VIDEO: કેરળના ઈડુક્કીમાં ભૂસ્ખલનનો કાળમુખો પંજો અદિમાલીમાં આખું મકાન જમીનદોસ્ત!
કેરળના ઈડુક્કીમાં ભૂસ્ખલનનો કાળમુખો પંજો
અદિમાલીમાં આખું મકાન જમીનદોસ્ત!
પહાડ ધસી પડતાં ઘરમાં રાખેલી તમામ વસ્તુઓ કાટમાળમાં ખાખ!
કેરળના ઈડુક્કી જિલ્લામાં આવેલા અદિમાલી પંથકમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થતાં મોટી હોનારત સર્જાઈ છે. પહાડનો એક મોટો હિસ્સો કડાકાભેર નીચે ધસી પડતાં એક રહેણાંક મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ભયાનક કુદરતી આફતમાં પાંચ પરિવારોનો આબાદ બચાવ થયો છે, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. બનાવના પગલે સમગ્ર અદિમાલી વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પહાડ પરથી માટી અને વિશાળ પથ્થરો નીચે સરકવાના અવાજ સંભળાતાં જ આસપાસના પાંચ પરિવારોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઘરમાંથી બહાર ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. જોતજોતામાં માટીના ધસમસતા પ્રવાહે એક આખું મકાન પોતાની ઝપેટમાં લઈ લીધું હતું અને ક્ષણવારમાં તેને જમીનદોસ્ત કરી દીધું હતું. ઘરવખરી અને અન્ય કિંમતી સામાન કાટમાળ હેઠળ દબાઈ જતાં પૂરતો આર્થિક ફટકો પડ્યો છે.
જોખમી વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર!
પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનનું વધ્યું સંકટ
ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ, સ્થાનિક પોલીસ અને પ્રશાસનની ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કાટમાળ હટાવવાની અને સુરક્ષા સમીક્ષાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂસ્ખલનની સંભાવના ધરાવતા આસપાસના અન્ય જોખમી મકાનોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે અને રાહત કેમ્પમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી આગામી સમયમાં કોઈ મોટી દુરઘટના ન ઘટે. ઈડુક્કીના અદિમાલીથી સામે આવેલા દ્રશ્યોમાં ભૂસ્ખલનનો ભયાનક મંજર, તબાહ થયેલું મકાન અને જીવ બચાવીને ભાગેલા ગ્રામજનોની આપવીતી સ્પષ્ટ જોઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં કેરળના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ સતત વધી રહ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને પહાડી વિસ્તારો તરફ જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

