શતરંગ / સાઈડ બિઝનેસ
- સહજને કિનારે મને કેમ પકડીને અહીં કાળી કોટડીમાં લાવ્યા છો? મેં શું તમારું બગાડ્યું છે? કોણ છો તમે? ચૂપ સાલ્લા. જેકીભાઈ આવે છે

- સહજને કિનારે
મને કેમ પકડીને અહીં કાળી કોટડીમાં લાવ્યા છો? મેં શું તમારું બગાડ્યું છે? કોણ છો તમે?
ચૂપ સાલ્લા. જેકીભાઈ આવે છે. એ કહેશે, તે શું બગાડ્યું.
ખૂરશીમાં બેઠેલા જીગરને ભરી ઠંડીમાં પણ પરસેવો થતો હતો. બાંધેલો ન હતો છતાં તેના હાથ અને પગ ખુરશી સાથે બાંધી દીધા હોય એવું લાગતું હતું. તે પહેલા તો થોડું યાદ કરી લેવા માંગતો હતો કે તેનાથી ભૂલ શું થઈ હતી? પણ મગજ પણ જાણે
કોઈએ બાંધી લીધું હોય એવું લાગતું હતું!
હજુ આ બધી ગડભાંજલ મન સાથે ચાલતી જ હતી કે સફેદ કપડા વાળો ભાઈ પ્રવેશે છે. અને આવતા વેંત જ જીગરને એક જબરી થપાટ મારી કે જીગરને ઘડીભર દિવસે પણ તમરાનો અવાજ સંભળાયો હશે કારણ કે જેકીભાઈના પાંચેય હાથના આંગળા વીંટીના કાપા સહીત તેના ગાલ પર દેખાતા હતા.
તેની સામે એક ખૂરશી રાખવામાં આવી જેમાં જેકીભાઈ બેઠા અને તે તેના માણસો સામે જોઈને બોલ્યોઃ આ ચીરકૂટ હતો? આના માટે મને અહીં સુધી બોલાવ્યો. આ તો કોઈ નવરી પ્રજાતિ - ‘બુદ્ધિજીવી’ની મંડળીનો લાગે છે.
જેકીભાઈ સાથે તેના માણસો પણ હસવા લાગ્યા.
થપાટની કળ વળતા જ જીગર આંખમાં ઝળઝળિયા સાથે બોલ્યોઃ પણ મારો વાંક શું છે? અને તમે કોણ છો?
બતાવ, એય આને એલા...
જેકીભાઈએ ખૂરશીમાંથી ઉભા થઈ રાડ નાખી અને પછી સીગારેટ સળગાવી.
તેના એક માણસે પોતાના ફોનમાંથી એક પછી એક જીગરે કરેલી કોમેન્ટના સ્ક્રીનશોટ બતાવ્યા. આ કોમેન્ટ્સ તેણે રમત રમતમાં જ કોઈને હેરાન કરવા માટે કરેલી. કોઈ ડોક્ટરને હેરાન કર્યા હતા એવું કહીને કે આ ખોટી દવાઓ વાપરે છે. વેપારીની
સંગ્રહખોરી વિશે વાત લખી હતી, પોતાની વોલ પર તો વળી કોઈ શાળાના સંચાલકો પર આંગળી ઉઠાવી હતી. કોઈ પોલીસને લાંચ લે છે એવી વાત સરેઆમ લખતો તો વળી કોઈ પત્રકાર પૈસા લઈને લખે છે એવું દર્શાવેલું. આમ તે કોઈને પણ છોડતો
ન હતો. તેના માટે તો એ રમત હતી. કોઈક તેની અડિયે ચડવું જોઈએ.
આ બધા સ્ક્રીનશોટ જોઈને એની જાણે નિંદર ઊડી ગઈ. તેને સુસુ લાગવા માંડી હોય તેમ પેટ પકડીને બેસી પડ્યો. જેકી સિગારેટનો કસ ખેંચતા ખેંચતા બોલ્યોઃ ચ#$@, હજમ ન થાય તો પીવાય નહીં ને પીવું જ હોય તો પીયને સૂઈ જવાય. આ રીતે સામાન્ય જનતાને હેરાન ન કરાય.
મેં તમને ક્યાં હેરાન કર્યા? તમે કોણ છો એ જ ખબર નથી તો ?
ફરી એક બીજા ગાલ પર થપાટઃ ભ#$@, મારે એ રાહ જોવાની કે તું મારા વિશે લખ તો જ હું તને સીધીનો કરું. અને લખ્યું એટલે જ તને પકડ્યો છે.
શું?
જેકીના માણસે ફરી બીજા સ્ક્રીનશોટ કાઢ્યા અને તેમાં તેણે એટલું જ લખ્યું હતું કે કોણ કોણ રાજકારણીઓ પીવા જાય છે તેની તેને ખબર છે. મારું કામ નથી કરી દેતા તેના પૂરાવા સાથે ફોડીશ.
એ તો મેં અમસ્તા જ – જીગરનું વાક્ય એમનેમ રહ્યું અને જેકીએ ફરી એક થપાટ ચડાવી દીધી. રાતે બસ ટાઈમ પાસ કરું છું ને સાચું બોલું છું.
ઓહોહોહો... જાણે હરિશ્ચંદ્રનો અવતાર લાગે છે આ. ઠોક એક.
અને જેકીના માણસે એક હોકી પગમાં મારી.
હવે કાયદેસર રડવું આવી ગયું. બોલ્યોઃ મારા કામ જ્યાં અટકી પડે તેનો ક્રોધ મારા મગજમાં ભરાઈ જાય છે. મારી પાસે કોઈ સપોર્ટ નથી. નથી રાજકીય કે નથી કાયદાકીય. હું મધ્યમવર્ગનો માણસ છું. હું રાતે પી લઉં પછી મારું ફસ્ટ્રેશન કાઢી નાખું છું. કોઈને હેરાન કરવાનો મારો ઈરાદો જરાય નથી. તમે કહો તો ભરબજારે માફી માગી લઉં. પણ તમે છો કોણ એ તો કહો? કોણે તમને ફરિયાદ કરી?
જેકીભાઈ.
જેકીએ, ઊંચી ચડાવેલી શર્ટની બાંયને ફરીથી બટન દેતા કહ્યું. પૂરી થઈ રહેલી સિગારેટને ફેંકી અને જીગરના કોલર સરખો કરતા બોલ્યોઃ હું આઈ.ટી. એન્જિનિયર છું. ડિ.કે.ભાઈ માટે કામ કરું છું, પણ આ મારો સાઈડ બિઝનેસ છે. સોશિયલ મિડિયા
પર નિર્દોશ માણસોને જે કારણ વગર કનડે તેને કોઈ ફરિયાદ વગર જ બોલાવીને ઠેકાણે લાવું છું. તું બહુ કુદતો હતો એટલે થયું તારી ઓકાત પણ દેખાડી દઉં. કાલથી ઘર પરિવાર સાથે રહેવાનું શરુ અને સોશિયલ મિડિયા પર આવી કોઈ હરકત નહીં. નહીં તો આ જગ્યા એવી છે જ્યાં બધા આવે છે પણ જઈ નથી શકતા....
જેકીના માણસોનું અટ્ટહાસ્ય ફરીવળે છે.
જેકીભાઈને જીગર હાથ જોડે છે. જેકીએ પાછળ કોલરમાં ભરાવેલા ચશ્મા કાઢ્યા ને પહેર્યા. માણસોને કહ્યું આને કંપનીએ પહોંચાડી દેજો. પછી બારણા સુધી ગયો અને પાછો વળીને જીગરને પૂછ્યુઃ કોણે ફરિયાદ કરી હતી? એવો તારો પ્રશ્ન હતોને છેલ્લો?
ના. મારે નથી જાણવું માયબાપ...
ફેરવીને એક ઝાપટ જેકીએ વળગાડી. જીગરના મોઢામાંથી લોહીની ટશર ફૂટી ગઈ. પછી તેના કાન પાસે જઈને ધીમેકથી કહ્યુઃ તારી પત્નીએ. ટાઈમ આપતો જા, ચ#$@.
- આનંદ ઠાકર








