VIDEO: VIDEO: ANDARNI VAAT / આસામમાં હાથીઓ માટે રાજધાની ટ્રેન રોકવામાં આવી..!
ભારતમાં દર વર્ષે અસંખ્ય હાથીઓ અકસ્માતમાં મોતને ભેટે છે. દેશમાં સૌથી વધારે હાથીના મોત રેલ્વે અકસ્માતમાં થાય છે. પૂર્વ ભારતમાં આસમમાં સૌથી હાથી આવેલા છે. હાથીને રેલ્વે ટ્રેક વચ્ચે અકસ્માત ન થાય તે માટે આસમ વન વિભાગ અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે શરુ હાથી બચાવો ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. આ ઝૂંબેશમાં વન વિભાગ અને રેલ્વે વિભાગ સંકલન કરીને હાથીના રુટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે હાથી આ રૂટ પરથી રેલ્વેના પાટા ક્રોસ કરે ત્યારે વન વિભાગ દ્રારા રેલ્વેને જાણ કરીને રસ્તો ખુલ્લો રાખવામાં આવે છે. જો આ સમયે હાથી ટ્રેક પરથી પસાર થતા હોય તો રેલ્વેને રોકી દેવામાં આવે છે. આસામના હોજાઈના હાયપુર વિસ્તારમાં એક દિવસ પહેલા જ આ રીતે જંગલી હાથીના ઝુંડને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પાર કરાવવામાં આવ્યું હતું. સવારે પંદર વીસ જંગલી હાથીઓનું એક ઝુંડ રેલવે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, તે દરમિયાન ડિબ્રુગઢ-ગુવાહાટી રાજધાની એક્સપ્રેસ ટ્રેન પણ આ માર્ગ પરથી પસાર થવાની હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ શશાંક રોયે તાત્કાલિક હાથીઓની હિલચાલ પર નજર રાખી હતી. રોયે તત્કાલ રેલવે તંત્રને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ સ્ટેશન માસ્ટર તેમજ રેલવે કંટ્રોલ રૂમ સાથે તાત્કાલિક સંપર્ક સાધ્યો અને ટ્રેનની અવરજવર અંગે જરૂરી સાવચેતી રાખવા જણાવ્યું હતું. બન્ને વિભાગે સંકલન સાધીને હાથીઓના ટોળાને સલામત રીતે રેલવે ટ્રેક અને બ્રિજ પાર કરાવ્યો હતો. હોજાઈ અને દક્ષિણ નગાંવ ફોરેસ્ટ ડિવિઝનના ડીએફઓ નયનજ્યોતિ રાજબોંગશીએ જણાવ્યું હતું કે, “હાયપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં હાથીઓની અવરજવર સતત રહે છે. તેથી વન વિભાગ અને રેલવે વિભાગ વચ્ચે સતત સંકલન જરૂરી છે. અમે રેલવે તંત્રને હાથીઓની હિલચાલ અંગે સમયસર માહિતી આપીએ છીએ, જેથી ટ્રેનોની ગતિ અને અવરજવર અંગે જરૂરી સાવચેતી રાખી શકાય અને હાથીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.”
હાથીઓની સુરક્ષા માટે બંને વિભાગો વચ્ચે સંકલન સાધવામાં આવી રહ્યું છે. વન વિભાગ અને રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ વચ્ચે વોટ્સએપ ગ્રુપ દ્વારા હાથીઓની હિલચાલ અંગે તાત્કાલિક માહિતી શેર કરવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને સંકલન બેઠક પણ યોજવામાં આવે છે. હાથીઓની અવરજવરવાળા વિસ્તારોમાં 24 કલાક ફરજ બજાવતા વન વિભાગ અને રેલવેના કર્મચારીઓ પણ તૈનાત રહે છે. રાત્રિના સમયે હાથીઓને દૂરથી ઓળખી શકાય તે માટે લાલ પ્રકાશવાળી ટોર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટોર્ચની મદદથી આશરે એક કિલોમીટર દૂરથી પણ હાથીઓની હાજરીની જાણકારી મેળવી શકાય છે. આસામના જંગલ વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઇન પર હાથીઓની અવરજવર દરમિયાન ટ્રેનની ટક્કરથી થતા અકસ્માતોને રોકવા માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

