારતીય ફેન માટે મસ્ટ હોય છે.
છેવટે, આ વિશ્વાસે કામ કરી બતાવ્યું અને એક રસાકસીભરી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને T20 ફોર્મેટનો વર્લ્ડ કપ જીતી લીધો. જ્યારે હાર્દિક પંડ્યાએ આ મેચનો છેલ્લો બોલ નાખ્યો અને ટીમ જીતી ગઈ ત્યારે એ ટીમના તમામ સભ્યો સાથે આપણે બધા એટલે કે તેના ફેન્સ પણ લાગણીના સાગરમાં તરવા લાગ્યા હતા.
આ જીતે એ પણ સાબિત કરી બતાવ્યું છે કે રમત કોઈ પણ હોય હાર અને જીત તે સિક્કાની બે બાજુઓ છે. એવું બની શકે કે હારની હારમાળા લાંબી ચાલે, પરંતુ જ્યારે તેમાં જીત રૂપી ગુલાબનું ફૂલ ઉમેરાય ત્યારે એ લાંબો હાર પણ શોભી ઉઠે છે.
ભારત 2007 પછી T20નો વર્લ્ડ કપ અને 2011 પછી પચાસ ઓવરનો વર્લ્ડ કપ ક્યારેય જીત્યું ન હતું. જો કે આ બંને ટુર્નામેન્ટની સેમીફાઈનલ અને ફાઈનલમાં તેની સતત આવનજાવન રહેતી હતી. ફેન્સને એ બાબતની ચિંતા થતી હતી કે છેક સેમીફાઈનલ અને ફાઈનલ સુધી મોટેભાગે અપરાજિત રહેતી ટીમને આ સમયે જ શું થઇ જાય છે કે તે આ બંને મહત્વની મેચો હારી જાય છે?
ગઈકાલે પણ જ્યારે ક્લાસન અને મિલર રમી રહ્યા હતા ત્યારે આપણામાંથી ઘણાને આ લાગણી થઇ હશે કે ફરીથી એનું એ જ ભાગ્ય રીપીટ થઇ રહ્યું છે. પરંતુ અંગ્રેજીમાં જેને નર્વઝ કહેવામાં આવે છે એટલેકે પોતાની એ સમયની નકારાત્મક લાગણીને જો તમે કન્ટ્રોલ કરો તો તમે ગમેતેવા અશક્ય વિજયને પણ હાંસલ કરી શકો છો. ગઈકાલે અને 19મી નવેમ્બરની મેચમાં આ નર્વઝ જ મોટો ફરક લાવી હતી.
અમદાવાદમાં રમાયેલી એ ફાઈનલમાં પહેલી મિનીટથી જ એટલેકે ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરવાથી શરુ કરીને ટીમ ઇન્ડિયાએ ભૂલો કરવાની શરુ કરી હતી જે તેને અંતે નડી ગઈ. ગઈકાલે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાના નિર્ણયથી માંડીને સંજોગોને પારખીને જસપ્રીત બુમરાહને 19મીને બદલે 18મી ઓવર આપવાના નિર્ણય સુધી બધું જ યોગ્ય ઠર્યું અને ટીમ જીતી.
આ રીતે જ ટીમ જીતતી કે હારતી હોય છે. કપ્તાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેતો હોય છે પછી જો તે નિર્ણય સાચો ઠરે જેમ ગઈકાલે થયું તો તેની વાહવાહી થાય છે અને જો નિર્ણય ખોટો ઠરે જેમ 19મી નવેમ્બરે થયું હતું તો તેના માથે માછલાં ધોવાય છે.
ગઈકાલની જીતમાંથી ટીમ ઇન્ડિયાની ભવિષ્યની પેઢી તો શીખશે જ પણ આપણે એટલેકે ટીમ ઇન્ડિયાના સાચા સમર્થકો અને સાચા પ્રશંસકોએ પણ એક મોટી શીખ લેવાની છે. આ શીખ એ છે કે રમતમાં હારજીત મળતી રહે છે પરંતુ જ્યારે આપણી ટીમ સતત હારતી હોય ત્યારે તેની ટીકા કંટ્રોલમાં કરવી પરંતુ તેનો સાથ ક્યારેય ન છોડવો. ખેલાડીઓ પણ માનવી છે, તેઓ પણ દબાણમાં લાગણીઓમાં વહી જતા હોય છે અને ખોટા નિર્ણયો લઇ લેતા હોય છે, પરંતુ તેને કારણે તેઓ આપણા ગાલિપ્રદાનના હકદાર તો બિલકુલ જ નથી.
તો બીજી તરફ જ્યારે ટીમ સતત જીતતી હોય ત્યારે તેની પ્રશંસા પણ મર્યાદામાં કરવી જોઈએ અને ટીમ હવે અજેય છે અને ક્યારેય હરશે નહીં અને સામેવાળી ટીમ મગતરાં જેવી છે એવું માનવાનું પણ શરુ ન કરી દેવું જોઈએ. ખેલાડીઓને પૂરતી વાહવાહી આપવી જોઈએ પરંતુ તેમને ભગવાન ન બનાવી દેવા જોઈએ.
અમદાવાદથી બ્રીજ ટાઉનની આ સફર ટીમ ઇન્ડિયાના દરેક સમર્થકને સદાય યાદ રહેશે. આપણને બધાને ટીમ ઇન્ડિયાના આ યાદગાર વિજયની અઢળક શુભેચ્છાઓ!
- સિદ્ધાર્થ છાયા








