મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / એક નાનકડી વાર્તા: લગન

A short story: Marriage Divyakant Pandya | - થ્રિલ માંગે મોર ‘નહીં એટલે નહીં. ચોવીસ કંઈ ઉંમર કહેવાય લગ્નની? ને કંઈક ઓળખાણ કે પસંદ પણ જોઈ

શતરંગ / એક નાનકડી વાર્તા: લગન

- થ્રિલ માંગે મોર 

‘નહીં એટલે નહીં. ચોવીસ કંઈ ઉંમર કહેવાય લગ્નની? ને કંઈક ઓળખાણ કે પસંદ પણ જોઈએ ને. ને એ રહેય છે ક્યાંય છેક, મળવાની તો વાત જ દૂર.’ અરવિંદે બાપાને લગ્ન માટે સાફ ના પાડી દીધી.

‘અરે પણ ગામના તારા જેવડા બધા જવાનડા ક્યારના પરણી ગયા છે. ને તું સાવ આવી રટ લઈને બેઠો છે. આ હું ને તારી મા પરણ્યા ત્યારે કંઈ જોયું હતું આ પસંદ ને પ્રેમ ને બધું? પૂછ તો.’ ધરમશીભાઈએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

અરવિંદે સામે બેઠેલા પોતાના બા સામે નજર કરી, પણ તેઓ કશું બોલ્યાં નહીં એટલે અરવિંદે કહ્યું, ‘હા, પણ હું તો વાતચીત થશે, લાગણી જોડાશે ને એના પોતાના પણ વિચારો ને સપનાંઓ હશે તો જ લગન કરીશ…’  અરવિંદ ઓસરીએથી ઊતરીને ફળિયામાં ચપ્પલ પહેરવા લાગ્યો.

‘કેવું બોલે છે આ છોકરો. અલ્યા માંગુ સારું જ છે. આઘેના ખરા, પણ આપણી નાતના છે. વાત તો સાંભળ…’ ધરમશીભાઈ બોલતા રહ્યા પણ અરવિંદ ડેલા બહાર નીકળી ગયો.

ચાલતો ચાલતો તે જગદીશના ખેતરે પહોંચ્યો. ત્યાં ખાટલો ઢાળીને લીમડાંના છાંયે બેઠેલી દોસ્તાર મંડળી સામે તેણે પોતાની વાત મૂકી.

‘તારી જગ્યાએ હું હોઉં ને તો હું તો હા જ પાડી દઉં.’ લાલાએ ઉત્સાહમાં આવીને કહ્યું.

‘તું પરણેલો છે ભાઈ, ભૂલી ન જા.’ જગદીશે હસીને કહ્યું.

‘તું કંઈક કે જગદીશ? તું તારી વહુનો બહુ કકળાટ કરે. કંઈક રસ્તો બતાવ.’ અરવિંદે જગદીશને પૂછ્યું.

‘મારી પાસે એક મસ્ત પ્લાન છે.’ જગદીશ કંઈ બોલે એ પહેલાં રમણે બોલવાનું શરૂ કર્યું.

‘શું છે પ્લાન?’ લાલાએ પૂછ્યું.

‘તું તો ટપાલવાળો છે, અરવિંદ. તને ખબર જ હશે લૂંટેરી દુલ્હન ગેંગ વિશે.’ રમણે કહ્યું.

‘ઓલી લગન કરીને એકાદ-બે દિવસમાં છોકરી ઘરમાંથી ઘરેણાં ને પૈસા ને બધું લૂંટીને ભાગી જાય એ જ ને?’ લાલાએ કહ્યું.

‘હા, એ જ.’ રમણે જવાબ આપ્યો.

‘હા, તો પ્લાન શું છે?’ અરવિંદે ધીમેથી રમણને પૂછ્યું.

‘પ્લાન એવો છે કે તું  ધરમશી કાકાને લગન માટે હા પાડી દે.’

‘હેં? અલ્યા એને નથી કરવા. એવું હોય તો તું જ કરી લે.’ જગદીશ વચ્ચે બોલ્યો.

‘મારે તો કરવા જ છે. પણ અત્યારે મારી પૂરી વાત સાંભળો.’ રમણ ખિજાઈ ગયો.

‘હા, બોલ.’

‘તું લગન કરી લે. પહેલી જ રાતે આપણે તારી ઘરવાળીને ક્યાંક બીજા રાજ્યમાં આઘે મૂકી આવીશું. ને તારે ઘરેણાં ને પૈસા ઘરેથી લઇ લેવાના. પણ બધે કહેવાનું એમ કે લૂંટેરી દુલ્હન ગેંગ બધું લઈને જતી રહી. હા, છોકરીને થોડા ઘણા પૈસા આપવા પડશે. પણ પછી જો તારા બાપા કોઈ દિવસ લગનનું નામ લે તો.’ રમણ ખુશ થતા બોલ્યો.

લાલો કહે, ‘એમ બુદ્ધિ લગાવી હો રમલા તે.’

‘ખાક બુદ્ધિ લગાવી? હું મારાં જ ઘરે ચોરી કરું એમ?’ અરવિંદે તાર્કિક સવાલ કર્યો.

‘લે, તને તારા બાપા ઉપર દાઝ નથી?’ રમણ બોલ્યો.

‘એ તો લગનનું દબાણ કરે એટલે છે. પણ એનો અર્થ એ નહીં કે હું મારાં જ ઘરમાં ચોરી કરું.’ અરવિંદે યોજનામાં મોટી ભૂલ બતાવી આપી.

‘એક કામ થઈ શકે. થોડા દિવસ પછી છે ને આપણે પોલીસને કહેવાનું કે અમે તપાસ કરી ને અમને એ ગેંગનો પત્તો મળી ગયો. અમે ઘરેણાં ને પૈસા તો લઈ લીધા, પણ ગેંગને અમે તમારી પાસે લાવીએ ત્યાં જ એ છટકી ગઈ.’

‘મતલબ ધરમશી કાકાને બધું પાછું આપી દેવાનું. એટલે ચોરી પણ ન કહેવાય.’ જગદીશે પ્લાનની વધુ સમજ પાડી.

‘બોલ છો તૈયાર, અરવિંદ? પરફેક્ટ પ્લાન છે.’ રમણે અરવિંદને પાનો ચડાવતા કહ્યું.

અરવિંદે વિચારશીલ મુદ્રામાં જ હકારમાં માથું ધુણાવ્યું.

‘રાજસ્થાનમાં મારી ઓળખાણ છે. તારી વહુને પહોંચાડવાની જવાબદારી મારી. વાહ, શું પ્લાન બનાવ્યો છે રમલા તે.’ રમણે ખુદની જ પીઠ પર શાબાશી આપતા કહ્યું.

*****

રાતે જાન અરવિંદના ઘરે પાછી આવી. આખરી વિધિઓ પતાવીને અરવિંદ અને તેની પત્ની પુષ્પા પોતાના રૂમમાં ગયાં. પ્લાન કંઈક બીજો જ હતો એટલે દોસ્તારોએ સુહાગરાત માટે રૂમની સજાવટ માપમાં જ કરી હતી. પુષ્પા પલંગ પર બેઠી હતી. અરવિંદ પાસે જઈને બેઠો, પણ તેનું ધ્યાન ફોનમાં જ હતું. તેને પુષ્પા સાથે વાત કરવાની કોઈ જ ઉતાવળ નહોતી. આમ પણ ધરમશીભાઈએ લગ્ન એટલી જલ્દીમાં કરાવ્યા હતા કે બંને એકબીજા સાથે ઔપચારિકતા પૂરતી માંડ એક-બે વાર ફોનમાં વાત કરી શક્યા હતાં. અરવિંદના ફોનમાં લાલાનો મેસેજ આવ્યો કે બહાર બધા સુઈ ગયા છે, અમે આવીએ છીએ. અરવિંદે જવાબમાં અંગૂઠો મોકલ્યો અને હળવેથી દરવાજો ખોલ્યો. રમણ અને લાલો અંદર આવ્યા અને જગદીશ ઘરની બહાર જ ડેલે ધ્યાન દેતો ઊભો રહ્યો.

‘ચાલ ચાલ જલ્દી કર.’ રમણે અરવિંદને ઉતાવળ કરવા કહ્યું.

પુષ્પા રમણ અને લાલાને રૂમમાં આવેલા જોઈને ગભરાઈને પલંગ પરથી ઊભી થઈ ગઈ. 

‘પુષ્પા, વાત જાણે એમ છે કે આ લગન તો ખાલી એમ જ કર્યા છે. આપણે કંઈ એકબીજાને પ્રેમ તો કરતા નથી. તો છે ને પ્લાન એવો છે કે હું તને થોડાક પૈસા આપું છું. તું આ રમણ સાથે જા, એ તને થોડા દિવસ માટે ક્યાંક આઘે રહેવાની વ્યવસ્થા કરી દેશે. પછી તું છૂટ્ટી.’ અરવિંદે ઝડપથી આખી વાત પુષ્પાને સમજાવી અને પલંગના ખૂણે પડેલી પૈસાની મોટી થેલી રમણને બતાવી..

‘ના.’ પુષ્પાએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.

‘અરે, ના શું? ગાડી વાટે છે.’ બેબાકળો રમણ દરવાજા તરફ જોતા બોલ્યો.

પુષ્પાએ ત્રણેની સામે જોઈને પૂછ્યું, ‘આ આખી વાર્તામાં અરવિંદની પત્નીનો એકપણ ડાયલોગ વિચારેલો?’

રમણ, અરવિંદ અને લાલો ત્રણેયે એકબીજા સામે જોયું. 

‘ઓત્તારી! આ તો પ્લાનમાંથી સાવ રહી જ ગયું.’ લાલાને પ્લાનની પાયાની ભૂલ સમજાઈ.

પુષ્પાએ નીડરતાથી રમણ અને લાલા સામે જોઈને કહ્યું, ‘તો હવે રૂમમાંથી નીકળો, મને ઊંઘ આવે છે.’

આ સાંભળીને લાલો ભોંઠપમાં તરત જ રૂમમાંથી બહાર નીકળી ગયો.

‘એમ તો કેમ ચાલે. મારું કેટલું મન હતું આ પ્લાનને સફળ બનાવવાનું. અરવિંદ પૈસા લાવ. ચાલ…’ આમ કહીને રમણે ગુસ્સામાં પુષ્પાનો હાથ પકડ્યો.

પુષ્પાએ અરવિંદની સામે જોયું એટલે તે બોલ્યો, ‘રમણ રહેવા દે. કંઈક વિચારીએ.’

પણ રમણના ખેપાની મગજમાં અરવિંદ કે પુષ્પાનો વિચાર જ નહોતો. તે શક્ય એટલા ધમકીભર્યા અવાજે બોલ્યો, ‘પૈસાની થેલી આપ અરવિંદ. આને મૂકવા જવી છે.’

અરવિંદ હેબતાઈ ગયો છતાં તેણે બળ કરીને પુષ્પાનો હાથ છોડાવ્યો. તો રમણે પલંગ પરથી પૈસાની મોટી થેલી લઇને તેને અરવિંદના માથા પર જોરથી મારી. અરવિંદ પલંગ પર પડ્યો એવો જ જાણે બેભાન થઈ ગયો. 

પુષ્પા રમણ સામે જોઈને બોલી, ‘પ્લાન પૂરો કરવો છે ને? ચાલ.’

તે રમણનો હાથ પકડીને દરવાજા બહાર નીકળી ગઈ.

*****

સવારે હોશમાં આવતા અરવિંદ રૂમમાંથી બહાર નીકળ્યો કે તેના બાએ પૂછ્યું, ‘બેટા, વહુ ઊઠી નથી હજુ?’

ત્યાં જ દાંતણના બે કટકા કરતી પૈસાની થેલી સાથે ડેલામાં બેબાક અદામાં પ્રવેશતા પુષ્પા બોલી, ‘આ રહી, બા. જરા દાંતણ તોડવા ગઈ હતી બહાર.’

ત્યાં જ અરવિંદના ફોનમાં લાલાનો મેસેજ આવ્યો કે રમણનો ફોન નથી લાગતો. અરવિંદ ચોંકીને પુષ્પા સામે જોઈ રહ્યો!

- દિવ્યકાંત પંડયા

આ સમાચાર શેર કરો