શતરંગ / નાનકડી વાર્તા: નોનવેજ
- થ્રીલ માંગે મોર ‘બોલ બાકી કેમ ચાલે છે?’ અજિતે પ્રિયાંકને કોલમાં સહજતાથી પૂછ્યું. ‘કંઈ નથી સારું ચાલી રહ્યુ

- થ્રીલ માંગે મોર
‘બોલ બાકી કેમ ચાલે છે?’ અજિતે પ્રિયાંકને કોલમાં સહજતાથી પૂછ્યું.
‘કંઈ નથી સારું ચાલી રહ્યું યાર. આ રોહન અને અદિતિનો ત્રાસ વધતો જાય છે.’ પ્રિયાંકે બસમાંથી ઊતરીને ઘર સુધી ચાલતા જતા પોતાની ચિંતા અજિતને જણાવી.
‘કોણ રોહન? તારો રૂમમેટ?’
‘હા, તે જ.’
‘અને આ અદિતિ કોણ વળી?’
‘લે ભૂલી ગયો? તું એકવાર રૂમે આવ્યો હતો ત્યારે રોહનની જીએફ પણ તો રોહનને મળવા આવેલી હતી. આપણે ફરવા પણ ગયા હતા. જોકે એમ તો સમય થયો એટલે કદાચ તને યાદ નહીં હોય.’
‘હા, તો એનું શું?’ અજિતે પૂરી વાત જાણવા માટે પ્રિયાંકને પૂછ્યું.
‘જો તને તો ખબર છે કે મારે એકલા રહેવું છે. પણ યાર હજુ આ કમાણીમાં એકલા રેન્ટ ભરવું પોસાય તેમ નથી. એટલે મારે વગર છૂટકે શેરિંગમાં ફ્લેટ લેવો પડ્યો. પણ મેં શરૂઆતમાં જ રોહનને કહી દીધેલું કે જો ભાઈ મને પાર્ટી કરવી પસંદ નથી, લાઉડ મ્યુઝિક, ઘરે છોકરીઓ કે પછી દારૂ કે નોનવેજ કશું જ પસંદ નથી. રોહને ત્યારે તો બધી જ વાતમાં હા કહેલી…’
‘ઓહ! તો તેણે તને પણ દારૂ ને નોનવેજની લત લગાડી દીધી એમ ને? અને હવે તારાથી એ છૂટતી નહીં હોય.’ અજિત પોતાની ધારણા સાથે વચ્ચે જ ટપકી પડ્યો.
‘શું તું પણ? હું એવું પાપ કરતો હોઈશ? કોઈ મને પરાણે ખવડાવવાની કોશિશ કરે ને તો પણ હું ન ખાઉં. અરે ન ખાઉં શું, હું તો ખવડાવે તેના જ ટુકડા કરીને ફ્રિજમાં ગોઠવી દઉં.’ પ્રિયાંક અજિતની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયો.
‘ભાઈ તું શાકાહારી થઈને પણ બહુ હિંસક હો.’
‘એ જ તો વાત છે. મને નોનવેજ જરા પણ પસંદ નથી. અને આ અદિતિ તેની જોબ માટે શહેર બદલીને આવી કે રોહન પેલીએ ના પાડી છતાં તેને અમારી સાથે રહેવા લઈ આવ્યો છે. અને રોહને તો ઘણા સમય પહેલાં છોડી દીધેલું, એ સાવ અલગ જ ડાયટ પર છે, પણ અદિતિ નોનવેજની જબરી શોખીન છે. તો હવે તકલીફ એ છે કે તેની વાસથી મારો જીવ ગૂંગળાય છે. અને ઉપરથી મારી એકલા રહેવાની ઇચ્છા છતાં એકના બે તો હતા જ, તેમાં હવે ત્રણ થયા.’ પ્રિયાંકે પોતાની પૂરેપૂરી ચિંતા અજિતને સંભળાવી દીધી.
‘તો એ બંને ભલે ને રહેતા. તું ક્યાંક બીજે શિફ્ટ થઈ જા ને.’ અજિતે વ્યવહારુ રસ્તો બતાવ્યો.
‘ના, મેં જ આ ઘર શોધેલું. મને આ જગ્યા બહુ જ ગમે છે. મારા માટે લકી છે. હું છોડી ન શકું. અને આ લોકોને કહું તો કાં એ જાય નહીં ને જાય તો તરત કોઈ ન મળે તો ભાડું માથે પડે. બસ આ અદિતિ કોઈ રીતે અહીંથી જતી રહે ને તો કામ થઈ જાય. કંઈક આઈડિયા આપ ને.’
‘આઈડિયા તો છે. તારી પાસે ફ્રિજ છે ને?’
‘હા, છે ને.’
‘વેરી ગુડ. તો સાંભળ…’
અજિતે પ્રિયાંકને એક ઉપાય બતાવ્યો. એ સાંભળીને પ્રિયાંક અતિશય ખુશ થઈ ગયો. રસ્તામાંથી જરૂરી સામાન ખરીદીને તે સોસાયટીમાં પ્રવેશ્યો. તેણે અજિતનો કોલ કાપીને પોતાની બેગમાંથી ઘરની ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. ફ્રેશ થઈને બહારથી લાવેલી કોલ્ડડ્રીંક તેણે ફ્રિજમાં મૂકી અને જમવાનું ઓર્ડર કરીને તે લેપટોપ પર ક્રિકેટ જોવા બેસી ગયો. ત્યાં જ રોહન અને અદિતિ બહારથી આવ્યા. રોહન પોતાના રૂમમાં ઘૂસી ગયો પણ અદિતિએ બહારથી લાવેલી કપકેક પ્રિયાંક સામે ધરી. પણ પ્રિયાંક જ્યાં તેને મોંમાં મૂકવા જતો હતો ત્યાં જ અદિતિ બોલી ઊઠી, ‘આમાં એગ છે હા. એ તો તુંખાતો જ હોઈશ, પણ આ તો થયું કે તને કહી દઉં.’
આ સાંભળીને પ્રિયાંકને અંદરથી તો બહુ જ ગુસ્સો આવ્યો પણ તેને કાબૂમાં રાખીને તે બોલ્યો, ‘સોરી, હું નહીં લઇ શકું. હું એગ પણ નથી ખાતો. તું ફ્રિજમાં મૂકી દે.’
‘ફ્રિજમાં શું મૂકવી એકમાં? હું ખાઈ જાઉં.’
અદિતિ ખાવા જતી હતી ત્યાં જ પ્રિયાંક બોલ્યો, ‘અત્યારે થોડી ખવાય. રાતે આરામથી ફ્રિજમાં મુકેલી ખાજે, મજા આવશે.’
‘મેં તો આમ પણ ખાધી છે, પણ રોહનને નથી ખાવા દીધી તો તેને ચખાડી દઉં. તે એમ તો એગવાળી વસ્તુ ક્યારેક ખાય છે. રોહન…’ અદિતિએ રોહનને રૂમમાંથી બહાર નીકળવા બૂમ મારી.
રોહન બહાર આવ્યો કે તરત જ પ્રિયાંક ફ્રિજ નજીક પહોંચ્યો અને તેમાંથી પાણીની બોટલ કાઢીને અભિનય કરતો હોય તેમ બોલ્યો, ‘અરે! આ કોલ્ડડ્રીંકની બોટલ હજુ આમાં જ છે? કોઈએ પીધી નહીં?’
‘કોલ્ડડ્રીંક?’ રોહન આશ્ચર્ય સાથે બોલ્યો.
‘આ લે. અદિતિ પી લે. એમ પણ તું ગરમીમાં બહારથી આવી.’ પ્રિયાંક બોલ્યો.
‘એક મિનિટ. આ કોલ્ડ્રિંક તારી નથી. અને હું તો આ વાળી પીતી જ નથી, મને તો ખબર પણ નહોતી કે આમાં હતી. ને રોહન તું ડાયટમાં આ પીવે છે? આમાં કેટલું શુગર હોય ખબર છે ને?’
‘ના મારી નથી આ.’ રોહને પોતાનો બચાવ કર્યો.
‘આપણા ત્રણમાંથી કોઈની નથી તો પછી છે કોની?’ અદિતિએ વાજબી સવાલ કર્યો.
‘ઓહ! મને યાદ આવ્યું. રોહન તારી પેલી એક્ટ્રેસ ફ્રેન્ડની હશે. શું નામ તેનું? હા, અંશિતા.’ પ્રિયાંક યાદ કરવાનો અભિનય કરતા બોલ્યો.
રોહને પ્રિયાંકને આગળ બોલતા અટકવાનો ઈશારો કરવાની કોશિશ કરી, પણ સામે અદિતિની નજર અને પ્રિયાંકની શબ્દવર્ષા જોઈને તે એકદમ ચૂપ થઈ ગયો.
‘પેલી રાતે મોડે સુધી તમે બંને રૂમમાં બેઠાં બેઠાં પીતા હતા ને ત્યારે વધી રહી હશે એ જ કદાચ પડી હશે ફ્રિજમાં.’ પ્રિયાંકે આગળ ઉમેર્યું.
અદિતિએ પ્રિયાંકને પૂછ્યું, ‘ક્યાં સુધી રોકાઈ હતી એ અંશિતા?’
‘હું તો સૂઈ ગયો હતો, પણ રોહન કહેતો હતો કે તે સવારે જ ગઈ હતી.’ પ્રિયાંક નિર્દોષતાના અભિનય સાથે બોલી ગયો.
અદિતિએ હાથમાં રહેલી કપકેક રોહનના મોં પર મારી અને બને તેટલી ઝડપે પોતાનો સામાન પેક કરવા માંડી.
રોહને અદિતિને મનાવવા માટે ઘણી કોશિશ કરી. તે બોલતો રહ્યો કે ‘અમારા વચ્ચે કંઈ નથી થયું. તે માત્ર ફ્રેન્ડ છે. સાંજે અમે એકાદ કલાક બેઠા હતા બસ. આ તો મેં પ્રિયાંક સામે બડાશ મારવા કહી દીધેલું કે અમે દારૂ પીતા હતા અને તે આખી રાત રોકાઈ હતી મારી સાથે રૂમમાં. મારી વાત માન, પ્લીઝ.’
પ્રિયાંકે પણ પોતાનો અભિનય શરૂ રાખ્યો, ‘હા, અદિતિ મને પાક્કી ખબર નથી, આ તો ફક્ત રોહને કહેલું, બાકી મેં કંઈ તેને સવારે જતાં જોઈ નહોતી. અને મને તો એમ કે રોહન અને તારા વચ્ચે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ હશે.’
પણ અદિતિએ બેમાંથી કોઈની પણ વાતનો વિશ્વાસ ન કર્યો અને પોતાના સામાન સાથે દરવાજા બહાર નીકળી ગઈ!
*****
અડધી કલાક પછી પોતાના વેજ ટિફિનની સુગંધ માણતા પ્રિયાંકે અજિતને કોલ લગાવ્યો અને કહ્યું, ‘શું આઈડિયા આપ્યો છે ભાઈ તે સાલી અદિતિને ઘર બહાર કાઢવાનો. બરાબર કામ લાગી ગયો. થેંક્યુ ભાઈ!’
આ સાંભળીને અજિતે અદિતિને પોતાની બાહોમાં વધુ નજીક ખેંચતા કોલ પર પ્રિયાંકને કહ્યું, ‘તું દોસ્ત છે યાર, તારા કામ માટે તો આઈડિયા આપું જ ને!’
- દિવ્યકાંત પંડયા








