VIDEO: VIDEO: ANDARNI VAAT / દેશના વીર જવાનો માટે બાળકોએ બનાવી રાખડીઓ!
ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં દેશભક્તિ અને લાગણીઓથી છલકાતો એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગપુર સ્થિત પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના સભ્યો અને શાળાના નાના-મોટા વિદ્યાર્થીઓ દેશની સીમાઓ પર અહોરાત્ર તૈનાત રહીને દેશવાસીઓની રક્ષા કરતા સરહદના રક્ષકો એટલે કે દેશના વીર જવાનો માટે પોતાના હાથથી સુંદર રાખડીઓ તૈયાર કરવામાં મશગૂલ બન્યા છે. ઘર પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા કાજે દિવસ-રાત ખડેપગે રહેતા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવાના હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. નાગપુરની શાળાના બાળકો અત્યંત ઉત્સાહપૂર્વક અને સર્જનાત્મક રીતે રંગબેરંગી ધાગા, કાગળ, ઈકો-ફ્રેન્ડલી સામગ્રી અને મોતીઓનો ઉપયોગ કરીને સુંદર રાખડીઓ બનાવી રહ્યા છે. દરેક રાખડીમાં બાળકોની લાગણી, દેશભક્તિ અને જવાનોના દીર્ઘાયુની પ્રાર્થના વણાયેલી છે. રાખડીઓની સાથે સાથે બાળકો વીર સૈનિકો માટે પોતાના હાથે શુભેચ્છાઓ અને પ્રેમભર્યા સંદેશાઓ લખેલા ખાસ શુભેચ્છા પત્રો પણ તૈયાર કરી રહ્યા છે, જે રક્ષાબંધન પહેલાં સીમા પર તૈનાત જવાનો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રહાર સમાજ જાગૃતિ સંસ્થાના સચિવ શિવાલી દેશપાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રાખડીઓ બનાવવાનો નથી, પરંતુ નાની વયથી જ બાળકોમાં દેશભક્તિ, સંસ્કાર અને સેનાના જવાનો પ્રત્યે આદરની ભવ્ય ભાવના કેળવવાનો છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી આ રાખડીઓ અને પ્રેમસંદેશા સરહદ પર દેશનું રક્ષણ કરતા જવાનોનું મનોબળ વધારશે અને તેમને પરિવારથી દૂર હોવાનો અહેસાસ થવા દેશે નહીં. આ પ્રવૃત્તિમાં જોડાતાં વિદ્યાર્થીઓમાં પણ ભારે આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે, તેઓનું માનવું છે કે સરહદ પર તૈનાત જવાનો તેમના સાચા રક્ષક છે અને તેમને રાખડી મોકલવી એ તેમના માટે સૌભાગ્યની વાત છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

