VIDEO: સાબરકાંઠાના ધરતીપુત્રોની કાલાવાલી! ૪-૫ દિવસમાં વરસાદ નહીં પડે તો ખેતી સંપૂર્ણ નિષ્ફળ જશે!
સાબરકાંઠાના ધરતીપુત્રોની કાલાવાલી!
૪-૫ દિવસમાં વરસાદ નહીં પડે તો ખેતી સંપૂર્ણ નિષ્ફળ જશે!
સાબરકાંઠાને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય આપવા માગ!
સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતાં ખેડૂતો પર આફતનો પહાડ તૂટી પડ્યો છે. ચોમાસાની શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણો અને ખાતરની ખરીદી કરીને વાવણી કરનાર ધરતીપુત્રો હવે ભારે સંકટમાં મુકાયા છે. ખેડૂતોએ એક વીઘા દીઠ આશરે ૩૫ થી ૪૦ હજાર રૂપિયા સુધીનો મોટો ખર્ચ કર્યો હતો, પરંતુ અષાઢ અને શ્રાવણ વિતવા છતાં વરસાદ ગાયબ રહેતાં આ તમામ ખર્ચ માથે પડે તેવી ભયાનક સ્થિતિ નિર્માણ પામી છે. વરસાદ ન પડતાં ખેડૂતોએ પાક બચાવવા કૂવા અને બોરવેલ મારફતે સિંચાઈ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, પરંતુ ત્યાં પણ કુદરત રૂઠી હોય તેમ લાગે છે. અવિરત ખેંચાયેલા વરસાદના કારણે ભૂગર્ભ જળસ્તર સતત નીચા જઈ રહ્યા છે અને કૂવાના તળ ૩૫ થી ૪૦ ફૂટ સુધી ઊંડા ઉતરી ગયા છે. પાણીના તળ ઊંડા જતાં બોરવેલ પણ ફેલ થવાના આરે પહોંચ્યા છે, જેના કારણે સિંચાઈના અભાવે સમગ્ર વાવેતર નષ્ટ થાય તેવી ગંભીર આશંકા સેવાઈ રહી છે.
વરસાદ ખેંચાતાં વીઘા દીઠ ૪૦ હજારનો ખર્ચ માથે પડવાનો ભય!
૩૫ થી ૪૦ ફૂટ પાણી નીચા જતાં બોરવેલ ફેલ થવાના આરે!
ગઢોડા ગામના ખેડૂતોએ પોતાનો આક્રોશ અને વ્યથા ઠાલવતા જણાવ્યું કે જો આગામી ચારથી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદ નહીં પડે તો સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જશે. બળતા પાકને જોઈને ખેડૂતોની રાતોની ઊંઘ ઉડી ગઈ છે અને માથે દેવાનો મોટો બોજ આવી પડવાનો ભય સતાવી રહ્યો છે. જિલ્લામાં વકરતી જતી આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરાવવાની માંગ કરાઈ છે. ધરતીપુત્રોએ સરકાર સમક્ષ સાબરકાંઠાને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી યોગ્ય આર્થિક સહાય અને કૃષિ પેકેજ ચૂકવવાની જોરદાર અપીલ કરી છે જેથી ખેડૂતોને આર્થિક બરબાદીમાંથી ઉગારી શકાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

