શતરંગ / નેશનલ સિક્યોરિટી ગાર્ડસ - એનએસજી
- યુદ્ધગાથા NSG: કઠોરત્તમ તાલીમ અને જાંબાઝીનો પર્યાય એક ખાસ હેતુસર ભારતમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડસ-એનએસજી

- યુદ્ધગાથા
NSG: કઠોરત્તમ તાલીમ અને જાંબાઝીનો પર્યાય
એક ખાસ હેતુસર ભારતમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડસ-એનએસજીની સ્થાપના કરવામાં આવી. છેલ્લા થોડા દાયકાઓથી સમગ્ર વિશ્વ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. જગતના ખૂણેખાંચરે આતંકવાદીઓ ફેલાય ચૂક્યા છે. આતંકવાદીઓ કે અલગાવવાદીઓ કે અંતિમવાદીઓની ત્રાસ ફેલાવવાની મોડસ ઓપરેંડી અલગ હોય છે. ઉગ્રવાદીઓ અસમાન્ય સંજોગો ઊભા કરતાં હોય છે. જેનો સામનો રાજ્ય સરકાર સંચાલિત પોલીસ વિભાગ કે મિલીટરીના કાર્યક્ષેત્ર બહાર હોય. પોલીસ કે મિલીટરી તેવી ઘટનાઓને પહોંચી વળવા સારું સજ્જ ન હોય તે સ્વાભાવિક છે. તેમની સઘન તાલીમ અને નિપુણતા અન્ય કાર્યપ્રકાર માટે વિકસિત હોય છે. રાજ્ય સરકાર આધીન પોલીસની વાત કરીએ તો, તેમનો પનારો મહદ અંશે આમ નાગરિકો દ્વારા આચરવામાં આવતા ગુન્હાઓના નિવારણ પૂરતો હોય છે. જ્યારે, મિલીટરી દેશ પર ખતરા સંદર્ભે દુશ્મન દેશના સૈન્ય સામે જાનની બાઝી ખેલે છે.
ભારતમાં1984ની ‘ઓપરેશન બ્લૂસ્ટાર’ની ઘટના પછી ખાસ પ્રકારની વ્યાવસાયિક નિપુણતા ધરાવતા ફોર્સની જરૂરત અનુભવાયેલી. ઓપરેશન બ્લૂસ્ટાર’ પાછળ ખાસ કારણ હતું. શીખ સમુદાય શીખો માટે ખાસ સ્વાયતત્તા અને દરજ્જો માંગતો હતો. જે યેનકેન પ્રકારેણ મનાવવા માટે સુવર્ણ મંદિરમાં શીખ આતંકવાદી નેતા ભિંડરાનવાલેએ શીખોના પરમ શ્રધ્ધાના સ્થાનક સુવર્ણમંદિરમાં કબજો કરેલો. આતંકવાદી નેતા ભિંડરાનવાલેના મળતિયાઓ અને બીજા નિર્દોષ દર્શનાર્થી શીખોને મંદિરમાથી બહાર કાઢવા જરૂરી હતા. તે કામ માટે ભારત સરકારે સૈન્ય અર્થાત મિલીટરી તૈનાત કરેલી. અલબત્ત, આપણી મિલીટરીએ સફળતા પૂર્વક ધાર્યું નિશાન પાર પાડી બતાવેલું. પરંતુ, તે અનુભવના આધારે આતંકવાદી પ્રકારની ગતિવિધિઓ સામે લડવા માટે એક ખાસ ટુકડીની રચના કરવી જરૂરી બની.
એક એવા ફોર્સની જરૂરત હતી કે જે ટૂંકા સંઘર્ષમાં જ ઉપદ્રવીઓને કાબુમાં લઈ શકે. એક એવી ટુકડીની રચના કરવી કે જે મિલીટરીમાં વપરાતા ટેન્ક જેવા મસમોટા શસ્ત્ર-સરંજામ વગર માછલીની આંખ વીંધી બતાવે. તેમ કરવાનો હેતુ એટલો જ કે સુવર્ણ મંદિરમાં થયું હતું તેવું બિનજરૂરી નુકશાન ટાળી શકાય. શીખ ધાર્મિક સ્થાનમાં લશ્કરી કાર્યવાહીને સમગ્ર શીખ જગતે શીખ સંપ્રદાય પર હુમલો માનેલો. જેના દુ:ખદ પરિણામ રૂપે તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી.
નેશનલ સિક્યોરિટી ગાર્ડસ–એનએસજીની સ્થાપના 16મી ઓક્ટોબર 1984ના દિવસે કરવામાં આવી. ભારતમાં સામાન્ય રીતે થતી નોકરીઓની ભરતીની જેમ ‘એનએસજી’માં નિમણૂક નથી કરવામાં આવતી. એનએસજીમાં દાખલ થતાં કમાન્ડો ભારતીય સેના, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અથવા રાજ્ય પોલીસ વિભાગમાંથી પસંદ કરવામાં આવે છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડસમાં દાખલ થયેલા જવાન મર્દોમાંથી સરેરાશ સિત્તેરથી એંસી ટકા તો કઠોર તાલીમ સહન નથી કરી શકતા. ઉચ્ચ અનુશાસિત ટ્રેનિંગ અધૂરી છોડીને ચાલ્યા જાય છે. તે બાદ બચેલા 20થી 30 ટકા નરબંકાઓ તન અને મનથી અત્યંત માજબૂત હોય છે. ઉદાહરણરૂપ માનસિક અને શારીરિક ક્ષમતા ધરાવતા હોય છે. બેસ્ટ ઓફ બેસ્ટ હોય છે. કહી શકીએ કે ‘લાખો મે એક’ પસંદગી પામતા હોય છે.
તાલીમાર્થીઓની પસંદગી જાણે બિલ્લોરી કાચ વડે કરવામાં આવે છે. એનએસજીમાં દેશસેવા કાજે દાખલ થયેલાઓ માટે ચૌદ માસનો તાલીમ કાર્યક્રમ હોય છે. ચૌદ માસના તાલીમ કાર્યક્રમને કુલ ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રારંભિક તબક્કામાં તેમની શારીરિક, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એનએસજીના અત્યંત ઉચ્ચ એવા અપેક્ષિત ધારા ધોરણો પર તેમણે ખરું ઊતરવું પડતું હોય છે. તાલીમ કાર્યક્રમના બીજા તબક્કામાં કુલ 26 મુદ્દાઓ પર તાલીમાર્થીએ ઉત્તીર્ણ થવું પડતું હોય છે. ક્રોસ-કન્ટ્રી (લાંબી દોડ), ઊંચાઈએ થી છલાંગ લગાવવી અને અજાણ્યા ભૂ-પ્રદેશોને પાર કરવા જેવી સ્થિતિ નિર્માણ કરવામાં આવે છે. અવરોધોથી ભરપૂર ક્રોસ-કન્ટ્રીના અંતે લક્ષ્યાંક પર નિશાન સાધવાની ટ્રેનિંગ હોય છે. સહનશક્તિની કસોટી કરવામાં આવે છે. માર્શલ આર્ટની (કરાટે વગેરે) સઘન તાલીમ આપવામાં આવે છે. એનએસજી નિરીક્ષ્ણ કરે છે કે તાલીમાર્થી પરાકાષ્ઠાની કક્ષાએ પહોંચેલા શારીરિક થાક અને માનસિક તનાવમાં કઈ રીતે લક્ષ્ય સિધ્ધ કરી બતાવે છે.
શરૂઆતના બે તબક્કાઓમાંથી સફળ થયેલાં ટ્રેઇનીને નવ મહિનાની વિશ્વકક્ષાએ ઘનિષ્ઠ કહી શકાય તેટલી સઘન તાલીમ માટે મોકલવામાં આવે છે. યાદ રહે કે, એનએસજીની તાલીમ વાતાનુકૂલિત ક્લાસરૂમમાં નથી આપવામાં આવતી. તેમની તાલીમ ધોમધખતાં સૂર્યના પ્રખર તાપમાં થાય છે. તાલીમનો થોડો હિસ્સો વેરાન અને નિર્દયી રણમાં હોય છે. રણ મધ્યે તાલીમાર્થીને એકલા છોડી દેવામાં આવતા હોય છે. તેમને સૂચના હોય છે કે રણમાં અમુક દિવસો ગુજારીને નિર્ધારિત સ્થળે પહોંચી જવું. હવે, રણમાં સ્વભાવિક રીતે જ પાણી ઉપલબ્ધ ન હોય. ખોરાક મેળવવો પણ તાલીમાર્થીની જવાબદારી હોય. શરીરની જરૂરિયાત મુજબ એક વ્યક્તિને પ્રતિદિવસ ઓછામાં ઓછું ચાર લિટર પાણી જોઈએ. જ્યારે રણમાં નિરાધાર મૂકેલા તાલીમાર્થીને પ્રતિદિન કેવળ એકસો પચાસ મિલી પાણી આપવામાં આવતું હોય છે. ખોરાકની વ્યવસ્થા તાલીમાર્થીએ પોતે કરવી રહે. આપણે જાણીએ છીએ કે રણમાં હોટેલ નથી હોતી. રણમાં ખોરાક રૂપે કેવળ કીડા મંકોડા કે સાપ પ્રાપ્ય હોય છે. સ્વાચ્છોવાસ નિયંત્રણ માટે પાણીમાં ગળાડૂબ રહેવાની તાલીમ હોય છે. થોડા સમયે તાલીમાર્થી તરફડિયાં મારીને શ્વાસ લેવા પાણીની બહાર આવે તે સાથે જ ફરી તેમને બળપૂર્વક ફરી પાણીમાં ધકેલવામાં આવતા હોય છે. ગંદા ગળાડૂબ પાણીમાં હલનચલન વગર કલાકો રહેવાની તાલીમ મળે છે. ધોધમાર વરસાદમાં તાલીમ મળે છે. અડાબીડ અંધકારમાં કાર્ય નિષ્પાદનની ટ્રેનિંગ આપવામાં આવે છે.
અહી સુધી વાતો મુખ્યત્વે શારીરિક ક્ષમતા અંગે થઈ. નેશનલ સિક્યોરિટી ગાર્ડસની વિશ્વકક્ષાની અદ્યતન તાલીમમાં દ્વંદયુધ્ધ (હાથ થી હાથની લડાઈ), જાસૂસી માહિતી મેળવવી અને પ્રસારિત કરવી, શત્રુના સરંજામનો ધ્વંશ કરવો, બોમ્બ નિકાલ કરવો અને રિફ્લેક્સ શૂટિંગનો સમાવેશ કરવામાં આવે છે.
જાણકારોના અભિપ્રાય મુજબ નેશનલ સિક્યોરિટી ગાર્ડસને આપવામાં આવતી અમુક પ્રકાસની તાલીમ ખાનગી રાખવામા આવતી હોય છે. છતાં બહુચર્ચિત તાલીમમાં કોમ્બેટ રૂમ શૂટનો સમાવેશ થાય છે. જે હેઠળ તાલીમાર્થીને ટોર્ચ અથવા લેસર વડે ઈમેજ દર્શાવતુ ઉપકરણ આપવામાં આવે છે. ગાઢ અંધકાર ધરાવતા રૂમમાં દાખલ થઈને માત્ર ત્રણ સેકંડમાં ચિંધેલા નિશાન પર તેમણે વાર કરવાનો હોય છે. માત્ર નિશાન સાધવાથી કામ પૂર્ણ નથી થતું. એક તાલીમાર્થીને ટાર્ગેટની બરાબર બાજુમાં રાખવામા આવે. બીજા તાલીમાર્થીને નિશાન સાધીને, પોતાનો સાથી સલામત રહે તે રીતે ટાર્ગેટ પર બંદૂક ચલાવવાનું કહેવામા આવે છે. તેમની બંદૂક ચલાવવાની તાલીમ વિશ્વકક્ષાની હોય છે. તેમણે 400 મીટરના અંતરેથી સાડા છ મિનિટમાં ગતિશીલ એવા કુલ ઓગણત્રીસ લક્ષ્યો વીંધી બતાવવાના હોય છે.
આપણાં નેશનલ સિક્યોરિટી ગાર્ડસ કોઈ રીતે પાછળ ન રહે અને વૈશ્વિક ફલક પર સ્પર્ધા કરી શકે તેવા નિપુણ હોવા જોઈએ. અવ્વલ દરજ્જાની નિપુણતા અને કૌશલ્ય હાંસલ કરવા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડસને દુનિયાના લશ્કરી ખેરખાં એવા અમેરિકા અને જર્મનીના સિક્યોરિટી ગાર્ડસ સાથે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે.
થોડા સમય પૂર્વે અમેરિકાના સિક્યોરિટી ગાર્ડસ ભારતની મુલાકાતે આવેલા. મુલાકાત દરમિયાન અમેરિકી સિક્યોરિટી ગાર્ડસે ભારતીય સિક્યોરિટી ગાર્ડસની ખાસ કરીને જંગલમાં લડવાની કાબેલિયતની બે મોઢે પ્રસંશા કરેલી.
- ફાલ્ગુન મોદી








