ચાખેલો થાળ અને સૂંઘેલું ફૂલ: ભગવાન પ્રત્યે એક સાચા ભક્તની બાળસહજ જીદની વાર્તા
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ સાધક અવસ્થામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના એક મં

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
સાધક અવસ્થામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના એક મંદિરમાં પુરોહિત તરીકે રહ્યા, એમનું કામ પૂજા અને ભક્તિનું હતું. ભગવાનને ફૂલ ચડાવવાનું કે મીઠાઈનો થાળ ધરાવવાનું કામ એમને કરવાનું હતું.
સ્વામી રામકૃષ્ણના હૃદયમાં તો ભક્તિની છોળો ઊછળતી હતી. મંદિરના ટ્રસ્ટીઓએ વિચાર્યું કે જો આવો ભક્તિભાવભર્યો માણસ હશે તો એમને પણ મુશ્કેલી નહીં પડે. ટ્રસ્ટીઓની પૂજારી રામકૃષ્ણ વિશેની ધારણા થોડા દિવસમાં જ ખોટી ઠરી.
કોઇએ કહ્યું કે આ પૂજારી તો પહેલાં પોતે ભગવાનનો ભોગ ચાખે છે અને પછી ભગવાનને થાળ ધરે છે. બીજો વળી એ શોધી લાવ્યો કે આ પૂજારી પહેલાં પોતે ફૂલ સૂંઘે છે અને પછી પોતે સૂંઘેલું ફૂલ ભગવાનને ચડાવે છે.
વાત ફરતી ફરતી ટ્રસ્ટીઓ પાસે આવી. ટ્રસ્ટીઓ આ સાંભળીને ચોંકી ઊઠયા. એમણે જાત-તપાસ કરવાનું નક્કી કર્યું. ભક્તિમાં તરબોળ એવા રામકૃષ્ણ મંદિરમાં ગાતાં ગાતાં દાખલ થતા હતા અને ટ્રસ્ટીઓ મંદિરના એક ખૂણામાં લપાઈ-છૂપાઈને એમને જોતા હતા.
રામકૃષ્ણએ પહેલો થાળ લીધો અને એમાંથી પોતે પ્રસાદી રૂપે દરેક વાનગી ચાખી. વાનગી ચાખ્યા પછી જ થાળ ભગવાનને ચડાવ્યો.
બરાબર આવું જ બન્યું ફૂલની બાબતમાં. રામકૃષ્ણ પરમહંસે પહેલાં ફૂલ સૂંઘ્યું અને પછી ભગવાનને અર્પવા જતા હતા ત્યાં જ છુપાયેલા ટ્રસ્ટીઓ ધસી આવ્યા અને એમણે રામકૃષ્ણનો હાથ પકડયો અને બોલ્યા,
'તમે આ શું કરો છો ? આ રીતે થાળ એંઠો કરીને ભગવાનને ધરાય ખરો ? ફૂલને સૂંઘો છો શા માટે ?'
પૂજારી રામકૃષ્ણએ કહ્યું, 'તમે જ કહો, ભગવાનને સુવાસ વગરનું ફૂલ ચડાવાય ખરું ? આથી પહેલાં હું સૂંઘી લઉં છું અને પછી જ ભગવાનને ચડાવું છું.'
આ સાંભળીને એક ટ્રસ્ટીનો પિત્તો ગયો. એમણે કહ્યું, 'તમે પૂજારી છો; પરંતુ પૂજાની રીત જાણતા નથી. આવી રીતે પૂજા ન થાય. આપણું એંઠું ભગવાનને ન અપાય.'
રામકૃષ્ણએ કહ્યું, 'કોણે કહ્યું એ એંઠું છે ? હું તો ચાખીને એ જ જોઉં છું કે એ ભગવાનને ચડાવવા યોગ્ય છે કે નહીં ?'
'આવું તો અમે ક્યારેય જોયું નથી.' બીજા ટ્રસ્ટીએ કહ્યું.
રામકૃષ્ણ બોલ્યા : 'માતા બાળકને ખવવડાવતી વખતે પહેલાં ચાખે છે એ તમે ભૂલી ગયા ! હું ચાખ્યા વિના થાળ નહીં ધરાવું કારણ કે એ યોગ્ય હોય કે ન પણ હોય.'
ટ્રસ્ટીઓ રામકૃષ્ણની ભક્તિને સમજી શક્યા નહિ. આમેય જગત અને ભગતને ક્યાં મેળ પડે છે ? પરિણામે રામકૃષ્ણએ ટ્રસ્ટીઓની રજા લીધી. એમણે મનોમન વિચાર્યું કે ટ્રસ્ટીઓની પૂજા અને એમની પૂજા વચ્ચે ભેદ છે. એનો મેળ ક્યારેય નહીં પડે.
ભક્ત પ્રારંભ કરે છે એની ભક્તિથી. પછી એ ભગવાનમાં એટલો એકરૂપ બની જાય છે કે રૂઢ આચારો સાથે એનો કોઈ મેળ થતો નથી. બાહ્ય કર્મકાંડ સાથે એની ભક્તિની તન્મયતા ઘણી વાર બંધ બેસતી નથી. પરિણામે સાચા ભક્તની પૂજા તો રૂઢ પૂજા કરતાં જુદા જ પ્રકારની છે.








