VIDEO: VIDEO: ANDARNI VAAT / આસામના જોનાઈમાં વિદ્યાર્થીઓ હોડીથી શાળાએ જવા મજબૂર...!
આસામના જોનાઈ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું મુશ્કેલ અને જોખમી બની રહ્યું છે. જોનાઈના કેમિ વિસ્તારમાં આવેલી કેમિ-જેલમ મિડલ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ કેમિ નદી પાર કરીને શાળાએ પહોંચવું પડે છે. નદી પર પુલ ન હોવાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો માટે બોટ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે. બાળકો શાળાએ જવા બોટમાં બેસીને નદી પાર કરે છે. રજા બાદ ફરી બોટ દ્વારા પોતાના ઘરે પરત ફરે છે. નાના બાળકો માટે આ મુસાફરી ચિંતાજનક છે. વરસાદની ઋતુમાં નદીનું પાણી વધે ત્યારે બોટમાં મુસાફરી વધુ જોખમી બની જાય છે. આ કારણે અકસ્માતની આશંકા પણ રહે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે, દરરોજ નદી પાર કરીને શાળાએ જવું પડે છે. આ કારણે સમય પણ વધુ લાગે છે. પાણીનું સ્તર વધે ત્યારે ભય પણ રહે છે. બાળકોનું કહેવું છે કે નદી પર પુલ બની જાય તો શાળાએ પહોંચવું સરળ અને સુરક્ષિત રહે. સ્થાનિક લોકો પણ લાંબા સમયથી અહીયાં પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. ગામલોકોનું કહેવું છે કે પુલના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામોના લોકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડે છે. બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને બાળકોને નદી પાર કરાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. કેમિ-જેલમ મિડલ ઇંગ્લિશ સ્કૂલની આસિસ્ટન્ટ ટીચર ભાગ્યશ્રી સૈકિયાના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ માટે નદી પાર કરીને શાળાએ આવવું મજબૂરી બની ગઈ છે. વરસાદ દરમિયાન નદીમાં પાણી વધે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા રહે છે. જો સરકાર પુલ બનાવે તો બાળકો માટે શાળાએ આવવું સરળ અને સલામત બની શકે છે. સ્થાનિકો અને વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર અને સંબંધિત તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લે અને કેમિ નદી પર વહેલી તકે પુલ બનાવે. પુલ બની જાય તો વિદ્યાર્થીઓને બોટ પર નિર્ભર રહેવું નહીં પડે અને વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિમાં પણ તેઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકશે.
---- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

