VIDEO: ANDARNI VAAT / આસામમાં અવિરત વરસાદથી બ્રહ્મપુત્રા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ!
આસામ અને તેના પાડોશી રાજ્યોમાં પાછલા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત મુશળધાર વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઉપરી પહાડી વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના પગલે ગુવાહાટી ખાતે પવિત્ર બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે. નદીની સપાટી દિવસ દરમિયાન સતત વધી રહી હોવાના કારણે તટીય વિસ્તારો અને સમગ્ર શહેર પર પૂરનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. લખીમપુર અને ધેમાજી જેવા નીચાણવાળા જિલ્લાઓમાં તો નદીનું જળસ્તર પહેલાથી જ અત્યંત ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. જો વરસાદનું જોર આ જ રીતે ચાલુ રહેશે અને પાણીનું સ્તર વધુ વધશે, તો સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ જવાની અને ભારે વિસ્થાપન થવાની ભીતિ સેવાઈ રહી છે.
બ્રહ્મપુત્રા નદીના પ્રચંડ પ્રવાહ અને સતત વધતી સપાટીને પગલે કિનારે આવેલા નિવાસસ્થાનો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાનો ખતરો વધી ગયો છે. નદીના ધસમસતા જળપ્રવાહના લીધે કિનારાના વિસ્તારોમાં જમીન ધોવાણની પ્રક્રિયા પણ ઝડપી બની છે. વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર ચોવીસે કલાક બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પૂરના વધતા ભયને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા તમામ જરૂરી પૂર્વતૈયારીઓ કરી લેવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે બચાવ ટુકડીઓને સજ્જ રાખવામાં આવી છે, જેથી નાગરિકોની માલ-મિલકત અને જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

