Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : VIDEO: ANDARNI VAAT / Mysteriously moving water in Morbi's well!

VIDEO: VIDEO: ANDARNI VAAT / મોરબીના કુવામાં રહસ્યમય રીતે હિલોળા લેતું પાણી!

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના વીરપરડા ગામે આવેલા એક કૂવામાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતી અસામાન્ય અને રહસ્યમય ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે કૌતુક અને આશ્ચર્ય સર્જ્યું છે. સામાન્ય રીતે શાંત રહેતાં કૂવાના પાણીમાં કોઈ સ્પષ્ટ કારણ વિના સતત હલચલ જોવા મળી રહી છે અને પાણી અંદરથી કોઈ અદ્રશ્ય દબાણ સર્જાતું હોય તેમ મોજાંની જેમ ઊછળી રહ્યું છે. આ વિલક્ષણ પ્રાકૃતિક ઘટનાના વાવડ ફેલાતાં જ માત્ર વીરપરડા જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને મોરબી શહેરમાંથી પણ લોકોના ટોળેટોળાં આ 'રહસ્યમય કૂવો' જોવા માટે ઉમટી રહ્યા છે. સ્થાનિકો આ અનોખા દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં મોટું આકર્ષણ ઊભું થયું છે. કૂવાના માલિક પ્રાણજીવનભાઈ સાદરિયાના જણાવ્યા મુજબ, આ કૂવો આશરે ત્રણ મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો હતો, જે ૧૮ ફૂટ ઊંડો અને ૩૦ ફૂટની ગોળાઈ ધરાવે છે. ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન પાણીનો ભરાવો થવો સામાન્ય બાબત છે, પરંતુ આ પ્રકારે કૂવાનું પાણી પોતાના મેળે હીલોળા લે અને ઉછાળા મારે તેવી ઘટના પ્રથમ વખત બની રહી છે. કૂવામાં કોઈ પથ્થર ફેંકવામાં આવ્યો નથી કે બહારથી કોઈ કૃત્રિમ હિલચાલ કરવામાં આવી નથી, છતાં પાણી સતત ગતિમાન સ્થિતિમાં રહેતાં કૂવાનું રહસ્ય વધુ ઘેરાયું છે.

App Store

 

સ્થાનિક ગ્રામજનો અને અગ્રણી અલ્પેશ કોઠિયાના જણાવ્યા અનુસાર, ગામમાં અન્ય અસંખ્ય કૂવાઓ આવેલા છે, પરંતુ માત્ર આ ચોક્કસ કૂવામાં જ પાણીની આવી હલચલ જોવા મળી રહી છે, જ્યારે બાકીના તમામ કૂવાઓનું પાણી એકદમ શાંત છે. મોરબી વિસ્તાર ભૂકંપ ફોલ્ટ લાઈન પર આવેલો હોવાથી કેટલાક લોકો તથા ભૂસ્તરશાસ્ત્રીઓ હળવા ભૂગર્ભીય આંચકા અથવા વહેતા પવનના દબાણને કારણે આવું થવાની શક્યતા દર્શાવી રહ્યા છે. જોકે, ગ્રામજનોનું તર્કબદ્ધ રીતે માનવું છે કે જો ભૂકંપ કે પવન કારણભૂત હોય તો આસપાસના અન્ય કૂવાઓમાં પણ આવી હલચલ દેખાવી જોઈએ. શરૂઆતમાં અનિષ્ટ શક્તિઓ કે ભૂકંપ જેવી બાબતો અંગે જાતજાતની અફવાઓ પણ વહેતી થઈ હતી. આ ઘટના અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે વિસ્તારમાં ભૂકંપ કે કોઈ આફત જેવી પરિસ્થિતિ નથી. ઘટનાનું સાચું કારણ જાણવા માટે ગાંધીનગરથી તજજ્ઞો અને નિષ્ણાતોની ખાસ ટીમને વીરપરડા ખાતે બોલાવવામાં આવી છે. કૂવામાં ગેસ સ્ખલન, ભૂગર્ભીય હલચલ કે અન્ય કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. આરોગ્ય અને તપાસ ટીમ દ્વારા કૂવાના પાણીના નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું છે કે લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ આવ્યા વિના કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. રાહતની વાત એ છે કે તાજેતરમાં કૂવાના પાણીમાં થતી હિલચાલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા આ રહસ્યમય ઘટના અંગે સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવશે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News