VIDEO: VIDEO: ANDARNI VAAT / કર્ણાટકમાં ઐતિહાસિક ફ્લાવર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર!
કર્ણાટકના બેંગલુરુના ઐતિહાસિક લાલબાગ બોટાનિકલ ગાર્ડનમાં લાલબાગ ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને અનુલક્ષીને યોજાતો આ ફ્લાવર શો દેશના સૌથી પ્રતિષ્ઠિત અને લોકપ્રિય પુષ્પ પ્રદર્શનોમાંનો એક માનવામાં આવે છે. સેંકડો જાતનાં રંગબેરંગી ફૂલો, દુર્લભ છોડ, સર્જનાત્મક ફ્લોરલ આર્ટ, થીમ આધારિત ફૂલોની કૃતિઓ અને બાગાયતની અદ્ભુત કલાત્મકો આ શોનું મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે પ્રદર્શનમાં કર્ણાટકના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક ગંગા રાજવંશ, તેમની વિરાસત, વીરગલ્લુ, તેમજ કર્ણાટકના ઐતિહાસિક પ્રતીકોને હજારો તાજા ફૂલોથી આબેહૂબ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જે મુલાકાતીઓને ઇતિહાસ અને પ્રકૃતિનો અનોખો અનુભવ કરાવે છે. લાલબાગનું વિશ્વવિખ્યાત ગ્લાસ હાઉસ આ સમગ્ર પ્રદર્શનનું કેન્દ્રબિંદુ છે. જ્યાં વિવિધ ફ્લોરલ ઇન્સ્ટોલેશન અને ભવ્ય ફૂલોની શિલ્પાકૃતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્રિટિશ કાળથી વારસામાં મળેલું આ ગ્લાસ હાઉસ બેંગલુરુની ઓળખ સમાન માનવામાં આવે છે. દર વર્ષે લાખો પ્રવાસીઓને તે આકર્ષે છે. કર્ણાટક સરકારના બાગાયત વિભાગ અને મૈસુર હોર્ટિકલ્ચર સોસાયટીના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ ફ્લાવર શોમાં રાજ્યભરના બાગાયત નિષ્ણાતો, ખેડૂતો, નર્સરી સંચાલકો અને ફ્લોરલ ડિઝાઇનરો દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ પ્રદર્શનને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રદર્શન દરમિયાન ફૂલોની નવી જાતો, શણગાર માટેના છોડ, શહેરી બાગાયત, ટેરેસ ગાર્ડન, બોન્સાઈ, ઓર્કિડ, કેક્ટસ તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે પણ લોકોને માહિતી આપવામાં આવી રહી છે. બાળકો અને યુવાનો માટે શૈક્ષણિક પ્રદર્શનો, ફોટોગ્રાફી માટે ખાસ થીમ ઝોન તેમજ પરિવાર સાથે માણી શકાય તેવી અનેક આકર્ષક વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર લાખો મુલાકાતીઓ આ ફ્લાવર શોની મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ કર્ણાટકના સાંસ્કૃતિક ગૌરવ, ઐતિહાસિક વારસા અને પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ લાવતું પ્રદર્શન છે. ફ્લાવર્સ શો લોકોમાં વારસાના સંરક્ષણ તથા પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

