મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માઁ તો માઁ જ હોય...

- કાગળ પરના પંખી ટહુક્યાં આ તો વર્કિંગ વુમન છે, એ તો ગૃહિણી છે, આ તો સિંગલ મધર છે, આ તો સ્ટેપ મધર છે આવા તો ના

શતરંગ / માઁ તો માઁ જ હોય...

- કાગળ પરના પંખી ટહુક્યાં

     આ તો વર્કિંગ વુમન છે, એ તો ગૃહિણી છે, આ તો સિંગલ મધર છે, આ તો સ્ટેપ મધર છે આવા તો ના જાણે કેટ કેટલા ‘માઁ’ ના પ્રકારો આપણે પાડી દીધેલા છે. પણ માં ના તે વળી પ્રકારો હોય? માં તો માં જ હોય ને...

     આપણે આપણી આજુબાજુ એવી સ્ત્રીઓને જોતા હોય છે કે જે પોતાનું ગુજરાન ચલાવવા કે પોતાના બાળકને સારું ભવિષ્ય મળી રહે એના માટે અથવા પોતાને જે સંઘર્ષ કરવો પડ્યો છે એવો સંઘર્ષ પોતાના બાળકને ના કરવો પડે એના માટે કે પછી પોતાના સપનાં પુરા કરવા માટે નોકરી કે વ્યવસાય કરતી હોય છે પણ એવી માઁ માટે તો એક બાજુ ભીંત હોય છે ને બીજી બાજુ ભાલો એવી પરિસ્થિતિ ઉભી થાય છે. નોકરી ના કરે તો ઘણી વાર એમના ઘરમાં બે છેડા ભેગા થાય એમ જ નથી હોતા. ત્યારે એક બાજુ સમાજ એને એમ કહીને ગુનેગાર બનાવી દે છે કે, “લો બોલો પોતાના બાળકને એકલી મુકીને કમાવવા જતી રહે છે. આને તો પૈસો જ વ્હાલો છે બાળક નહિ. માં તો સાથે રહી જ નથી તો કાલ ઉઠીને બાળકમાં કેવા સંસ્કાર આવશે?” પણ એ લોકો કેમ નહિ સમજતાં હોય કે એ બાળકને એક સારું જીવન અને ભવિષ્ય આપવા માટે જ એક માઁ હૃદયમાં એવો અપરાધભાવ રાખીને કે હું મારા બાળકથી આઠ દસ કલાક દુર રહું છુ. તેમ છતાંય હૃદય પર પથ્થર મુકીને એ બાળક માટે જ એને ઘરમાંથી બહાર પગ કાઢવો પડતો હોય છે.

     પણ આપણે તરત જ કામ  કરતી દરેક મહિલાઓને જજ કરી લઈયે છીએ. ધારો કે ઘરની પરિસ્થિતિ ખરાબ ના હોય અને તેમ છતાંય કોઈ સ્ત્રીને એના પોતાના સપનાં પુરા કરવા કામ કરવું છે કે જોબ કરવી છે તો શું એ અપરાધી બની ગઈ? માઁ બન્યા પછી સપનાં જોવા ગુનો છે? શું માઁ બનવા માટે મમતા સિવાયના કોઈ નીતિ નિયમો કે ધારા ધોરણ છે? કે એક માં એ શું કરવું અને શું ના કરવું? એક માઁ આઠ કલાક એના બાળકથી દુર રહે એટલે એનો પ્રેમ ઓછો અને જે ચોવીસ કલાક બાળકની સાથે રહે એટલે એ વધુ પ્રેમ કરે છે એવું? વર્કિંગ વુમન ઓલરેડી એવા અપરાધભાવથી પીડાતી હોય છે કે એ એના બાળકને ઓછો સમય આપે છે. અને પોતાના બાળકને સમય ના આપી શકવા માટે  એ કોઈ વિશેષ આનંદ નથી અનુભવતી. થોડા સમય પહેલા મીરાં કપૂર( શાહિદ કપૂરના પત્ની)નો એક ઈન્ટરવ્યું જોયો હતો જેમાં એમણે જે કહ્યું એનો અર્થ એમ હતો કે એ એમના બાળકોને કોઈ નેની પાસે મુકીને કામ કરવા નહોતા જવા માંગતા. હા તો ઠીક છે.. એ ચોઈસની વાત છે. કોઈ વ્યક્તિને જો એમ લાગે છે કે મારે કશું જ નથી કરવું અને માત્ર તમામ સમય મારા બાળકને જ આપવો છે તો એ સારી બાબત છે પણ એનાથી એ કોઈ સ્ત્રીઓ દોષી નથી બની જતી કે જે પોતાની મરજી કે મજબૂરી બેમાંથી કોઈ પણ કારણે કામ કરવાનું પસંદ કરે છે.

     આપણે એવી ઘરની સ્ત્રીઓને જાણીએ છીએ કે જેમણે બાળકોના જન્મ પછી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી હોય અને એના માટે એણે ખુબ સંઘર્ષ પણ કર્યો હોય અને  બહુ જ એડજસ્ટમેન્ટ પણ કર્યું હોય. જેમાં એક ખુબ જાણીતું નામ એટલે મેરી કોમ જે ત્રણ ત્રણ વખત બોક્સિંગમાં વિશ્વવિજેતા બન્યા. ત્રણ બાળકોની માઁ એ ઘર, પરિવાર અને પોતાની ટ્રેનીંગ ત્રણેયમાં સંતુલન જાળવીને રેકોર્ડ સ્થાપિત કર્યો. પણ આવી બીજી ઘણી બધી માઁ ઓ છે જે સવારે બાળકને ઉઠાડવાથી માંડીને, પતિના ટીફીન સુધી અને ઓફીસના કામથી માંડીને બાળકના હોમવર્ક સુધી બધામાં સંતુલન રાખે છે. એ વાત અલગ છે કે એ વિશ્વવિજેતા નથી હોતા અને એમના નામે કોઈ રેકોર્ડ નથી બોલતા પણ શું એનાથી એમણે જે કંઈ પણ કર્યું છે એનું મુલ્ય ઓછું થઇ જાય?

     માઁ બનવું એટલે પૃથ્વી પર એક નવા જીવનું સર્જન અને એક સર્જનકાર ને જ એમ કહેવામાં આવે કે હવે પછી તારે તારી અંદરની તમામ સર્જનાત્મકતાને પાછળ છોડી દેવાની છે તો એ કેટલા અંશે યોગ્ય છે? સર્જનકાર જ સર્જન છોડી દે? 

     માઁ બનવું એ ઈશ્વરનો સૌથી મોટો આશીર્વાદ છે. દુનિયાની સૌથી સુંદર લાગણી. માઁ બન્યા પછી એક માઁ માટે એના બાળકની ખુશી કરતાં અન્ય કોઈ વસ્તુ જગતમાં મહત્વની નથી હોતી પણ જો એ જ માઁ થોડા સપનાં જોઈ લેશે તો થઇ શું ગયું?

     માઁ કોઈ પણ હોય માં બન્યા પછી કુદરતી રીતે જ માતાના ધાવણની સાથે મમતાનું એક ઝરણું પણ હૃદયમાંથી વહેવા લાગે છે. માઁ પાસે હોય કે ના હોય...પણ એની પાસે એનું બાળક હમેશા હોય જ છે. એના મનમાં ને મગજમાં. ચાહે એ ઘરે હોય કે નોકરી કે વ્યવસાયમાં. ગઈ કાલે મધર્સ ડે ગયો અને ઘણાં બધા એ એની ઉજવણી પણ કરી પણ માઁ માટે તો આપણે કરી કરીને શું કરી શકીએ? માઁ ને તો ઈશ્વર સાથે સરખાવવામાં આવી છે કારણ કે એક માઁ જીવન આપી શકે છે અને એક ઈશ્વર. તો આવી ઈશ્વર સમી માઁ માટે આપણે માત્ર એટલું કરીએ કે એ ઈશ્વર સમી છે પણ ઈશ્વર નથી..માઁ પણ માણસ જ છે..એને પણ સપનાં હોય, ઉમંગ હોય, ઈચ્છાઓ હોય, એને પણ થાક લાગે, એવું સમજીને એને જજ કરવાનું બંધ કરીએ અને એના પ્રકાર પાડવાનું બંધ કરીએ. એ જ આવી મધર્સ માટે મધર્સ ડેની ખરી ઉજવણી હશે કારણ કે માં તો માઁ જ હોય...એના પ્રકાર ના હોય....

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો