VIDEO: ANDARNI VAAT / પહાડોમાં ભારે વરસાદથી સંગમ સ્થળે ભયાનક પૂર: રુદ્રપ્રયાગમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ!
ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બારીપદા વન ક્ષેત્રમાંથી એક ચિંતાજનક અને કૌતુક સર્જતી ઘટના સામે આવી છે, જ્યાં એક મહાકાય જંગલી હાથી અચાનક મુખ્ય માર્ગ પર આવી પહોંચ્યો હતો. માર્ગની વચ્ચે જંગલી હાથી આવી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો અને રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બારીપદા વન વિભાગની વિશેષ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ કલાકોની ભારે જહમત અને સાવચેતીપૂર્વકની કવાયત બાદ આખરે જંગલી હાથીને સુરક્ષિત રીતે પાછો જંગલ તરફ તારડી મૂક્યો હતો. હાથી જંગલમાં પરત ફરતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના માત્ર એક છૂટોછવાયો બનાવ નથી, પરંતુ ઓડિશામાં સતત વધી રહેલા હાથી-માનવ સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે. રાજ્યમાં જંગલોનું સતત ઘટતું ક્ષેત્રફળ, ગેરકાયદેસર ખનન, ઔદ્યોગિકીકરણ અને કોરિડોરના અતિક્રમણને કારણે ખોરાક અને પાણીની શોધમાં હાથીઓ અવારનવાર માનવ વસાહતો અને માર્ગો પર આવી ચડે છે. ઓડિશા વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં હાથીઓના હુમલા અને માનવ-હાથી સંઘર્ષની ઘટનાઓમાં ૧૫૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૦૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, હાથીઓ દ્વારા ઊભા પાક અને ઘરોને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
બીજી તરફ, વીજળીના આંચકા, રેલવે ટ્રેક અકસ્માત અને શિકારના કારણે છેલ્લા એક વર્ષમાં ૭૦થી વધુ હાથીઓના પણ અકાળે મોત નિપજ્યા છે. મયૂરભંજ અને બારીપદા ક્ષેત્રમાં બનેલી આ ઘટના બાદ વન વિભાગે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જંગલી પ્રાણીઓને ઉશ્કેરવા નહીં તે અંગે સતર્ક રહેવા જણાવાયું છે. વન તંત્ર દ્વારા હાથીઓની અટકાયત અને લોકેશન પર સતત ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કરીને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

