VIDEO: ANDARNI VAAT / જગદલપુરમાં અનોખી આસ્થા, મેઘરાજાને રીઝવવા દેવી-દેવતાઓના યોજાયા પરંપરાગત લગ્ન!
છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં આવેલા જગદલપુર જિલ્લાના તોકાપાલ ગામમાં આ આધુનિક યુગમાં પણ આસ્થા અને પરંપરાનો એક અનોખો સંગમ જોવા મળ્યો છે. અહીં પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતાં અને દુષ્કાળ જેવા સર્જાયેલા સંકટમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રામજનો દ્વારા દેવી-દેવતાઓના લગ્નની એક પ્રાચીન અને પરંપરાગત ધાર્મિક વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મેઘરાજાને રીઝવવા અને પંથકમાં સારો વરસાદ થાય તેવા શુભ આશય સાથે આયોજિત આ અનોખા લગ્ન પ્રસંગમાં સમગ્ર તોકાપાલ ગામ ઉત્સાહભેર જોડાયું હતું. લગ્ન આયોજન સમિતિના સભ્ય બાલ સિંહ ઠાકુરના જણાવ્યા અનુસાર, આ કોઈ સામાન્ય ઉત્સવ નથી પરંતુ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે, જેમાં પ્રકૃતિને ખુશ કરવા માટે દેવી-દેવતાઓના વિવાહ સંપન્ન કરાવવાની અતૂટ લોકમાન્યતા પ્રચલિત છે.
આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત પરંપરાગત વાદ્યોના નાદ, મંગળ ગીતો અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે દેવતાઓની ભવ્ય જાન કાઢવામાં આવી હતી અને રીતસર લગ્નની તમામ રસમો પૂરી કરવામાં આવી હતી. તોકાપાલ ગામના સ્થાનિકોએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જ્યારે પણ વિસ્તારમાં પાણીની તંગી વર્તાય છે અથવા પાક નિષ્ફળ જવાનો ભય હોય છે ત્યારે વડવાઓના સમયથી આ પરંપરા ઉજવવામાં આવે છે અને આ લગ્ન બાદ અચૂક આકાશમાંથી અમૃતવર્ષા થાય છે તેવી ભક્તોમાં દ્રઢ શ્રદ્ધા છે. આ અનોખા ધાર્મિક પ્રસંગને જોવા અને દેવી-દેવતાઓના આશીર્વાદ લેવા માટે આસપાસના અનેક ગામોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર જગદલપુર પંથકમાં ભક્તિમય અને ઉત્સવભર્યો માહોલ છવાઈ ગયો હતો..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

