શતરંગ / એક નાનકડી વાર્તા: શરૂ
- થ્રિલ માંગે મોર શર્વરી ચોથા માળનો દાદરો ચાર માળ ચડતાં ચડતાં વિચારે ચડી કે આમ તો ચાર માળ કંઈ ન કહેવાય, પણ આ બધે લિફ્

- થ્રિલ માંગે મોર
શર્વરી ચોથા માળનો દાદરો ચાર માળ ચડતાં ચડતાં વિચારે ચડી કે આમ તો ચાર માળ કંઈ ન કહેવાય, પણ આ બધે લિફ્ટની આદત પછી હવે આટલું ચડવું પણ નથી ગમતું. શરીરને થાક ન લાગતો હોય તો પણ મનને એવું લાગે કે થાકી જવાયું. દાદરો ચડીને તેણે મૌલિકના ઘરની ડોરબેલ વગાડી.
મૌલિકે દરવાજો ખોલ્યો કે તરત જ તેને ગાલ પર એક મીઠડી કિસ કરીને શર્વરી સોફા પર બેસતા બોલી, ‘નથી તો તું આ ઘર છોડતો, કે નથી તારું બિલ્ડીંગ જલ્દી રિડેવલ્પમેન્ટમાં જતું. મને આ લિફ્ટ વગર નથી ફાવતું, મૌલી.’
‘રિડેવલેપમેન્ટમાં જવામાં જ છે. બાજુની સોસાયટીની મિટિંગ કાલે જ થઈ. જલ્દી અમારો પણ વારો છે જ, શરૂ. મને એમ કે ત્યાં સુધી અહીં રહી લઉં. આમ પણ છોડવાનું નક્કી જ તો છે.’ મૌલિકે તેને ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢીને આપતા કહ્યું.
‘હા આમ જ છોડીશ તું, એમ તો છોડવાનો તારો ક્યાં પ્લાન છે જ.’ શર્વરી નિરાશાના સૂરમાં બોલી.
‘યાર શરૂ, પાછો એ ટોપિક? મને ન રહેવા દે લિવ-ઇનમાં. કાલે જ મમ્મીએ ફોનમાં કહ્યું કે લગ્ન પહેલાં છોકરી સાથે જે ખોટું કરે ને એના માટે નવા પ્રકારના પાપની યાદી આપી છે પંડિતજીએ. આ પંડિતજીની બૂંદિયાળ વાતો સાચે મને જીવનમાં કંઈ કરવા જ નથી દેતી.’
‘અભય અને રાધિકા રહે જ છે ને. તે બંનેના ઘરે પણ તારી જેમ જ છે. તેમના પેરેન્ટ્સ કંઈ એમ નથી કહેતા કે જાઓ બેટા જે કરવું હોય તે કરો. તો પણ એ બંને રહે છે ને ચાર મહિનાથી જોડે? મને તો ક્યારેક એમ લાગે છે કે તને જ ઈચ્છા નથી.’
મૌલિક શર્વરીના હાથમાંથી પાણીની બોટલ લઈ કોફી ટેબલ પર મૂકીને તેની બાજુમાં બેઠો, ‘માંડ એક સન્ડે મળ્યો છે આપણને. તેને સ્પેશ્યલ બનાવવાના બદલે તારે સાચે આ જ વાતો કરવી છે?’
શર્વરી સ્નેહભરી નજરે મૌલિક સામે જોતા બોલી, ‘કરવી તો છે. પણ આ નહીં, પ્રેમની વાતો.’
આમ કહી શર્વરીએ મૌલિકનો હાથ પકડી લીધો અને તેના ખભે માથું રાખીને તેને ગમતું એક પ્રેમભર્યું ગીત ગણગણવા લાગી. મૌલિક પણ કંઈ જ બોલ્યા વિના તેની બાજુમાં બેસી રહ્યો. શર્વરી ગીતની મજામાં આંખ બંધ કરીને મૌલિકના હાથને વધુ જોરથી વળગી પડી. મૌલિકને શર્વરીના પ્રેમનો ઊભરો સમજાતો હતો. પણ તેના ફોનમાં નોટિફિકેશન આવી અને તેણે ફોન હાથમાં લીધો.
‘શું થયું?’ શર્વરી બોલી.
‘ઓફિસ ગ્રુપમાં મેસેજ છે.’ મૌલિકે ચહેરા પર નારાજગી દર્શાવી.
‘સન્ડે છે આજે. મૂકી દે ફોન પાછો.’
‘વીડિયો મીટ રાખી છે અર્જન્ટ. પણ ઠીક છે હું મેસેજ ચેક જ નહીં કરું.’ મૌલિકે ફોન પાછો મૂકી દીધો.
શર્વરી ખુશ થતા બોલી, ‘ચા પી લેવી છે કે પછી?’
‘પી જ નાખવાની હોય ને. પણ આજે તારો વારો. તને ખબર તો છે કે મને તારા હાથની મધવાળી ચા વધુ ભાવે.’
‘ને મને તારા માટે બનાવેલી મધવાળી ચા વધુ ભાવે!’ આમ કહીને શર્વરી મૌલિકનો હાથ છોડીને મલકાતી કિચન તરફ ગઈ.
તેણે ચા બનાવવાની શરૂઆત કરી ત્યાં જ મૌલિક્ના ફોનમાં તેના બોસનો કોલ આવ્યો. શર્વરીના ચહેરા પરનો મલકાટ ગાયબ થઈ ગયો. મૌલિકને બોસને બધી વાતે હા પાડતા સાંભળીને શર્વરીને ખ્યાલ આવી ગયો કે તેનો રવિવાર બગડવાનો.
મૌલિકે ફોન મૂકીને શર્વરીની પાસે આવીને કહ્યું, ‘શરૂ, યાર મિટિંગ અટેન્ડ કરવી પડશે. બોસ કહે છે કે નવો ક્લાયન્ટ છે તો તેને ના નહીં પાડી શકાય.’
શર્વરીએ કંઈ જવાબ ન આપ્યો.
‘સોરી, શરૂ! હું જલ્દીથી પતાવી દઈશ બસ.’ મૌલિક શર્વરીને ગાલ પર કિસ કરીને અંદરના રૂમમાં લેપટોપ ખોલીને બેસી ગયો.
શર્વરી તેને ગમતું એક દુઃખી ગીત ગણગણતી ચા બનાવવા લાગી. પણ થોડીવારે તેમની નક્કી જગ્યાએ ચા માટે મધની બોટલ તેણે શોધી પણ ન જડી, એટલે બે ક્ષણ વિચારીને તેણે નાછૂટકે રૂમમાં જઈને મૌલિકને મધની બોટલ માટે ઈશારો કર્યો.
મૌલિકે વીડિયો મીટ મ્યુટ કરીને તેને જવાબ આપ્યો, ‘ઓહ! નવી બોટલ મંગાવી હતી ને તો એ હોલમાં ડ્રોઅરમાં મૂકાઇ ગઈ હશે.’
શર્વરીએ મૌલિકને થમ્બ્સ અપનો ઈશારો કર્યો અને કિચનમાં ચાની તપેલી સામે ધ્યાન રાખતાં રાખતાં હોલમાં ડ્રોઅરમાં તે બોટલ શોધવા લાગી. તેનું દુઃખી ગીત ગણગણવાનું તો શરૂ જ હતું. પણ અચાનક તેને ગીત બદલવાનો અવસર મળી ગયો. ડ્રોઅરમાં મધની બોટલ પાસે જ એક નાનકડા બોક્સમાં છોકરીઓ માટેની અતિ સુંદર ચાંદીની વીંટી તેને દેખાઈ. શર્વરીના મનમાં તરત જ એ વિચારે ખુશી વધારી દીધી કે મૌલિક તો લિવ-ઈન નહીં, સીધા લગ્ન માટે જ વિચારી રહ્યો હતો. આટલી ખૂબસૂરત વીંટી દ્વારા મૌલિક તેને લગ્ન માટે સરપ્રાઈઝ પ્રપોઝ કરવાનો છે એ વાતે તેના મનમાં એક ગમતું લગ્નગીત જોરથી વાગવા માંડ્યું.
ચાંદીની એ રૂપકડી વીંટીને આંગળીમાં પકડીને નાચતાં જ તેના મનમાં એક બહેતર વિચાર આવ્યો કે મૌલિક તેને સરપ્રાઈઝ આપવાનો નથી, પણ આ જ સરપ્રાઈઝ છે. કદાચ મૌલિક ઈચ્છતો હતો કે તે જાતે જ વીંટી શોધી લે. મૌલિકના બોલાયેલા વાક્યો એક પછી એક તેના મનમાં દોહરાવા લાગ્યાં, ‘સન્ડેને સ્પેશ્યલ બનાવવો છે’, ‘મને તારા હાથની મધવાળી ચા વધુ ભાવે’, ‘મધની બોટલ ડ્રોઅરમાં છે’. શર્વરીએ આ બધા જ મણકા જોડ્યા તો તેને લાગ્યું કે આજે સન્ડે સ્પેશ્યલ આ મોટી સરપ્રાઈઝ હતી, તેને ચા બનાવવા કહ્યું ને એ માટે મધની બોટલ વીંટી પાસે રાખી કે જેથી તે વીંટી સુધી સીધી જ પહોંચે.
મૌલિકે જલ્દી વીડિયો મીટ પતાવી અને સાથે શર્વરીએ પણ આજે ખાસ વધુ ગળી બનાવેલી ચા બંને માટે ટ્રેમાં ટેબલ પર મૂકી.
મૌલિક ચાનો કપ લેવા જાય એ પહેલાં જ શર્વરી હાથમાં છૂપાવેલી વીંટી બતાવીને મૌલિકને જોરથી ભેટી પડી, ‘યસ્સ…યસ્સ...યસ્સ…મૌલી!’
શર્વરીએ ખુશીની ચરમસીમામાં મૌલિક્ના આખા ચહેરાને ઝડપથી ચૂમી લીધો. મૌલિકે ચહેરા પર સ્મિત રાખીને પોતાને થોડો સ્વસ્થ કર્યો.
મૌલિકે શર્વરીના ઉન્માદને હળવો કરવા કહ્યું, ’સાંભળ…સાંભળ…’
‘મારે કંઈ જ સાંભળવું નથી. તું બોલે એ પહેલાં જ હું કહી દઉં છું…લવ યુ ટુ!’ શર્વરી જોરથી બોલી ઊઠી!
ત્યાં જ મૌલિકના ફોનમાં અભયનો કોલ આવ્યો. તેણે શર્વરીને પોતાનાથી થોડી દૂર કરીને કોલ ઊઠાવ્યો.
અભયે કોલમાં કહ્યું, ‘હેલ્લો ભાઈ, આજ સાંજનો પ્લાન છે. હું ચારેક વાગે મારી વીંટી લઇ જઈશ. રાધિકા માટે મસ્ત સરપ્રાઈઝ પ્લાન કરી છે.’
‘વીંટી તો હવે નહીં મળે ભાઈ.’ મૌલિકે કિચન તરફ ચાલતા કહ્યું.
‘કેમ, શું થયું?’
‘બહુ મોટો લોચો પડી ગયો યાર. તારીવાળી વીંટી શરૂ…અરે શરૂ શું…શર્વરીના હાથમાં આવી ગઈ. તેને થયું કે એના માટે છે. એ તો પાગલ થઈ ગઈ છે.’ મૌલિકે સોફા પર વીંટીને જોતી ઊછળતી શર્વરી સામે નજર કરીને અભયને કોલમાં કહ્યું.
‘ઓહ! તો તારો બ્રેકઅપનો પ્લાન?’
‘કેન્સલ!’
- દિવ્યકાંત પંડ્યા








