મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / અતિજ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની લડાઈ

- સ્વાન્ત: સુખાય હમણાં મહાભારત વિષે વાંચતાં વાંચતાં જે સુઝયું તે આજે વંહેચવું છે. એક રીતે જોઈએ તો મહાભાર

શતરંગ / અતિજ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની લડાઈ

- સ્વાન્ત: સુખાય

હમણાં મહાભારત વિષે વાંચતાં વાંચતાં જે સુઝયું તે આજે વંહેચવું છે. એક રીતે જોઈએ તો મહાભારતના તમામ પાત્રો આપણી અંદર જ મોજૂદ હોય છે. યુધિષ્ઠિરની માફક સત્યને સમર્પિત એક તત્વ આપણી અંદર છે જેને આપણે અંતરાત્મા કહીએ છીએ. લક્ષ્ય પ્રાપ્તિ (લક્ષ્યવેધ) માટે નિપુણ અર્જુન પણ છે જે બીજા અર્થમાં આર્જવનું પ્રતિક છે. પોતાની શક્તિ પર મુસ્તાક હોઈએ છીએ ત્યારે ભીમ પણ પ્રગટે જ છે ને? અશ્વ ઉછેર અને અશ્વ નિયંત્રણમાં નિપુણ નકુળ આપણી અંદર ત્યારે જ પ્રગટે છે જ્યારે ઇચ્છાઓના અશ્વોને આપણે નિયંત્રિત કરી શકીએ. સેંકડો પ્રકારની દુર્વૃત્તિઓ પણ કૌરવ સ્વરૂપે આપણી અંદર જ છે અને મમત્વમાં રહીને સત્ય તરફ આંખ આડા કાન કરીએ છીએ ત્યારે આપણી અંદર ધુતરાષ્ટ્ર અને ગાંધારી પણ કાર્યરત હોય છે. તો જેમાં આપણો જરા પણ સ્વાર્થ નથી પણ માત્ર મૂલ્યોના પુન:સ્થાપન માટે કોઈ બાબતોમાં આપણી જાતને “યુધ્ધાય કૃતનિશ્ચય”નો આદેશ આપીએ ત્યારે યોગેશ્વર કૃષ્ણનો એક અંશ પણ આપણી અંદર પ્રગટતો હોય છે.

આપણે સૌ જાણીએ છીએ એમ સહદેવ નામે એક પાંડુપુત્ર જે મહાભારતનું એક એવું પાત્ર છે જેની બહુ ચર્ચા જ નથી થઈ. દાયકાઓ પૂર્વે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી “કાન્ત” દ્વારા રચિત “અતિજ્ઞાન” શીર્ષક સાથે એક ખંડકાવ્ય મળેલું જે સહદેવની પીડાનું અદભૂત આલેખન કરતો એક મૂલ્યવાન દસ્તાવેજ સાબિત થાય છે. અશ્વિનીકુમારના આશીર્વાદથી જન્મ પામેલો આ પાંડુપુત્ર એક એવું પાત્ર છે જે બધું જ જાણવાના વરદાન અને આપમેળે કશું જ નહીં કહી શકવાના શ્રાપ જેવાં બે અંતિમ વચ્ચે જીવનભર ગૂંચવાયા કરે છે. જો સમગ્ર મહાભારત જ આપણી અંદર હોય તો આ સહદેવ આપણામાં ક્યાં છે?

આપણાં સૌનો અનુભવ છે કે આપણી નજર સામે લેવાઈ રહેલા નિર્ણયોની વિપરીત અસર વિષે વાકેફ હોવા છતાં આપણે એટલે ચૂપ રહીએ છીએ કારણકે આપણી વાતને કોઈ ગંભીરતાથી નહીં જ લે તેની ખાતરી હોય છે. જુગાર રમવાના દુર્યોધનના આમંત્રણ વિષે પાંડવો ચર્ચા કરવા એકત્ર થયા ત્યારે નકુલને ‘તું નાનો છે, તને આ ન સમજાય’ એવું કહી બોલવાની તક નહોતી અપાઈ. કવિ કાન્ત આ માટે લખે છે કે,

શિશુ સમાન ગણી સહદેવને
ખબર આ કંઈએ ન કર્યા હતા

પરિવારમાં, સમાજમાં, સંસ્થાઓ કે સંગઠનોમાં જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણો સમાવેશ ન થાય અને એમાંય જ્યારે આવનારા સમય વિષે ધારણાઓ રજુ કરવાનો અનુભવ અને દ્રષ્ટિ બંને આપણી પાસે હોય ત્યારે થનારી અવગણના આપણી અંદરના સહદેવને વ્યગ્ર બનાવે છે. આસપાસની કોઈ વ્યક્તિ આપણી સાથે જે વ્યવહાર કરે એની પાછળ રહેલા પરિબળો અને એ વ્યક્તિની વૈચારિક પ્રક્રિયા વિષે જાણતા હોઈએ ત્યારે માત્ર મૂલ્યનિષ્ઠા માટે ચૂપ રહેવાની કોઈ અકળામણ અનુભવો ત્યારે માનવું કે સહદેવ પણ આપણી અંદર જ છે.

આ બાબતે વધુ વિચારીએ તો એમ થાય કે અતિજ્ઞાન એ અભિશાપ નથી પરંતુ એ જ્ઞાનનો સમયોચિત ઉપયોગ ન કરી શકાય તો એનો અફસોસ અભિશાપ છે. આ સમજણના આધારે એટલું જ વિચારવાનું રહે કે જે જ્ઞાન ઉપયોગમાં ન લઈ શકાય તે પ્રાપ્ત કરવું એ પીડાનો વિષય બને છે. અંહી એ પ્રશ્ન પણ થાય કે શું જ્ઞાન માત્ર ઉપયોગીતામુલક હોઈ શકે? હા, જે જ્ઞાન ઉપયોગમાં ન લઈ શકાય એ માત્ર જાણકારી જ બની રહે. એટલે જ જ્ઞાન અને જાણકારી વચ્ચેનો ભેદ સમજવો જ પડે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સના આજના યુગમાં માનવીના દિમાગ અને કોમ્પ્યુટર વચ્ચે આ જ તફાવત રહ્યો છે. માનવી પાસે જ્ઞાન અને જાણકારી બંને હોય પણ કોમ્પ્યુટર પાસે માત્ર જાણકારી. એટલે તો એને ‘ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ કહેવાય છે નહીં કે ‘નોલેજ ટેકનોલોજી’.

સૌને જાણકારીથી જ્ઞાન સુધીની યાત્રા મુબારક હો !

- પ્રણવ ત્રિવેદી

આ સમાચાર શેર કરો