VIDEO: ANDARNI VAAT / ગોલાઘાટ જળમગ્ન થતા પૂરના પાણીથી સેંકડો પરિવારો બેઘર થયા!
પૂર્વોત્તર રાજ્ય આસામમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ વધુ વિકટ અને ચિંતાજનક બની રહી છે. ગોલાઘાટ જિલ્લામાંથી પસાર થતી ધનસિરી અને દોયંગ નદીઓમાં પાણીની આવકમાં ભારે ઉછાળો આવતાં બંને નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. નદીઓના પાણી કાંઠો તોડીને આસપાસના વિસ્તારોમાં ફરી વળતાં ગોલાઘાટ અને નુમાલીગઢના અનેક નીચાણવાળા વિસ્તારો, રહેણાંક વિસ્તારો અને કૃષિ જમીનો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહીશોની દૈનિક દિનચર્યા ખોરવાઈ ગઈ છે અને મોટા પાયે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.
નદીઓમાં સર્જાયેલા જળબંબાકારના કારણે વિસ્થાપિત થયેલા પૂર પીડિત પરિવાર પોતાનો જીવ અને માલસામાન બચાવવા માટે ઘરબાર છોડીને પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા રાહત શિબિરોમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. ગોલાઘાટ જિલ્લા પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને રાહત કેમ્પો સુધી પહોંચાડવાની કામગીરી સઘન બનાવાઈ છે. આ રાહત શિબિરોમાં પૂર પીડિતો માટે ખોરાક, પીવાના ચોખ્ખા પાણી અને પ્રાથમિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

