શતરંગ / વિચારવાની પ્રક્રિયાને ધડમૂળથી બદલી નાખતી ફિલ્મ: એક રૂકા હુઆ ફૈસલા
- બિયોન્ડ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ: એક રૂકા હુઆ ફૈસલા કલાકાર: કે કે રૈના, એસ કે

- બિયોન્ડ એન્ટરટેઈનમેન્ટ
ફિલ્મ: એક રૂકા હુઆ ફૈસલા
કલાકાર: કે કે રૈના, એસ કે રૈના, પંકજ કપૂર, અન્નૂ કપૂર, અભિતાભ શ્રીવાસ્તવ
ડિરેક્ટર: બાસુ ચેટર્જી
આપણે ત્યાં કોઈપણ ફિલ્મની સફળતાનું આંકલન આપણે તેણે બૉક્સ ઑફિસ પર કેટલી કમાણી કરી તેના આધારે કરીએ છીએ. અલબત્ત, બૉક્સ ઑફિસ પર દેખાવ ફિલ્મની સફળતાને માપવાનો એક મોટો અને મહત્વનો માપદંડ છે જ પણ આનાથી ઈતર ઘણી ફિલ્મો પોતાના કથાવસ્તુ થકી વ્યક્તિ, સમાજને એવું કંઈક આપી જાય છે કે એના પછી બૉક્સ ઑફિસ પર તેણે શું કર્યું, ન કર્યું તે ગૌણ બની જાય છે. આવી ફિલ્મોનું લિસ્ટ ઘણું લાંબું છે અને આજે તેમાની એક કલ્ટ ક્લાસિક ફિલ્મ 'રૂકા હુઆ ફૈસલા'ની વાત કરવી છે. આમ તો ફિલ્મ 1957માં આવેલી અમેરિકન કોર્ટરૂમ ડ્રામા '12 એંગ્રી મેન'ની રિમેક છે પણ બાસુ ચેટર્જીએ હિન્દીમાં પણ તેને એટલી જ કુનેહથી બનાવી છે કે, જ્યારે પણ ભારતીય સિનેમા ઈતિહાસની મહાન ફિલ્મો વિશે વાત કરવામાં આવે ત્યારે 'એક રૂકા હુઆ ફૈસલા'ની વાત અચૂકપણે કરવી જ પડે.
'એક રૂકા હુઆ ફૈસલા' એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. એક રૂમ છે જેની અંદર 12 જ્યૂરી બેસીને એક અપરાધીના ભવિષ્યનો ફેસલો કરવાના છે. આ બધા શહેરના શ્રેષ્ઠી પ્રકારના લોકો છે. એક માણસ પર હત્યાનો આરોપ છે અને આ પીઠને એ નક્કી કરવાનું છે કે, તે માસણે હત્યા કરી છે કે નહીં. આમાં, બધા જ લોકો પોત-પોતાના મત અને તર્ક રજૂ કરે છે. નિયમ એવો છે કે, તમામ લોકો એક પક્ષમાં હોય તો જ ચુકાદો આપી શકાય. શરૂઆતમાં 11 લોકો તે માણસને હત્યારો માની તેને સજા મળે તે તરફેણમાં છે. એક જ વ્યક્તિ કે કે રૈનાનો અભિપ્રાય અલગ પડે છે. બધા જ્યૂરી વચ્ચે ચર્ચાઓ ચાલે છે, તર્ક-વિતર્કની મશક્કતો ચાલે છે, ધીમે-ધીમે બધાના અભિપ્રાય બદલાય છે અને થોડીવાર પહેલા જે કાફલો પેલા માણસને સજા આપવાનું કહેતો હોય છે તે તેને નિર્દોષ જાહેર કરે છે!
બસ...આમ જુઓ તો બે કલાકની આ ફિલ્મની વાર્તા આટલી જ છે પણ તેમાં માનવતાના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને માણસની વિચારશરણી, મનોવિજ્ઞાનને એટલી જબરદસ્ત રીતે આલેખાઈ છે કે એ તેને મહાન ફિલ્મોની શ્રેણીમાં મુકે છે. આપણે કેટલા જલ્દી કોઈ વ્યક્તિ, બાબત, ઘટનાને જજ કરી લઈએ છીએ અને તેના આધારે બાંધેલા પૂર્વગ્રહોને સત્ય માની લઈએ છીએ તે મુદ્દો ફિલ્મના કેન્દ્રસ્થાને છે. માનવનો મૂળ સ્વભાવથી બાયસ્ડ છે અને તે હંમેશાંથી એક પક્ષના આધારે પોતાના નિર્ણયો લેતો હોય છે, બીજા પક્ષનો વિચાર તે કરતો જ નથી. અનુરાગ કશ્યપે એક વાત કહેલી કે, આપણે રાઈટ અને લેફ્ટની લડાઈમાં એટલા બધા અંદર ખૂંપી ગયા છીએ કે સેન્ટર વિશે કશું વિચારતા જ નથી.
ફિલ્મની સુંદરતા એ છે કે, તેમાં લૉકેશનના નામે માત્ર એક રૂમ છે, કોઈ ગીત નથી, ન કોઈ એક્શન, ન કોઈ હિરોઈન... પણ જ્યારે તમે આ ફિલ્મ જોવા બેસો તો એક ક્ષણ માટે પણ તમે તેને છોડી શકતા નથી. બાસુ ચેટર્જી અને રણજીત કપૂર દ્વારા લખાયેલો સ્ક્રિનપ્લે અને કે કે રૈના, અન્નૂ કપૂર, પંકજ કપૂર, અમિતાભ શ્રીવાસ્તવ સહિતના એક્ટર્સની બેનમૂન અદાકારી ફિલ્મને અત્યંય રસપ્રદ બનાવે છે. બાસુ ચેટર્જીના અદભુત ડિરેક્શન અને કે કે રૈના, એસ કે રૈના, પંકજ કપૂર, અન્નૂ કપૂર, અભિતાભ શ્રીવાસ્તવની બેનમૂલ અદાકારી માટે અને ખાસ કરીને તો પોતાની વિચારવાની પ્રક્રિયાને બદલવા અને વધુ સુનિયોજિત, રેશનલ બનાવવા માટે આ ફિલ્મ ચોક્કસથી જોવી જોઈએ.
- આગંતુક








