VIDEO: કુલ્લુ-મનાલીમાં સાહસનો ધમધમાટ! બે મહિનાના વિરામ બાદ રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ શરૂ!
કુલ્લુ-મનાલીમાં સાહસનો ધમધમાટ!
બે મહિનાના વિરામ બાદ રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ શરૂ!
ચોમાસા પછી હિમાચલની વાદીઓ ખીલી, દિલ્હીથી આવેલા સહેલાણીઓ થયા રોમાંચિત!
ચોમાસાની લાંબી વિરામ બાદ હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કુલ્લુ-મનાલીમાં એડવેન્ચર સ્પોર્ટ્સનો ધમધમાટ ફરી એકવાર શરૂ થઈ ગયો છે. ભારે વરસાદ અને સુરક્ષાના કારણોસર છેલ્લા બે મહિનાથી બંધ રાખવામાં આવેલી રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ બે ચાર સાહસિક રમતો શરૂ થતાં જ કુલ્લુ-મનાલી પહોંચેલા સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે સ્થાનિક પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ પણ સારા બિઝનેસની આશા રાખી રહ્યા છે. કુલ્લુના ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ અને નદીઓમાં પૂરના જોખમને કારણે સાહસિક રમતો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે હવામાન સાનુકૂળ બનતા અને નદીઓમાં પાણીનું સ્તર સામાન્ય થતાં તમામ સુરક્ષા ધોરણોની ચકાસણી કરીને રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા એડવેન્ચર ઓપરેટરોને પ્રવાસીઓની સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે.
બિયાસ નદીના પ્રવાહમાં પ્રવાસીઓએ માણી રાફ્ટિંગની મજા!
પહાડોની સુંદરતા વચ્ચે ફરી શરૂ થયો રોમાંચક રમતગમતનો દોર!
દિલ્હીથી ફ્રેશ સીઝનની મજા માણવા આવેલા પ્રવાસીઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મનાલીના સુંદર પહાડો વચ્ચે પેરાગ્લાઇડિંગ કરવું અને બિયાસ નદીના ઘસમસતા પ્રવાહમાં રાફ્ટિંગ કરવાનો અનુભવ અદ્ભુત છે. ચોમાસું પૂરું થતાં જ પહાડોની સુંદરતા બેગણી થઈ ગઈ છે અને સાહસિક રમતો શરૂ થવાથી તેમની ટ્રિપ યાદગાર બની ગઈ છે. તેમણે અન્ય લોકોને પણ કુલ્લુ-મનાલીની મુલાકાત લેવા અપીલ કરી હતી.કુલ્લુ-મનાલીથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં ખુશનુમા હવામાન વચ્ચે આકાશમાં ઉડતા પેરાગ્લાઇડર્સ અને નદીમાં કલરવ કરતા રાફ્ટર્સ સ્પષ્ટ જોઈ શકાય છે. છેલ્લા બે મહિનાથી મંદીનો સામનો કરી રહેલા સ્થાનિક હોટેલિયર્સ, ગાઇડ્સ અને એડવેન્ચર ઓપરેટર્સ માટે આ નવી સીઝન સંજીવની સમાન સાબિત થશે. આગામી દિવસોમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

