મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 2014 અને 2024: પહેલીવારના વોટર્સ કાલ અને આજ

- કરન્ટ કીક 2014નું ઇલેક્શન આવ્યું ત્યારે અમારા સહિત સવા બે કરોડ યંગસ્ટર્સ એવા હતા જે ભારતની લોકશાહીમા

શતરંગ / 2014 અને 2024: પહેલીવારના વોટર્સ કાલ અને આજ

- કરન્ટ કીક

2014નું ઇલેક્શન આવ્યું ત્યારે અમારા સહિત સવા બે કરોડ યંગસ્ટર્સ એવા હતા જે ભારતની લોકશાહીમાં પહેલીવારના મતદાતા બનેલા. મૂળ તો અમે જાગી ગયેલા 2009 કે 10 પછી તરત જ. જાતજાતના કૌભાંડોમાં ભાતભાતના આંકડાઓ, પાછળ મીંડા ગણતા આવડે નહીં એવા સરકારી ખેલ, આતંકવાદી હુમલાઓ, દેશના પાટનગરમાં થતા નિર્દયી બળાત્કારો, મોંઘા પેટ્રોલ અને ગેસના બાટલાઓ વગેરે વગેરે મુદ્દાઓ ગણવા બેસીએ તો વરસોનાં વરસ લાગે!

સોશિયલ મીડિયા નવું નવું હાથમાં આવેલું અને ગુજરાતી ટાઈપિંગ ફોન્ટ્સ હતા નહીં. પણ સવા બે કરોડ છોકરડાવ જાગી ગયેલા, બિન્દાસ પોતાનો ઓપિનિયન આપતા શીખેલા. અન્ના આંદોલનમાં પ્રત્યક્ષ ગયા હોય કે ના ગયા હોય, પોલીસની લાઠીઓ ખાધી હોય કે ના ખાધી હોય, એકબાજુ કરોડોની વસ્તીમાં પોતાની કરિયરની ચિંતા હોય અને બીજીબાજુ દેશમાં બનતી સારી-ખરાબ ઘટનાઓ પ્રત્યે સજાગ રહેવા લોહી ઉકળી ઉઠ્યું હોય. એ છોકરડાવ કદાચ મૂર્ખ હશે, નાદાન હશે પણ નપાવટ તો બિલકુલ નહોતા. આજે પણ ભાગ્યે જ કોઈ યુવા વોટર્સ કે જે તે રાજકીય વિચારધારાનો પક્ષધર એવો હશે!

કેમ કે, લોકશાહી દેશમાં જન્મ લીધાને અઢાર વર્ષ પુરા કરવા એ જન્મ્યા પછીનું પરાક્રમ હોય કે ના હોય, પણ એ સામસામી બે જવાબદારીઓ કોઈએ સોંપી ના હોવા છતાં પણ લેતા થઈ જવાનું ઝનૂન તો હોય જ છે. દેશની ધરતીએ આપણા માથે ઉપકાર કર્યો હોય ને આપણે દેશના
ગવર્નન્સમાં, પ્રશસાનિય વ્યવસ્થામાં અને એ બાબતે થોડું લોહી ગરમ ના થાય તો માનવું કે યુવાનીમાં કંઈક તો ખામી છે.

પહેલીવારના લવલેટર કે કવિતા જેટલો જ ઉન્માદ હોય છે, પહેલીવાર વોટ આપવો. એ પણ 2014નું ઇલેક્શન કંઈક જુદા પરિમાણો લઈને આવવાનું હતું ત્યારે. સોશિયલ મીડિયાના ઉગતા જમાનામાં આ દેશનો યુવાન પોતાની સ્વતંત્ર પર્સનાલીટી સમજી રહ્યો હતો. કોની ફિલ્મ જોવી કે ના જોવી, કયો નેતા દેશ માટે હીરો છે કે વિલન, ક્રિકેટ, બુક્સ, વિચારકોમાં માનવું ના માનવું, ધાર્મિકતા, રેશનાલિઝમ વગેરે હજાર મુદ્દાઓ અચાનક સામે આવી ગયા હતા.

અને એ જ ક્રાંતિ હતી કદાચ કે જે પક્ષની સરકાર બનાવી તો ઠીક, એ પક્ષનો મેટ્રો સિટીનો કોઈ નેતા દિલ્હીમાં ઉભો રહે એ સંભાવનાઓ જ નહોતી ત્યારે એક જૂની મજબૂત સરકાર ઘૂંટણીયા પર આવી ગયેલી. કોઈ ફરક નહોતો પડતો કે મીડિયા કોનું છે, અધિકારીઓ કોના છે, સમાજ કોના પક્ષમાં છે, સંસ્થાનો કોના રમકડાં છે! નાગરિકો અને ખાસ તો યુવાનોએ નક્કી કરી લીધું એટલે ખેલ ખતમ...

એ પહેલીવારના સવા બે કરોડ મતદાતા ત્યારે મિલેનિયલ જનરેશન હતો, આજે 2024માં પોણા બે કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર્સ (1.85 કરોડ) જનરેશન ઝેડ કહેવાય છે. ક્રાંતિકારી યુવાસ્વભાવ કદાચ વધારે ઝનૂની ને વધારે બોલકો થઈ ગયો છે. ત્યારે એવરેજ યુવાન ઈન્ટરનેટ પર બસ્સો મિનિટ બેસતો હતો, આજે પુરી આઠસો મિનિટ એના સ્માર્ટફોનમાં જલસાથી, ઝનૂનથી, મૂર્ખાઈથી કે હોશિયારીથી એ નેટ પર જ વીતાવે છે. એ જરાક અંતર્મુખી પણ સ્પષ્ટ થતા શીખ્યો છે. ગેસના બાટલાના ભાવ હવે ઉગતા મિડલકલાસને અડતા નથી, કેમ કે સપનું હવે ગ્લોબલ બની ગયું છે. કોઈને ફટ દઈને કશું સંભળાવી નાખવું એ બેફિકરાઈ નહીં પણ લઘુતાગ્રંથિનો એક ભાગ બની ગયો છે.

ફેસબુકની પોસ્ટ અને વોટ્સએપના મેસેજથી ત્રીસ મિનિટની રિલમાં જ્ઞાની થઈ જવાની એની વધતી ઘેલછાની ટીકા કરો તો પણ એ નંબર્સ સતત વધતા રહેવાવના છે હકીકત કોઈ બૌદ્ધિકે કે રાજકારણીઓએ સ્વીકાર્યા વગર છૂટકો નથી. કેમ કે, પહેલીવારનો યુવાન તરોતાજા વોટર એ કોઈ પણ લોકશાહીનું નવું જન્મેલું લાલચટ્ટક બાળક હોય છે. એ કદાચ બગાવતી હોય, નફરતી હોય કે નાદાન મૂર્ખ હોય, પણ એને જીત્યા વગર કોઈ સરકાર બનતી નથી અને પડતી પણ નથી. કારણ કે, એને એટલી ખબર જ હોય છે કે ઇસ મિટ્ટી મેં હમારા ભી ખૂન હૈ, કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ!

ખૈર, એ જ ઉંમર હોય છે દેશની સમસ્યાઓમાં પોતાનો અવાજ ઉઠાવવાની, ભવિષ્યના ફાયદા નુકશાન વિશે ઝાઝું વિચાર્યા વગર ઈમાનદાર નાગરિક બનવાની, આ પક્ષે ખુરશીની મોજ છે કે

પેલા પક્ષે ખિસ્સામાં મળતા ખનખનિયા છે જેવી દુન્યવી વાતોને લાત મારવાની. આ જ ઉંમર છે કોઈને હિરો કે વિલન બનાવી દેવાની. કેમ કે, સરકારો અને સત્તાધીશો આ જ ઉંમરમાં એને આંગળીએ નચાવી શકે છે અથવા તો પોતે નાચી શકે છે!

- ડો.ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો