શતરંગ / નાનકડી વાર્તા: હોલવાતું સ્મિત
- સહજને કિનારે ઈશાંતના શ્વાસ ઘૂંટાતા જતા હતા. બધું ઝાંખુંપાંખું થઈ ગયું હતું. તેના નાકમાં, મોઢામાં પાણી જતાં જાણે

- સહજને કિનારે
ઈશાંતના શ્વાસ ઘૂંટાતા જતા હતા. બધું ઝાંખુંપાંખું થઈ ગયું હતું. તેના નાકમાં, મોઢામાં પાણી જતાં જાણે શરીર પાણીમાં તરબતર થતું જતું હતું! ફેફસામાં પાણી ભરાતાં જ મગજ ખાલી જેવું થવા લાગ્યું. ત્યાં કોઈ તેને અડ્યું હોય તેવું લાગ્યું. પાણીમાં અડેલા હાથ તેને ઠંડા કે ગરમ કોઈ પણ પ્રકારના ન લાગ્યા, પણ તેની પાણી ભરાઈ જવાથી ફૂલતી આંખોની, હોલવાતી નસોએ માંડ મગજને સંદેશ પહોંચાડ્યો કે તે નંદિતા હતી.
મગજે પ્રયત્ન પણ કર્યો કે તે તેની પાછળ શા માટે પાણીમાં પડી? પણ અત્યારે તેનો મગજની તર્કશક્તિનો ભાગ બંધ પડી જતો હતો. તેનું હૈયું કહેતું હતું કે વળગી પડ... તે પાણીમાં તરફડતો વળગી પડ્યો... નંદિતા તેના ગળે વળગી પડી તેનું તેને છેલ્લું સ્મરણ રહ્યું હતું. શ્વાસે હૈયાનું સરનામું ભૂલી દીધું હતું. થોડીવારમાં હૈયું બંધ થવા લાગ્યું.
આવી જ સ્થિતિ નંદિતાની હતી... થોડીવારમાં બન્ને પાણીમાં ઊંડે ઉતરતા જતાં હતા, માછલીઓ તેના શરીરને સ્પર્શીને પસાર થતી જતી હતી. એક વડવાઈ જેવું જાળું હતું વનસ્પતિનું જ તો, બસ તેમાં બન્ને વિંટળાતા જતાં હતાં! થોડીવારમાં આંખો ફાટી ગઈ... શૂન્ન થઈ ગયું બધું... ભયંકર પ્રકાશ અને પછી ગાઢ અંધકાર...
*****
‘‘ મેડમે પહેલા તને આ બૂક આપી, મને ન આપી…’’
‘‘જે સ્માઈલ ન કરે તેના માટે આ બૂક નથી.’’ નંદિતાએ આવું કહીને બૂકના પાના ફેરવ્યા અને ઈશાંત સામે મારકણું હસી. કદી મોઢું ચઢાવીને ઈશાંત બેસે તે તેને હરગીઝ પસંદ ન હતું. સામાન્ય રીતે છોકરીની સ્માઈલ પર છોકરો ફીદા થાય પણ એક વાર ફેસબુકમાં ઈશાંતની સ્માઈલ જોઈ ગયેલી નંદિતા ઈશાંત પાછળ ઘેલી હતી, પણ હમણાં થોડાં વખતથી ઈશાંતનું મોઢું ખીજમાં તણાયેલું જ રહેતું હતું.
ઈશાંતથી આછ્છું હસાઈ જવાયું. દરિયા પરથી વાતો પવન ત્રણ-ચાર વાગ્યાના રોંઢાવેળાએ સાંજની ખુશ્બૂ ફેલાવતો હતો. નંદિતા બસ ઈશાંતને જોતી જ રહી હતી. તે દરિયાની એવી ખીણ પાસે બેઠા હતા કે ત્યાં ઉછળતા મોજાના ફીણ ક્યારેક ક્યારેક છેક આ બન્ને પર પણ આવી જતા હતા. ઈશાંત પોતાની આંખના બન્ને ભવા તંગ કરી, આંખોને ઝીણી કરી દરિયામાં દૂર દૂર સુધી જોતો હતો.
‘‘તું ખુશ રહી શકે છે, કારણ કે તું જાણતી નથી કે આપણે એક દિવસ તો અલગ થવાનું જ છે.’’
થોડીવાર તો નંદિતા કશું ન બોલી પણ પછી નંદિતાને થયું કે જો તે કંઈ નહીં બોલે તો ઈશાંત પોતે જ બોલેલા વાક્યમાં વધુ ગૂંચવાશે....
‘‘ઓહોહહો... તો મારા ત્રિકાળજ્ઞાની જ્યોતિષરાજ, મને જણાવશો કે આપણે ક્યારે છૂટા પડવાના છીએ?’’
એજ તંગ ચહેરાથી ઈશાંતે નંદિતા સામે જોયું, નંદિતાના સ્મિત સામે તેના હોઠ પણ થોડાં ખૂલ્યા… તે નંદિતાની આંખમાં જોવા લાગ્યો. તે પથ્થર પર ઢળેલો હતો ત્યાંથી જરા ઉભો થઈ નંદિતાની લગોલગ આવ્યો અને નંદિતાના ચશ્મા કાઢી લીધા, તેની આંખોમાં આંખો પરોવી; વળી ચશ્મા લઈ થોડો નીચે જ્યાં પહેલા લેટ્યો હતો ત્યાં પડ્યો અને નંદિતા સામે જોઈ રહ્યો, તેના ચહેરાને જોતો: સતત સ્મિતથી ફૂલી ગયેલા તેના ગાલના ઉપરના ભાગ જોયાં, દાંતની હરોળમાં હોઠના ખૂણા પરનો એક દાંત ઉપરચઢી ગયેલો તેથી તેની સ્માઈલ ઈશાંતને વધારે મારકણી લાગતી હતી. ચશ્માને કારણે ઊંડી ઉતરી ગયેલી આંખો જોઈ, સુકાયેલા- છતાં લાલ હોઠ જોયાં, પોપચાં પર દેખાતી કોમળતા જોઈ. ફરી આંખની કીકી જોઈ...આ બધું થોડીક ક્ષણોમાં બની ગયું....પણ આટલી વારમાં તો નંદિતાના મુખ પર સતત રમતું સ્મિત પણ હોલવાતું જતું હતું. ઈશાંતે દરિયામાં દૂર ક્ષિતિજ તરફ જોઈને કહ્યુઃ
‘‘બારમા ધોરણ પછી શું કરવાની, તું?’’
જાણે સાવ સીધો સરળ જવાબ હોય તેમ ધડકરતુંક જ નંદિતાએ કહી દીધુઃ આગળ ભણીશ.
‘‘શું બનવું છે તારે...’’
નંદિતાએ બુકના પાના ખોલીને કહ્યું,
‘‘સાંભળ...સરસ મજાની પંક્તિ છે, તને અને મને લાગુ પડે તેવી...’’
એમ કહીને નંદિતાએ એ પંક્તિઓ હાથને અદાથી ફેરવીને કહેવા માંડીઃ
‘‘મને સ્નેહ નીતરતું ચુંબન આપ પ્રિયે,
જ્યારે હું થઈશ વયોવૃદ્ધ
ત્યારે પણ તેની યાદ મારા હૃદયમાં હશે અકબંધ...’’
‘‘ચાલ માની લે કે તું ડોક્ટર, પ્રોફેસર, પાયલોટ પણ બની જા...પછી...?’’ પંક્તિ જાણે તેના માટે મહત્વની જ ન હોય તેમ ઈશાંતે પોતાની વાતનો તંતું જોડી રાખ્યો.
‘‘ઈશાંત, દરેક વાતનો એક અંત હોય છે, આપણાં હોવાપણાની જવાબદારી તો દરેક માણસે લેવી જ પડે છે, જે તેમાંથી પણ ભાગવા ઈચ્છે છે તે માણસાઈનું એક લેશન પણ ગુમાવે છે.’’
ઈશાંત સામે કંટાળો લાવ્યા વગર નંદિતાએ આંખોના પોપચાં ઢાળતાં-ઢાળતાં કહ્યું.
‘‘તો દરિયાની જેમ –’’ ઈશાંતની વાતને વચ્ચેથી જ રોકીને નંદિતા બોલી.
‘‘ના. દરિયાની જેમ નહીં...પણ દરિયાને તો ક્યાંક અંત હોય છે, આપણી ઈચ્છાઓને નથી!’’
‘‘તો બસ, આપણે હવે એક મહિના પછી, મારે ક્યારેય એ યાદ નહીં રાખવાનું કે મેં કોઈ એક દિવસ લાઈબ્રેરીમાં તારા ઠંડા હાથે મને પકડી લીધો હતો અને ત્યારથી આ શહેરમાં, અરે! મારી દુનિયામાં જીવવા જેવું લાગવા માંડેલું? આ તો જિંદગી છીનવી લેવા જેવું છે!’’
નંદિતાને થયું જાણે આજે દરિયો જીદ્દે ચડેલા ઈશાંતને ખેંચીને પોતાના ઊંડાણમાં લઈ જાય છે! તેણે ઈશાંતનો હાથ પકડી લીધો અને તેને શાંત કરતા નંદિતાએ કહ્યું ‘‘સમય એક દિવસ બધા પાસેથી બધું છીનવી લે છે...તો પછી આપણે તો...’’
‘‘આપણે તો શું? કેમ અટકી ગઈ? બોલને...’’
નંદિતા પોતાના જ શબ્દોમાં ફસાઈ ગઈ, તે પોતાના ઈશાંતને દરિયાના અતળ ઊંડાણમાંથી બહાર ખેંચવા માંગતી હતી, તેને બદલે ઈશાંત સહિત હવે તે તણાવા લાગી. તેની પાસે ઈશાંતના પ્રશ્નોના જવાબ ન હતા.
હવાની આછ્છી બે લહેરખી પસાર થાય એટલી ક્ષણો ચાલી ગઈ કે ઈશાંત ફરી થોડો આગળ આવ્યો અને નંદિતાની બાજુમાં બેસી જઈ તેના મુખને પોતાના બે હાથમાં સમાવીને આંખોમાં આંખો પરોવીને કહ્યું ‘‘નંદિતા હું બીજું કંઈ નથી માંગતો, બસ તું તારા ઠંડા હાથથી મને પકડતી રહે અને હું જિંદગીનો દરિયો ખેડી નાખું, એવું કંઈ ન થાય?’’
નંદિતાએ ઈશાંતના બન્ને ખભા પકડી લીધા, તેને થયું કે હવે ઈશાંત એવું કશું અજુગતું ન કરી બેસે કે પાછળથી તેની પાસે રડવાનું પણ કારણ ન રહે...એટલે તેણે કહ્યું, ‘‘મારી વાત સાંભળીશ?’’
જાણે નંદિતાના શ્વાસથી તે તેની વાત સાંભળવાનો હોય તેમ ઈશાંત નંદિતાની વધુ નજીક સર્યો..
‘‘કહે.’’
‘‘કોઈ ક્ષણે લાઈબ્રેરીમાં તું બેઠો હતો અને આગલા પિરિયડમાં જોશી સાહેબ સાથે એસ્ટ્રોનોમિ બાબતે તડાપડી બોલાવતો હતો ત્યારથી તને કશું કહેવું કહેવું કરતી હતી અને તારા હાથ પર હાથ લાઈબ્રેરીમાં મૂકાઈ ગયો, બોલાઈ ગયું...આઈ પ્રાઉડ ઓફ યુ.... ખરેખર તો તે આઈ લવ યુ હતું.... થઈ ગયું. કહેવાઈ ગયું. પછી હું સપના જોઈ શકતી હતી, નાચી શકતી હતી, દુનિયા જ બદલાઈ ગઈ હતી....’’
નંદિતાની વાતોના પ્રવાહમાંથી જાણે તરત જાગ્યો હોય તેમ ઈશાંત બોલ્યો, ‘‘મારી પણ દુનિયા બદલાઈ ગઈ હતી. આ શહેરમાં હું સાવ અજાણ્યો હતો અને જાણે અચાનક ચીરપરિચિત લાગવા લાગેલું. આ દરિયો મને વ્હાલો લાગેલો એ દિવસે.’’
આટલું કહીને ઈશાંતે ફરી દરિયા સામે જોયું. તેને કશુંક કહેવું હતું પણ ગળું અચાનક જ ખવાઈ ગયું હોય તેમ લાગવા લાગ્યું.
શ્વાસનો પ્રવાહ વધવા લાગ્યો. તે હડપ દઈને ઉભો થયો. તેણે નંદિતાનો હાથ ખેંચ્યો. નંદિતાને અચાનક જ ઝટકો લાગ્યો. તે સમજી ન શકી કે ઈશાંત શું કરી રહ્યો છે. તે ઝટકાભેર ઉભી થઈને રીતસરની ઈશાંત પાછળ ઘસડાઈ. ઈશાંત છેક કિનારે આવી લાગ્યો. દરિયાની વિશાળ ખાડી પર ઉભા હતા. નીચે દરિયો ઘૂઘવતો હતો. ઈશાંત ખડખડાટ હસી પડ્યો. તે ટેકરાના કિનારા પર ઉભો રહીને નંદિતાને બાજુમાં ખેંચતો હતો. જરા અમથો ધક્કો બન્નેને સમંદના પેટાળમાં નાખી દે એવી સ્થિતિ હતી તેથી નંદિતા રાડો પાડતી હતી.
‘‘ઈશાંત...રહેવા દે...બન્ને પડી જઈશું...આ ઘેલછા સારી નથી...’’
દરિયાના મોજાનો ઘૂઘવાટ એટલો હતો કે તેમાં થોડું જોરથી બોલવું પડે તેમ હતું એટલે ઈશાંત જોરથી બોલ્યો, ‘‘જિંદગી જો સમંદર જેટલું સુખ ન આપી શકતી હોય, જિંદગી જો સાગર જેવી આંખો વાળી તારા જેવી નટખટ અને નમણી નાગરવેલ ન આપી શકતી હોય તો તેવી જિંદગીનું નખ્ખોદ જાય....ચાલ ત્યારે એક વાત તને કહી દઉં. મારી મા હું નાનો હતો ત્યારે જ મરી ગઈ, પણ મને યાદ છે કે તેના હાથ તારા જેટલા જ ઠંડા હતા. તે પણ મને છોડીને ચાલી ગઈ...તું પણ...પણ નહીં, તું મને નહીં છોડે, હું જ તને છોડું છું...જા સુખી રહેજે...અને વહેલા મોડી પરણી જાજે જેથી હું તને મેળવી શકું.’’
કિનારા પરથી નંદિતાનો હાથ એક ઝાટકે ઈશાંતે છોડ્યો અને દરિયાના મોજાઓ ઈશાંતને આમ તેમ રમાડતા હતા… નંદિતા કિનારે ઉભી ઉભી જોતી હતી કે શ્વાસ સાથે પાણી ભરાતા તરફડીયા નાખતો ઈશાંત આજે સ્માઈલ આપતો હતો તે સ્માઈલ જે ઈશાંતના મોઢા ઉપર લગભગ જ આવતી હતી.
ઈશાંતના છેલ્લા શબ્દોએ તેને બે કિનારાની રેત જેવી બનાવી દીધી હતી. બે વર્ષથી સાથે જીવાતી પળો હવે નંદિતાના મગજના કિનારે આવી પહોંચી હતી. નંદિતાના ઉભરતા શ્વાસ ઈશાંતના હોઠેથી લીધેલા શ્વાસનો હિસાબ માંગતા હતા. હૈયું એક જ પ્રશ્ન કરતું હતું...કે શું દુનિયા પુરી થઈ જશે, તે મમ્મી-પપ્પાના ઝગડાથી થાકીને ઈશાંત પાસે પહોંચી શકતી હતી, તેના ખભે માથું ઢાળીને કલાકોની કલાકો બસ મૌન બેસી શકતી હતી, ત્યારે શું તેને જે ઠંડકનો અનુભવ થતો હતો તે હવે થશે? મન કહેતું હતુઃ ગાંડી, સાચો સંગાથ એ જ હોય છે જે તમને શાંત કરે, દુનિયાના ઉતાપામાંથી ઉગરવા તું ઈશાંત વગર ક્યાં જઈશ...ઈશાંત તો ચાલ્યો જશે...તે મનોમન બબડીઃ તો શું મળવું અને વિખરાવું એ જ જિંદગીનું ચક્ર છે?...હોય તો ય હવે હું તેને સાચું પડવા નહીં દઉં... નંદિતાને આ બબડાટનું પણ ભાન રહ્યું ન હતું. તેના કાનમાં પડઘાતા હતા ઈશાંતના છેલ્લા વાક્યો. આ વાક્યોએ નંદિતાના શ્વાસનો દરિયો ઉલેચી આંખે લાવી દીધો અને તેના પગે કિનારાને ઠેસ મારી દીધી.
- આનંદ ઠાકર








